નેત્રવેલ (pterygium) : આંખની કીકીને ઢાંકતું નેત્રકલા(conjunctiva)નું ત્રિકોણાકાર પડ. આંખની કીકી પરનું પારદર્શક ઢાંકણ સ્વચ્છા (cornea) કહેવાય છે. જ્યારે આંખની ફાડના કીકી સિવાયના સફેદ ભાગ પરના આવરણને નેત્રકલા (conjunctiva) કહે છે. આંખના ગોળા પર નાકની બાજુથી કે કાન તરફથી નેત્રકલાનું જાડું માંસલ (fleshy) અને નસોવાળું ગડીરૂપ ત્રિકોણાકાર પેશીપડ સ્વચ્છા પર વિકસે તો તેને નેત્રવેલ કહે છે. તે સામાન્ય રીતે આડું (સમક્ષિતિજ) વિકાસ પામે છે. તેનું મુખ્ય કારણ નેત્રકલાની નીચે આવેલી અવનેત્રકલા (subconjuctival) પેશીની અપક્ષીણતા (degeneration) છે. તે અપક્ષીણતાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળતું નથી, પરંતુ તે ઘર બહાર કામ કરતા મોટી ઉંમરના પુરુષોમાં વધુ જોવા મળે છે. મોટેભાગે તે નાક તરફથી વિકસે છે અને એક અથવા બંને આંખોમાં જોવા મળે છે. આ ત્રિકોણાકાર પેશીપડનું શિરોબિંદુ સ્વચ્છા પર હોય છે અને તેને નેત્રવેલનું શીર્ષ કહે છે. અન્ય ભાગોને કંઠ અને કાયા રૂપે વર્ણવાય છે. તેના બે તબક્કા છે : વિકાસલક્ષી (progressive) અને ક્ષીણતાજન્ય (atrophic). વિકાસલક્ષી નેત્રવેલમાં સ્વચ્છા પર અપારદર્શક બિંદુઓ હોય છે અને તે જાડું તથા વાહિનીદાર (vascular) હોય છે. વિકાસલક્ષી નેત્રવેલ બહિર્ગોળ સ્વચ્છા વક્રસપાટીને સપાટ કરે છે. તેથી તેમાં થઈ પસાર થતાં બિન્દુઓ દૃષ્ટિપટલ પર એક સ્થળે એકઠાં થતાં નથી તેથી ઝાંખું દેખાય છે. તેને અનેક-બિન્દુલક્ષ્યતા(astigmatism)નો વિકાર કહે છે. ક્ષીણતાજન્ય નેત્રવેલમાં નસો ઓછી હોય છે અને તેના શીર્ષબિંદુ પાસે સ્વચ્છામાં કોઈ અપારદર્શક વિસ્તાર હોતો નથી.

સાચી નેત્રવેલ અને છદ્મનેત્રવેલનો તફાવત

પરિમાણ સાચી નેત્રવેલ છદ્મનેત્રવેલ
1. પ્રક્રિયા અપક્ષીણતાજન્ય (degenerative). શોથકારી (inflammatory).
2. વેલના કંઠ નીચેથી તાર પસાર થાય (probing) હા. ના.
3. સ્થાન હંમેશ પોપચાની ફાડમાં સમક્ષિતિજ. ગમે તે ખૂણેથી વિકસે.
4. વિકાસ સતત વધે અથવા સ્થિર રહે. સ્થિર રહે.
5. ઉંમર મોટી ઉંમરે થાય. ગમે તે ઉંમરે થાય.

આંખની કીકીમાં સૂક્ષ્મ છિદ્ર હોય છે, જેમાંથી પ્રકાશનાં કિરણો પસાર થાય છે. જ્યાં સુધી નેત્રવેલ તે છિદ્ર સુધી ફેલાતી નથી ત્યાં સુધી કોઈ ખાસ તકલીફ કરતી નથી. જ્યારે તે ઢંકાય ત્યારે જોવામાં તકલીફ પડે છે. નેત્રવેલને કારણે જો આંખના ડોળાનું હલનચલન ઘટે તો બેવડું દેખાય છે.

આંખમાં કોઈ ઍસિડ જેવું રસાયણ પડે અને તેને કારણે સ્વચ્છા પર ચાંદું પડે તો તે સ્થળે નેત્રકલાનું પડ જામે છે. તેને છદ્મનેત્રવેલ (pseudo-pterygium) કહે છે. તે ચારે તરફથી વિકસે છે તથા નીચલા પોપચા તેમજ આંખના સ્નાયુઓને પણ ચોંટાડે છે. તેથી આંખનો ડોળો ફેરવવામાં તકલીફ પડે છે. તેને ખરી નેત્રવેલથી અલગ પડાય છે અને સારવાર રૂપે તેને કાપીને કાઢી નંખાય છે. સાચી નેત્રવેલ અને છદ્મ-નેત્રવેલનો તફાવત આ સાથે સારણીમાં દર્શાવ્યો છે :

જો નેત્રવેલ વધતી ન હોય અને ક્ષીણ થતી જતી હોય તો કોઈ સારવારની જરૂર રહેતી નથી એવું મનાય છે. વધતી જતી નેત્રવેલને કાં તો સ્વચ્છાથી છૂટી પડાય છે અથવા તો કાપીને કાઢી નંખાય છે. છદ્મ-નેત્રવેલને સ્વચ્છાથી છૂટી પાડીને કાઢી નંખાય છે. વિકાસલક્ષી નેત્રવેલને કાપીને હઠાવ્યા પછી મોટેભાગે તે ફરીથી સ્વચ્છા પર વિકસે છે. બી-કિરણો વડે સારવાર આપવાથી તેનો વિકાસ ધીમો પડે છે.

શિલીન નં. શુક્લ

દુર્દાંત દવે

સંગીતા દુ. દવે