નેત્રીય બહિર્વર્તિતા (exophthalmos) : આંખનો ડોળો બહાર ઊપસી આવ્યો હોય તે. તે સીધેસીધો કે કોઈ એક બાજુ સહેજ ત્રાંસો પણ ઊપસી આવે છે. નેત્રીય બહિર્વર્તિતાને આંખનો પૂર્વપાત (proptosis) પણ કહે છે. જો આંખનો ડોળો વધુ પડતો મોટો હોય કે આંખનાં પોપચાં ઉપર નીચે કે એમ બંને તરફ ખેંચાયેલાં હોય અથવા જો આંખની બખોલ (orbit) નાની હોય તો ક્યારેક જાણે આંખ ઊપસી આવી હોય એવું લાગે છે. તેને છદ્મ-પૂર્વપાત (pseudo-proptosis) કહે છે. આંખનો ડોળો ગોખલાની અંદર ઊંડો ઊતરી જાય તો તેને નેત્રીય અંતર્વર્તિતા (enophthalmos) કહે છે.
ક્યારેક એક બાજુની તો ક્યારેક બંને બાજુની આંખ ઊપસી આવે છે. ક્યારેક તે ટૂંકા સમયમાં ઉગ્ર સ્વરૂપે કે સમયાંતરે વારંવાર થઈ આવે છે. ક્યારેક ઊપસી આવેલો આંખનો ડોળો નાડીના ધબકારા સાથે સહેજ આગળ-પાછળ ખસતો-ધબકતો પણ હોય છે. આંખની બહિર્વર્તિતાનાં ઘણાં કારણો છે, જેમાં ગળામાં આવેલી ગલગ્રંથિ(thyroid gland)નું વધી ગયેલું કાર્ય મહત્વનું કારણ ગણાય છે. ગલગ્રંથ્રિનું કાર્ય વધે તેને અતિગલગ્રંથિતા (hyperthyroidism) કહે છે. તેની ઘણી ઝેરી અસરો ઉત્પન્ન થતી હોવાથી તેને ગલગ્રંથિવિષાક્તતા (thyrotoxicosis) પણ કહે છે. તેને ‘ગ્રેવનો રોગ’ એ નામે પણ ઓળખવામાં આવે છે. ગ્રેવના રોગમાં ઉપલું પોપચું ઉપર તરફ ખેંચાયેલું હોય છે, આંખના સ્નાયુઓની કાર્યક્ષમતા ઘટેલી હોય છે અને તે ફૂલેલા હોય છે. આ બધી જ બાબતો આંખને બહારની તરફ ઉપસાવે છે. આંખના ગોખલામાં ચેપ, સોજો કે ગાંઠ થાય અથવા આંખને ફેરવતા સ્નાયુઓનો લકવો થાય તો આંખ આગળ તરફ ઊપસી આવે છે.
આંખની બહિર્વર્તિતાનાં કેટલાંક કારણો
પ્રકાર | કારણરૂપ વિકારો | ||
1. | એક આંખનો વિકાર | (અ) | આંખના ગોખલામાં પેશીશોથ (cellulitits), અશ્રુગ્રંથિશોથ (dacryoadenitis), પૂર્ણનેત્ર-શોથ (panophthalmitis), ક્ષય, ઉપદંશ (syphilis) કે ગોખલાના હાડકામાં અસ્થિમજ્જાશોથ (osteomyelitis). |
(આ) | આંખના ગોખલાની પેશીનો સોજો, તેમાં લોહી ઝમવું (રુધિરસ્રાવ), આંખની નસોમાંના લોહીની શ્યાનતા (viscocity) વધવી, સ્થાનિક નસો પહોળી થવી. | ||
(ઇ) | આંખના ગોળા કે ગોખલામાં ગાંઠ. | ||
(ઈ) | લોહીના કૅન્સરમાં આંખના ગોખલામાં ગાંઠ થવી. | ||
(ઉ) | ગલગ્રંથિવિષાક્તતા (thyrotoxicosis). | ||
(ઊ) | આંખને ફેરવતા સ્નાયુઓને લકવો. | ||
2. | બંને આંખનો વિકાર | (અ) | ગલગ્રંથિવિષાક્તતા. |
(આ) | ખોપરી કે આંખના ગોખલાના હાડકાની કુરચના. | ||
(ઇ) | મગજની નીચે પહોળી થયેલી શિરાઓથી બનતા જાળીમય શિરાવિવર(cavernous sinus)માં લોહીનો ગઠ્ઠો જામવો. | ||
(ઈ) | નાકના પાછલા ભાગના ગળામાંની ગાંઠ ફેલાવી. | ||
(ઉ) | હૅન્ડ-શ્યુલર-ક્રિશ્ચિયન સંલક્ષણ. | ||
3. | ઉગ્ર વિકાર | (અ) | આંખના ગોખલામાં હવા ભરાવી. (વાતસ્ફીતિ, emphysema) |
(આ) | આંખના ગોખલામાં લોહી ઝમવું તે. (રુધિરસ્રાવ, haemorrhage) | ||
4. | આંતરિત વિકાર | (અ) | આંખના ગોખલાની નસોનો વિકાર. |
5. | ધબકારવાળો વિકાર | (અ) | શીર્ષસ્થધમની (carotid artery) કે જાળીમય શિરાવિવર(covernous sinus)નું પહોળું થવું. તેને વાહિનીવિસ્ફારણ (aneurysm) કહે છે. |
(આ) | આંખની ધમનીનું વાહિનીવિસ્ફારણ. | ||
(ઇ) | ગાંઠને કારણે ગોખલાની છતમાં કાણું પડવું. |
જ્યારે કોઈ પેશીમાં ઈજા કે ચેપ લાગે ત્યારે તે પેશીમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને તેથી તે લાલ અને ગરમ થાય છે તથા તેમાં પીડાકારક સોજો આવે છે. તેને શોથ(inflammation)નો વિકાર કહે છે. આંખના ગોખલાની પેશીમાં થતા આવા વિકારને પેશીશોથ કહે છે. તેવી રીતે અશ્રુગ્રંથિમાં અશ્રુગ્રંથિશોથ અને આખી આંખને અસર કરતા વિકારને પૂર્ણનેત્રશોથ કહે છે. આંખના ગોખલામાં લોહી ઝમે તો તેને રુધિરસ્રાવ (haemorrhage) કહે છે. ક્યારેક આંખના ગોખલા કે ખોપરીમાંની નસો પહોળી થઈને ફુગ્ગા જેવી પોટલી બનાવે તો તેને વાહિનીવિસ્ફારણ કહે છે. આંખના ગોખલામાં રુધિરસ્રાવ થાય, વાહિની-વિસ્ફારણ થાય, ગાંઠ થાય કે હવા ભરાય તથા ચેપને કારણે સોજો આવે તો ગોખલામાંની પેશીનું કદ વધે છે અને તે આંખના ગોળાને આગળની બાજુ સીધેસીધો કે કોઈ એક તરફ ત્રાંસો ઉપસાવીને બહાર કાઢે છે. તેને નેત્રીય બહિર્વર્તિતા કહે છે. સામાન્ય રીતે આંખનું અવલોકન કરતાં તેનું નિદાન કરી શકાય છે. સામાન્ય રીતે આંખના ગોખલાની કાન તરફની કિનારીથી આંખના ગોળાનો આગળનો છેડો 15થી 17 મિમી. જેટલો આગળ હોય છે. આંખ તેથી વધુ આગળ હોય તો તેને નેત્રીય બહિર્વર્તિતા કહે છે. સામાન્ય રીતે બંને આંખોની આગલી કિનારી વચ્ચે પણ 0થી 2 મિમિ. જેટલો તફાવત રહે છે. વળી કીકીનો ઉપલો છેડો (ઘડિયાળમાં જાણે ‘11 થી 1 વાગ્યા’ વચ્ચેનો ભાગ) ઉપલા પોપચાથી ઢંકાયેલો હોય છે. બહિર્વર્તિતાના કિસ્સામાં તે કિનારી ખુલ્લી થઈ જાય છે. તે બહિર્વર્તિતામાપક (exophthalmometer) નામના સાધન વડે માપી શકાય છે.
સામાન્ય રીતે જે તે મૂળ કારણરૂપ વિકારની સારવાર કરવાથી નેત્રીય બહિર્વર્તિતામાં રાહત મળે છે. પહોળી અને ખુલ્લી રહેતી આંખના રક્ષણ માટે સાદાં કે રંગીન ચશ્માં પહેરવાનું તથા રાત્રે આંખ પર પટ્ટી મૂકીને સૂવાનું જણાવાય છે. ક્યારેક આંખના પોપચાના છેડા પર ટાંકા લઈને આંખની ફાડ નાની કરવાનો પ્રયત્ન પણ કરાય છે. મોં વાટે અથવા આંખની પાછળ ઇંજેક્શન આપીને કૉર્ટિકોસ્ટીરૉઇડ વડે સારવાર કરાય છે. ક્યારેક અગ્ર પીયૂષિકા (anterior pituitary) ગ્રંથિનું અવદાબન કરવા માટે ગલગ્રંથિ-અંત:સ્રાવ (thyroid hormone) આપવામાં આવે છે.
શિલીન નં. શુક્લ
બકુલેશ મ. ખમાર
જયેશ વિ. ઠાકોર