નૅશનલ જ્યોગ્રાફિક્લ સોસાયટી ઑફ ઇન્ડિયા (NGSI) : બનારસ હિન્દુ યુનિવર્સિટી, વારાણસીના ભૂગોળ-વિભાગના ઉપક્રમે 1946માં સ્વ. પ્રાધ્યાપક એચ. એલ. છિબ્બર દ્વારા સ્થપાયેલી સંસ્થા. આ સંસ્થાના હેતુઓ અને ઉદ્દેશો નીચે મુજબ છે : (1) ભારતભરમાં ભૂગોળના જ્ઞાનનું સંવર્ધન કરવું અને તેનો પ્રચાર તેમજ વિસ્તાર કરવો, (2) ભૂગોળના અભ્યાસના પ્રોત્સાહન દ્વારા ભૌગોલિક અન્વેષણ કરવું અને તે અંગેની માહિતી એકત્રિત કરવી, (3) સમાન ધ્યેયો ધરાવતી અન્ય સંસ્થાઓ સાથે સહકાર વધારવો અને (4) લોકોની ઉન્નતિ માટે ભૌગોલિક સંશોધનો અને તે અંગેના કાર્યક્રમો હાથ ધરવા.
સોસાયટીએ તેની સ્થાપના પછીના ગાળામાં ઘણાં સંશોધન-બુલેટિનો અને મૉનોગ્રાફ બહાર પાડ્યાં છે, જેમાં પીએચ.ડી. માટેના મહાનિબંધોનો પણ સમાવેશ થાય છે. આ સોસાયટીએ ‘નૅશનલ જ્યોગ્રાફિકલ જર્નલ ઑવ્ ઇન્ડિયા’ સામયિકનું પ્રકાશન શરૂ કર્યું છે, જેનો પ્રથમ અંક સપ્ટેમ્બર, 1955માં પ્રકાશિત થયેલો. ત્યારથી આ જર્નલ ત્રૈમાસિક સ્વરૂપે નિયમિત પ્રકાશિત થતું રહેલું છે. દુનિયાભરનાં ભૂગોળવિષયક પ્રકાશનોમાં આ જર્નલ દ્વારા સોસાયટીને નામના તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી છે.
ભૌગોલિક સંશોધનોનાં વિકાસ અને વૃદ્ધિ માટે એક સમૃદ્ધ પુસ્તકાલય ઊભું કરવું તથા વિવિધ નકશાઓની જાળવણી અને ઉપલબ્ધિ થાય તે હેતુથી એક સંગ્રહસ્થાન તૈયાર કરવું એ આ સોસાયટીની નેમ છે. દુનિયાભરની ભૂગોળને લગતી બધી જ અગ્રણી સંસ્થાઓ સાથે આ સોસાયટીએ વિનિમય-કરાર કરેલા છે. સોસાયટીના 700 ઉપરાંત સભ્યો છે. સોસાયટીએ ચંદ્રકો, પારિતોષિકો અને સંશોધનને સહાયક બને એવાં સાધનોના વિતરણની વ્યવસ્થા કરી છે. આ સોસાયટીએ અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગનાં કેટલાંક નગરોનાં સર્વેક્ષણો, વારાણસી નગરનું ટ્રાફિક સર્વેક્ષણ, દોભી પ્રદેશનું સર્વેક્ષણ જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરી છે.
ભારતમાં ભૂગોળના ક્ષેત્રે આ સંસ્થાએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના ભૂગોળ-વિભાગે સંસ્થાના પ્રારંભકાળથી જ તેના વિકાસમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
અનુ. ગિરીશભાઈ પંડ્યા