નેત્રાંત:નિરીક્ષા (opthalmoscopy)

January, 1998

નેત્રાંત:નિરીક્ષા (opthalmoscopy) : આંખના ગોળાની અંદર કરવામાં આવતું અવલોકન–પરીક્ષણ. એ માટેના સાધનને નેત્રાંત:દર્શક (opthalmoscope) કહે છે, અને તે પ્રક્રિયાને નેત્રાંત:નિરીક્ષણ કે નેત્રાંત:નિરીક્ષા કહે છે. આંખના પોલાણના અંત:સ્તલ(fundus)ને જોવાની આ પ્રક્રિયા હોવાથી તેને અંતસ્તલ-નિરીક્ષણ (fundoscopy) પણ કહે છે. આંખના દૃષ્ટિપટલ (retina) પરથી પરાવર્તિત થતા પ્રતિબિંબના નિરીક્ષણને દૃષ્ટિપટલ–નિરીક્ષણ અથવા દૃષ્ટિપટલ–પ્રતિબિંબ–નિરીક્ષણ (retinoscopy) કહે છે અને તેના દ્વારા આંખની વક્રીભવનગત ક્ષતિઓ (errors of refraction) જાણી શકાય છે. તેના દ્વારા ચશ્માંનો વક્રીભવનાંક નક્કી કરાય છે. નેત્રાંત:નિરીક્ષણ તેનાથી એક સાવ અલગ પ્રક્રિયા છે જેમાં દૃષ્ટિપટલ સહિત આંખના અન્ય જોઈ શકાય તેવા ભાગોનું સાધન વડે અવલોકન કરાય છે. આંખને શરીરની બારી કહે છે જેના દ્વારા બહારના વિશ્વનું જ્ઞાન મળે છે તેમ શરીરમાંના ઘણા વિકારો વિશે પણ આંખની અંદર જોવાથી અમૂલ્ય માહિતી મળે છે. (જુઓ ‘દૃષ્ટિપલટલદોષ’.)

નેત્રાંત:નિરીક્ષણ બે પ્રકારનું હોય છે : (1) આડકતરું (indirect) અને (2) સીધેસીધું (direct). આડકતરા નેત્રાંત:નિરીક્ષણમાં કિરણોને એકત્રિત કરતો સંવર્તિન દૃગકાચ (converging lens) વપરાય છે. અંધારા ખંડમાં ડૉક્ટરના માથા પર પ્રકાશના સ્રોતમૂળ (light source) રૂપે વીજળીનો દીવો રખાય છે. તપાસનાર ડૉક્ટર દર્દીની સામે બેસીને પોતાના હાથમાં + 20 ડાયૉપ્ટરવાળો સંવર્તિન દૃગકાચ દર્દીની આંખ સામે રાખીને, આંખના ગોળામાંના દૃષ્ટિપટલનું સાચું, ઊંધું અને પાંચગણું મોટું પ્રતિબિંબ મેળવે છે. હાલ બંને આંખો વડે અવલોકન કરવાનું દ્વિનેત્રી સંયુગ્મક નેત્રાંત:દર્શક (binocular fusion type ophthalmo scope) નામનું સાધન વપરાય છે (જુઓ આકૃતિ, પૃ. 337). તેના વડે દૃષ્ટિપટલની કિનારી સુધીનું પ્રતિબિંબ પણ મેળવી શકાય છે. સીધેસીધા નેત્રાંત:નિરીક્ષણ માટે નેત્રાંત:દર્શક નામનું સાધન મળે છે.

તેના વડે આંખના દૃષ્ટિપટલનું દસગણું મોટું, સીધું અને આભાસી (virtual) પ્રતિબિંબ મળે છે. નેત્રાંત:દર્શક એક હાથબત્તી (hand torch) જેવું વિવિધ ડાયૉપ્ટરના દૃગકાચોવાળું નિરીક્ષણ માટેનું સાધન છે. તેમાં હાથાના ભાગમાં બૅટરીના સેલ મૂકવામાં આવે છે. પ્રકાશના સ્રોતમૂળ રૂપે એક નાનો વિદ્યુત-ગોળો હોય છે. તેની ગોળ ફરતી આંખ વડે પ્રકાશની તીવ્રતામાં વધઘટ કરાય છે. સીધી દિશામાં જોતા દર્દીની આંખ પાસે સાધન રાખીને આંખની કીકીના છિદ્ર (કનીનિકા, pupil) દ્વારા પ્રકાશ નંખાય છે. આંખના અંતસ્તલમાંથી દૃષ્ટિપટલ પરથી પરાવર્તિત થઈને આવતાં કિરણોને યોગ્ય દૃગકાચવાળા છિદ્રમાં જોવામાં આવે છે અને આમ દૃષ્ટિપટલનું સીધેસીધું અવલોકન કરાય છે. યોગ્ય ડાયૉપ્ટરવાળો દૃગકાચ વાપરી શકાય માટે અવલોકન-છિદ્રમાં વારાફરતી આવી શકે એવા દૃગકાચો મઢેલું એક ચક્ર જોડવામાં આવેલું હોય છે. સ્પષ્ટ અવલોકન માટે આંખની કીકીના છિદ્રને દવા વડે પહોળું કરાય છે અને તેનું સામાન્ય રીતે અંધારા ખંડમાં અવલોકન કરવામાં આવે છે.

દૃષ્ટિપટલ, તેની નસો, તેમાં આવેલો દૃષ્ટિબિંદુવિસ્તાર (mucula) તથા દૃષ્ટિપટલચકતીનું નિરીક્ષણ કરીને અભ્યાસ કરાય છે. સમગ્ર દૃષ્ટિપટલ એક લાલ રંગના અંતસ્તલ રૂપે જોવા મળે છે. દૃષ્ટિપટલમાં આવેલા રંજકકણો(pigment)ને આધારે તેનો રંગ નિશ્ચિત થાય છે. અંતસ્તલના મધ્યમાં દૃષ્ટિપટલચકતી (optic disc) એક બિંબ રૂપે દેખાય છે માટે તેને નેત્રબિંબ પણ કહે છે. દૃષ્ટિચેતા (optic nerve) આંખની અંદરના છેડા પર આવેલી ચકતી હોવાથી તેને દૃષ્ટિપટલચકતી પણ કહે છે. તે ગોળ અથવા લંબગોળ આકારની અને આછા ગુલાબી રંગની હોય છે. તે અંતસ્તલમાં વચ્ચે અને પાછલા ભાગમાં આવેલી હોય છે. તેની વચ્ચે એક નાનો ખાડો હોય છે, જેને દેહધાર્મિક કોટરિકા (physiological cup) કહે છે. તેની કિનારી તીક્ષ્ણ અને સ્પષ્ટ હોય છે, અને તેમાંથી લોહીની નસો નીકળીને દૃષ્ટિપટલ પર ફેલાતી જોવા મળે છે. ઝામરના રોગમાં દેહધાર્મિક કોટરિકા મોટી થાય છે. દૃષ્ટિચેતા પર બહારથી દબાણ હોય કે ખોપરીની અંદર ચેપ કે ગાંઠને કારણે દબાણ વધે તો દૃષ્ટિપટલચકતીનો સોજો આવે છે. તેને નેત્રબિંબશોફ અથવા દૃષ્ટિચકતીશોફ (papilloedema) કહે છે. જો દૃષ્ટિચેતાનો શોથજન્ય (inflammatory) વિકાર થાય તો દૃષ્ટિચકતીશોથ(papillitis)નો વિકાર થાય છે. તેમાં દર્દીને અંધાપો આવે છે. દૃષ્ટિચેતા પરના સતત, સીધા અને લાંબા ગાળાના દબાણથી કે શોથથી દૃષ્ટિચેતાના તંતુઓ ક્ષીણ થાય છે. તે સમયે દૃષ્ટિચકતી ચૉક જેવી સફેદ દેખાય છે. દર્દીની દૃષ્ટિક્ષમતા ઘટે છે, તેને દૃષ્ટિચકતીક્ષીણતા (optic atrophy) કહે છે.

બહારથી આવતા પ્રકાશનાં સીધાં અને સમાંતર કિરણો સ્વચ્છા (cornea) અને નેત્રમણિ (lens) દ્વારા વાંકાં વળીને દૃષ્ટિપટલમાં આવેલા એક લાલ રંગના ડાઘા જેવા વિસ્તાર પર એકઠાં થાય છે. તેને દૃષ્ટિબિંદુવિસ્તાર કહે છે. તે સ્થળે આવેલા શંકુકોષો અને દંડકોષો વડે સંવેદના પ્રાપ્ત કરીને મગજ દ્વારા સ્પષ્ટ ચિત્ર ઉપસાવાય છે. તેનો વચલો ભાગ ચળકતો હોય છે. તેને કેન્દ્રગર્ત (fovea centralis) કહે છે, અને તેની વચ્ચે આવેલા નાના ખાડાને કટોરિકા (pit) કહે છે. તેના પરથી પરાવર્તિત થતા તેજસ્વી બિંબ(bright reflex)ને કેન્દ્રગર્તીય (foveal) પરાવર્તિત બિંબ કહે છે. દૃષ્ટિબિંદુવિસ્તારનું અવલોકન મહત્વની ક્રિયા છે. તેના પર લોહીનો ડાઘ હોય કે તેની આસપાસ લોહીની નવી નસો બનીને તેને ઢાંકતી હોય તો વ્યક્તિને જોવામાં મુશ્કેલી પડે છે.

નેત્રાંત:દર્શક દ્વારા આંખના જોવા મળતા વિવિધ પ્રકારના વિકારોમાંના અંતસ્તલો (fundui) (ક) દૃષ્ટિપટલની નસો (ચિત્રાત્મક રજૂઆત), (ખ) સામાન્ય અંતસ્તલ, (ગ) સામાન્ય દૃષ્ટિબિંદુ વિસ્તાર (macula) દર્શાવતું અંતસ્તલ, (ઘ) જવના દાણા જેવા ક્ષયના વિસ્તારો, (ચ) ક્ષયથી અસરગ્રસ્ત મધ્યસ્તર (choroid), (છ) ઝામરમાં પહોળી અને ઊંડી થયેલી દૃષ્ટિ ચકતી, (જ) દૃષ્ટિબિંદુની દુ:ક્ષીણતા, (ઝ) દૃષ્ટિપટલ નીચે લોહી ઝમવું, (ટ) વિઘાતક પાંડુતાનો વિકાર જેમાં લોહી ઝમે અને શ્વેતકોષોનાં ઝૂમખાં જામી જાય, (ઠ) વિસ્તરતી જતી દૃષ્ટિપટલરુગ્ણતા, (ડ) બહિ:સારી દૃષ્ટિપટલરુગ્ણતા, (ઢ) દૃષ્ટિપટલની મધ્યસ્થ ધમનીનો અવરોધ, (ણ) મધ્યસ્થ શિરામાં અવરોધ, (ત) દૃષ્ટિપટલની શિરાની આસપાસ ક્ષય, (થ) ધમનીકાઠિન્ય(atherosclerosis)માં જોવા મળતી તાંબા કે ચાંદીના તાર જેવી ધમનીઓ, (દ) ધમનીકાઠિન્ય, (ધ) મધુપ્રમેહ, (ન) સગર્ભાવસ્થાની વિષાક્તતા, (પ) ધમનીકાઠિન્ય (arteriolar sclerosis), (ફ) લોહીનું ઊંચું દબાણ, (બ) મારક અતિઊંચું લોહીનું દબાણ, (ભ) દૃષ્ટિપટલની દુ:ક્ષીણતા, (મ) દૃષ્ટિપટલ ફાટી જવો (ઉન્મૂલન) (retinal detachment), (ય) ધમનીકાઠિન્યમાં દબાઈ જતી શિરાઓ, (ર, લ, વ) દૃષ્ટિપટલમાં પડતાં કાણાં, (શ) દૃષ્ટિચકતીશોફ (papilloedema), (ષ) દૃષ્ટિપટલ ક્ષીણતા (optic atrophy)  પ્રાથમિક, (સ) દૃષ્ટિચેતાશોથ (optic neuritis) પછીની દૃષ્ટિપટલક્ષીણતા. નોંધ : (1) દૃષ્ટિચકતી, (2) દૃષ્ટિપટલની નસો, (3) દૃષ્ટિબિંદુ, (4) ઊંડી દૃષ્ટિચકતી, (5) દૃષ્ટિપટલમાં ઝમેલું લોહી, (6) ચાંદીના તાર જેવી ધમની, (7) તાંબાના તાર જેવી ધમની, (8) દૃષ્ટિપટલમાં છિદ્ર, (9) દૃષ્ટિચકતીનો સોજો (શોફ), (10) દૃષ્ટિપટલની ક્ષીણતા.

દૃષ્ટિચેતાની વચ્ચે મધ્યસ્થ ધમની (central artery) અને શિરા આવેલાં છે. તેમની શાખાઓ દૃષ્ટિચકતીમાંથી નીકળીને દૃષ્ટિપટલ પર ફેલાય છે. ધમનીની જાડાઈ અને શિરાઓ પરનું તેનું દબાણ જાણવાથી તેમજ નવી નસો બનવાની પ્રક્રિયા નોંધીને ધમનીકાઠિન્ય (atherosclerosis), લોહીનું ઊંચું દબાણ અને મધુપ્રમેહને કારણે દર્દીની નસોને કેટલું નુકસાન થયું છે તે સીધેસીધું જોઈ શકાય છે. મધુપ્રમેહના દર્દીના મૂત્રપિંડની નસોના રોગ અંગે આ માહિતી ઘણી ઉપયોગી નીવડે છે. આ ઉપરાંત આ રોગોમાં તથા લોહીમાંનું હીમોગ્લોબિન ઓછું હોય (પાંડુતા, anaemia) કે લોહીનું કૅન્સર થયું હોય તો દૃષ્ટિપટલમાં સફેદ બહિ:સ્રાવ (exudation) અને રુધિરસ્રાવ (haemorrhage) થાય છે. દૃષ્ટિપટલમાં થતો નસોનો વિકાર, તેના પર જમા થતું સફેદ બહિ:સારી દ્રવ્ય (exudate) અને રુધિરસ્રાવને કારણે ઉદભવતા લોહીના ડાઘાને સંયુક્ત રૂપે દૃષ્ટિપટલરુજા (retinopathy) કહે છે. લોહીના ઊંચા દબાણ અને મધુપ્રમેહના રોગોના વધુ તીવ્રતાવાળા તબક્કાઓના નિદાનમાં આ પ્રકારનું અવલોકન ઘણું ઉપયોગી રહે છે. ક્યારેક દૃષ્ટિપટલમાં રંજકકણો (વર્ણકકણો, pigments) ઓછા હોય તો મધ્યપટલમાંની લોહીની નસોનું ગૂંચળું (વાહિનીજાલ, choroid plexus) પણ જોઈ શકાય છે.

નેત્રાંત:નિરીક્ષણ દ્વારા અવલોકનોનું માપન પણ કરી શકાય છે. તેના વડે વિવિધ વિકારોનું દૃષ્ટિપટલ પર સ્થાન-નિશ્ચયન કરાય છે. તેના વડે તે રોગોની સારવારના પરિણામ વિશે પણ જાણી શકાય છે.

શિલીન નં. શુક્લ

જયેશ વિ. ઠાકોર