નૅશનલ જ્યૉગ્રાફિક

January, 1998

નૅશનલ જ્યૉગ્રાફિક :  સમગ્ર બ્રહ્માંડ, ધરતી, સાગર અને આકાશ વિશેના માણસના જ્ઞાનને વધારતું અને પ્રસારતું વિશ્વનું લોકપ્રિય અંગ્રેજી માસિક-પત્ર. પૂરું નામ ‘ધ નૅશનલ જ્યૉગ્રાફિક મૅગેઝિન’. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં 1888માં અમેરિકાના 33 અગ્રણીઓએ ‘ભૂગોળના જ્ઞાનના વર્ધન અને પ્રસારણ માટે’ ‘ધ નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટી’ની સ્થાપના કરી. એ જ વર્ષે સોસાયટીના મુખપત્ર રૂપે ‘નૅશનલ જ્યૉગ્રાફિક’ની શરૂઆત થઈ ત્યારે તેનું કાર્યાલય વૉશિંગ્ટનના એક નાના માર્ગ પરના વાણિજ્યભવનના પાંચમા માળે એક ખંડના અડધા ભાગમાં હતું. અત્યારે અમેરિકી પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની નિકટમાં જ આ સંસ્થા વિવિધ મકાનોવાળું વિશાળ સંકુલ ધરાવે છે. 60થી વધારે દેશોમાં તેના એક કરોડથી વધારે સભ્યો છે. તેઓ દર મહિને સભ્યપદના લવાજમ પેટે આ માસિક મેળવે છે. પહેલા દસ વર્ષમાં તેની સભ્યસંખ્યા 1,000 સુધી પણ પહોંચી નહિ. 1898માં પ્રમુખ ઍલેક્ઝાંડર ગ્રેહામ બેલના સમયમાં વર્ષાંતે દેવું 2,000 ડૉલર થયું. બેલે તેના સંબંધી 23 વર્ષના ગિલ્બર્ટ ગ્રોસવેનરને આ પત્રનો તંત્રી નીમ્યો. તેણે પત્રને સર્વજનભોગ્ય બનાવવા પ્રયત્ન કર્યો. 1905માં તિબેટના અભેદ્ય વિસ્તારોની 11 છબીઓ સાથે રસભર્યો લેખ પ્રસિદ્ધ કર્યો. સભ્યોએ આની સામે વાંધો લીધો, પણ સભ્યસંખ્યા ઝડપથી વધવા લાગી તે તેમને ગમ્યું. 1910માં એક અંકમાં 24 રંગીન ચિત્રો છપાયાં અને એ રીતે પત્ર વધુ આકર્ષક થતાં તેની ગ્રાહકસંખ્યામાં – સભ્યસંખ્યામાં ભારે ઉછાળો આવ્યો.

તેમાં વિષયોનું વૈવિધ્ય અનેરું છે. ‘ભૂગોળ’નો અર્થ અહીં પૃથ્વી તથા શિલાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ જેવાં તેનાં આવરણો અને વિવિધ ક્ષેત્રોને લગતી, ઊંડાણવાળી, અદ્યતન વિસ્તૃત માહિતી એવો કરાયો છે. 1979માં પીટર જેનકિન્સ નામના વિદ્યાર્થીએ તેના કૂતરા સાથે અમેરિકા સોંસરી પદયાત્રા કરી તેનો સચિત્ર વૃત્તાંત અત્યંત ઉત્તેજક બન્યો. 1952માં ચિત્રસંપાદક તરીકે જોડાયેલા વિલ્બર ગૅરેટે પાછળથી તંત્રી તરીકે સામયિકને નવો ઓપ આપ્યો. ભૌગોલિક પ્રદેશો (જેમ કે, ભારત) તથા તત્સંલગ્ન વિવિધ વિષયો(જેમ કે, પ્રાણી)ના નિષ્ણાતો એવા 30 ઉપતંત્રીઓ તેમના સહાયકો બન્યા. ઘણા લેખો સંસ્થા પોતે જ તૈયાર કરાવે છે. દર વર્ષે શોધયાત્રીઓ પાસે આવેદનો મંગાવી તેમને તેમની શોધયાત્રા માટે જોઈતાં નાણાં તથા સાધનો પૂરાં પાડી વિસ્તૃત વૃત્તાંત તૈયાર કરાવવામાં આવે છે. હજારો ચિત્રોમાંથી પસંદ કરેલાં ચિત્રો લેખમાં મૂકીને તેને આકર્ષક અને સુગમ બનાવવામાં આવે છે. બીજા વિભાગમાં આપમેળે શોધયાત્રામાં લાગેલા વિજ્ઞાનીઓ તથા સાહસિકોના લેખો હોય છે. આવા લેખો ઓછા હોય છે. ઘણુંખરું વર્ષ માટેના લેખો આગોતરા નિશ્ચિત કરી લેવાય છે.

રોગનિદાનની આધુનિક પદ્ધતિઓને વિસ્તારથી સમજાવતો લેખ છેક 1987માં પ્રસિદ્ધ કરાયો હતો; ઉદા. સંગણક દ્વારા ચિત્રણ (CAT-SCAN અથવા computed tomography, CT), ચુંબકીય અનુનાદથી ચિત્રપ્રાપ્તિ (magnetic resonance imaging, MRI), અંકીય ઉદ્ધકરણ વાહિનીલેખન (digital subtraction angiography, DSA), પ્રતિઘોષ છબી (sonography), પૉઝિટ્રૉન સંચરણ ચિત્રણ (positron emission tomography, PET) અથવા એકલ તેજાણુ સંચરણ સંગણક ચિત્રણ (single photon emission tomography, SPECT) આદિ. આમ પ્રતિવર્ષ લગભગ 24 લાખ ચિત્રોમાંથી લેખદીઠ આશરે 20 ચિત્રો લેવામાં આવે છે. તે માટે વિશેષ પ્રકારના કૅમેરાઓની મદદ લેવાય છે.

‘નૅશનલ જ્યૉગ્રાફિક’નું બીજું મહત્ત્વનું કાર્ય નકશા તૈયાર કરવાનું છે. 1888માં તેના પહેલા અંકમાં જ ઋતુમાનના ચાર નકશા છપાયા હતા. અત્યારે તે દર વર્ષે સભ્યોને 160 નકશાપાનાં તથા 6 વિશાળ છૂટા નકશા વિના મૂલ્યે આપે છે. તેણે વિવિધ નકશાપોથીઓ પણ બહાર પાડી છે. સંસ્થા બીજાં કેટલાંક સામયિકો, પુસ્તકો, અભ્યાસ-સામગ્રી તથા વીડિયો-કૅસેટો પણ તૈયાર કરે છે. ભૂગોળ-વાચકો માટે ટીવી તરફથી  નૅશનલ જ્યૉગ્રોફી ચૅનલ યુ.એસ. તરફથી શરૂ કરેલ છે.

બંસીધર શુક્લ