નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયા (NAGI)
January, 1998
નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયા (NAGI) : ભારતીય ભૂગોળવિદોનું રાષ્ટ્રીય સંગઠન. 1860ના સોસાયટી ધારા XXI અન્વયે નૅશનલ ઍસોસિયેશન ઑવ્ જ્યૉગ્રાફર્સ, ઇન્ડિયાની નોંધણી કરવામાં આવી હતી અને તે અનુસાર 1978માં આ સંગઠનની સ્થાપના થઈ હતી. ભૂગોળના વિષય માટે ભરાતી વાર્ષિક ચર્ચાસભાઓ અને અધિવેશનોમાં ભૂગોળવિદોને દેશમાં ભૂગોળના વિષયના વિકાસ માટે રાષ્ટ્રીય સ્તરના એક સંગઠનની જરૂરિયાત જણાઈ. ભૂગોળ ઉપરાંત પ્રમાણમાં ઓછા વિકસિત હોય એવા અન્ય વિષયોનો વિકાસ કરવાના આશયથી ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) મારફતે આ અંગેના પ્રસ્તાવ માટે પહેલ કરવામાં આવી. સામાજિક વિદ્યાઓના ક્ષેત્રમાં સમાવિષ્ટ થતી વિવિધ શાખાઓની ઉન્નતિ માટે ડૉ. જે. પી. નાયકે નિષ્ઠાપૂર્વક ઊંડો રસ લીધો અને ICSSRના ઉપક્રમે ભૂગોળના વિકાસ માટે ભૂગોળવિદોના રાષ્ટ્રીય સંગઠનની રચના-વ્યવસ્થાની વિચારણા કરવા તેમજ તે અંગેની વિગતો સમજી લેવા નિષ્ણાતોનું એક સંમેલન ભરવામાં આવ્યું. સંગઠનના અનેક ઉદ્દેશો પૈકી ભૂગોળના ક્ષેત્રમાં વખતોવખત થતાં રહેતાં સંશોધનોનો અને તાલીમ વિશેના ખ્યાલોનો રાષ્ટ્રીય સ્તરે વિનિમય થતો રહે એ બાબતને અગ્રિમતા આપવામાં આવી.
આજે આ સંગઠનના 100થી વધુ સભ્યો અને અન્ય ઘણા સંસ્થાકીય (સામાન્ય) સભ્યો થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં ભારતના વિવિધ ભાગોમાંની જુદી જુદી યુનિવર્સિટીઓના યજમાનપદે સોળ વાર્ષિક પરિષદો ભરવામાં આવેલી છે. યુનિવર્સિટી અનુદાન પંચે (UGC) અને ICSSR સંસ્થાએ રાષ્ટ્રીય સ્તર પરના આ સંગઠનને માન્ય રાખ્યું છે અને તેની શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી નાણાકીય સહાય મળતી રહેશે એવી હૈયાધારણ આપી છે. ICSSR સંસ્થાએ આ ઉપરાંત સામયિક(વાર્ષિક)ના પ્રકાશન માટે જરૂરી ફંડ ઊભું કરી આપ્યું છે. આ સંગઠન ‘ANNALS’ના નામ હેઠળ 1981ના જૂનથી દ્વિવાર્ષિક સામયિક બહાર પાડે છે. અત્યારે તેનું પરામર્શન-કાર્યાલય દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑવ્ રીજિયૉનલ ડેવલપમેન્ટ’ની દેખરેખ હેઠળ છે, જ્યારે સેક્રેટરી જનરલનું કાર્યાલય દિલ્હીની સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ હ્યુમન જ્યૉગ્રાફી વિભાગ સંભાળે છે.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
અનુ. ગિરીશભાઈ પંડ્યા