નેત્રાર્બુદો (tumours of the eye)

January, 1998

નેત્રાર્બુદો (tumours of the eye) : આંખમાં કે તેની આસપાસ થતી ગાંઠો. આંખનાં પોપચાં, અશ્રુગ્રંથિ, દૃષ્ટિચેતા તથા આંખના ગોખલામાં થતી ગાંઠો ઉપરાંત આંખની અંદર પણ ક્યારેક ગાંઠો વિકસે છે, જેમાં દૃષ્ટિપટલ બીજકોષાર્બુદ (retinoblastoma), રુધિરવાહિનીઓવાળા મધ્યપટલનું કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma) તથા પોપચાંને અસર કરતું તલકોષી કૅન્સર (basal cell carcinoma) મુખ્ય છે (જુઓ ‘કૅન્સર, ચામડીનું’ તથા ‘કૅન્સર, બાળકોનું’). આંખ સંબંધિત ગાંઠોને આ સાથેની સારણીમાં દર્શાવી છે. તેમાં સૌમ્ય (benign) તથા મારક અથવા ઘાતક (malignant) અથવા કૅન્સરની ગાંઠોનો સમાવેશ થાય છે (જુઓ ‘કૅન્સર, ચામડીનું’ તથા ‘કૅન્સર, બાળકોનું’). આંખના પોપચામાં ક્યારેક કૅન્સર ચાંદા રૂપે પણ ઉદભવે છે. તેને તલકોષીય કૅન્સર અથવા કોષભક્ષી વ્રણ (rodent ulcer) પણ કહે છે. સૌમ્ય ગાંઠને જરૂર પડ્યે શસ્ત્રક્રિયાથી કાઢી નંખાય છે. કૅન્સરની સારવારમાં શસ્ત્રક્રિયા, દવાઓ તથા વિકિરણસારવારની જરૂર પડે છે.

આંખસંબંધિત ગાંઠો અને કૅન્સર

આંખનો ભાગ કે વિસ્તાર   ગાંઠનો પ્રકાર
1. પોપચું (eye-lid) (અ) અંકુરાર્બુદ (papilloma).
(આ) વાહિની-અર્બુદ (angioma).
(ઇ) તલ (naevus).
(ઈ) પીતાર્બુદ (xanthoma).
(ઉ) ચેતાતંતુ-અર્બુદ (neurofibroma).
2. સ્વચ્છા (cornea) સ્વચ્છા તેની કિનારી(limbus)માંથી ઉદભવતી અને ફેલાતી ગાંઠથી અસરગ્રસ્ત થાય.
(અ) અંકુરાર્બુદ, (આ) કૃષ્ણકોષી કૅન્સર (maliganat melanoma) અને
(ઇ) અધિચ્છદાર્બુદ (epithelioma).
3. કનીનિકાપટલ (iris), પક્ષ્મલકાય (ciliary body) તથા આંખના ગોળાનું નસોવાળું મધ્યપટલ (choroid) (અ) કૃષ્ણકોષી કૅન્સર.
4. દૃષ્ટિપટલ (retina) (અ) દૃષ્ટિપટલ બીજકોષાર્બુદ (retinoblastoma).
5. દૃષ્ટિચેતા (optic nerve) (અ) સ્નિગ્ધપેશી અર્બુદ (glioma).
(આ) તાનિકાર્બુદ (meningioma).
6. અશ્રુગ્રંથિ (lacrimal gland) (અ) ગ્રંથિઅર્બુદ (adenocarcinoma).
(આ) લસિકાર્બુદ(lymphoma)માં અસરગ્રસ્ત થતી અશ્રુગ્રંથિ.
7. આંખનો ગોખલો (orbit) (અ) ત્વચાભ (dermoid).
(આ) અસ્થિઅર્બુદ (osteoma).
(ઇ) વાહિનીઅર્બુદ (haemangionea).
(ઈ) ચેતાતંતુઅર્બુદ (neurofibroma).
(ઉ) તંતુઅર્બુદ (fibroma).
(ઊ) આંખના કે આસપાસના કૅન્સરમાં
અસરગ્રસ્ત થતો આંખનો ગોખલો.

શિલીન નં. શુક્લ

રોહિત દેસાઈ