નૅશનલ ઍરોનૉટિકલ લૅબોરેટરી – બૅંગાલુરુ

January, 1998

નૅશનલ ઍરોનૉટિકલ લૅબોરેટરી, બૅંગાલુરુ : વૈમાનિકી (Aeronautics), દ્રવ્યાત્મક વિજ્ઞાન (material science), પ્રણોદન (propulsing), સંરચનાત્મક (structural) વિજ્ઞાન અને સંહતિ ઇજનેરી (system engineering) ક્ષેત્રે સંશોધન માટે 1960માં બૅંગાલુરુ ખાતે સ્થાપવામાં આવેલું રાષ્ટ્રીય સંશોધન-કેન્દ્ર.

ભારત સરકારે, 1950માં, નીતિવિષયક નિર્ણય કર્યો કે વૈમાનિકી ક્ષેત્રે ભારતે આત્મ-નિર્ભર બનવું રહ્યું. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(C.S.I.R.)ના ઉપક્રમે વૈમાનિક સંશોધન સમિતિની નિમણૂક કરવામાં આવી. આ સમિતિની ભલામણોને આધારે નૅશનલ ઍરોનૉટિક લૅબોરેટરીની સ્થાપના કરવામાં આવી. આને આધારે, 1960માં બૅંગાલુરુ ખાતે ભાડાના એક મકાનમાં આ પ્રયોગશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રયોગશાળાએ ભારતમાં વૈમાનિકી ક્ષેત્રે જરૂરી પ્રવૃત્તિઓના વિકાસ માટે સંશોધન કરી તેને પીઠબળ પૂરું પાડવાનું કાર્ય શરૂ કર્યું.

પ્રયોગશાળાનો મુખ્ય હેતુ ઉડ્ડયન-વાહનોની ડિઝાઇન અને રચના તૈયાર કરવી અને તેના પ્રયોજન સામે ઉપસ્થિત થતી સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢવો એ રહ્યો છે. વળી ઉડ્ડયન-વાહનોના વિકાસ અંગે – તેને આનુષંગિક બાબતો વિશે વિચારવિમર્શ અને આયોજન કરવા ઉપર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ સાથે અસલ નમૂનારૂપ (prototype) વાહનોના સંશોધન અને વિકાસની ગુંજાશ પ્રાપ્ત કરી શકાય તે પણ નજર સમક્ષ રાખવામાં આવ્યું. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી(technology)ના સીમાક્ષેત્રે વાયુ-અવકાશ(aerospace)માં સંશોધન અને વિકાસ પ્રત્યે જાગૃતિ અને સભાનતા કેળવવાનું આ પ્રયોગશાળાનું લક્ષ્ય છે. વળી, આનુષંગિક ક્ષેત્રે અન્ય વિદ્યાશાખાઓના વિકાસની જવાબદારી ઉપાડી લેવાનુંયે લક્ષ્ય રખાયું છે. આ બધા હેતુ અને લક્ષ્યને આધારે આ પ્રયોગશાળામાં વૈમાનિકી, દ્રવ્યાત્મક વિજ્ઞાન, પ્રણોદન, સંરચનાત્મક વિજ્ઞાન અને સંહતિ ઇજનેરી ક્ષેત્રે સંશોધનકાર્ય ચાલી રહ્યું છે.

આ સંસ્થાએ કેટલીક અનોખી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે; જેમ કે, 1967માં રાષ્ટ્રની સુવિધા માટે 1.2 મી. × 1.2 મી. ટ્રાયસોનિક પવન બોગદું (trisonic wind tunnel) કાર્યાન્વિત થયું. વાયુ-અવકાશક્ષેત્રે આત્મ-નિર્ભરતા માટે આ મહત્ત્વનું સાધન છે. આ બોગદા વડે આજ સુધીમાં 10,000થી વધુ કસોટીઓ કરવામાં આવી છે અને તે દ્વારા 4 કરોડથી વધુ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ બચાવાયું છે.

આ પ્રયોગશાળાએ નીચેની બાબતે નોંધપાત્ર ફાળો આપ્યો છે :

(1) ભારતીય હવાઈ દળના નાનકડા લડાયક વિમાન ગ્નૅટ(Gnat)નું શ્રાંતિ-જીવન મૂલ્યાંકન (fatigue life evaluation) કરી તેના અનુજ ઍજેક્ટ(Aject)ની રચનામાં ફેરફારો કર્યા. (2) રેસા વડે પ્રબલીકૃત (fibre reinforced) પ્લાસ્ટિક પ્રૌદ્યોગિકીનો સર્જનાત્મક વિકાસ કર્યો. (3) લડાયક અને પ્રશિક્ષણ માટેનાં વિમાનોને કમ્પ્યૂટરીકૃત કર્યાં. (4) ભારતીય હવાઈ દળ અને મોસમવિજ્ઞાન (meteorological) વિભાગ માટે ઘણી સુવિધા કરી. (5) આ પ્રયોગશાળાએ ભારત ઇલેક્ટ્રૉનિક્સ માટે જરૂરી વિદ્યુત-તરંગ-વાહક (antenna) અને પરિવહનીય રક્ષકો(transportable shelters)ના વિકાસમાં, હવાઈ અકસ્માતોની તપાસમાં અદાલતની તપાસ-સમિતિને મદદ કરી છે. (6) નૅશનલ ઍરોનૉટિકલ લૅબોરેટરીએ (અ) ભારતના પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ માટે જરૂરી અક્ષવિચલન અવમંદક (nutation damper), (બ) સંયુક્ત સંવિરચન(composite fabrication)નાં યંત્રો, (ક) વૈમાનિક, સંરચનાત્મક અને ઔદ્યોગિક પ્રયોજન માટે બહુવાહિકા માહિતી સંલેખન(multichannel data logging)તંત્ર, (ડ) તાર અને પતરીમાં થતી વિકૃતિના માપન અર્થેનાં ભૌતિક પ્રાચલો માટે પ્રૌદ્યોગિકી(technology)નો વિકાસ કર્યો. આ પ્રયોગશાળા 6 સનદ (patent) પોતાના નામે ધરાવે છે.

આ પ્રયોગશાળા શ્રેણીબદ્ધ સલાહસૂચનો (consultancy) કરે છે.

ભારતની કેટલીક યુનિવર્સિટીઓ પીએચ.ડી. ઉપાધિ માટે જરૂરી સંશોધન કરવા આ પ્રયોગશાળાનો ઉપયોગ કરે છે. ઇજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ 4 અઠવાડિયાંથી 6 મહિનાનું પ્રશિક્ષણ આ પ્રયોગશાળામાં લે છે.

લેશ તત્વો(trace-elements)ના રાસાયણિક વિશ્લેષણ અને યાંત્રિક પરીક્ષણનું કાર્ય પણ આ પ્રયોગશાળા કરે છે.

સંશોધન અને વિકાસ માટે ખાસ પ્રકારનાં ઉપકરણો અને સામગ્રી આ પ્રયોગશાળામાં સુલભ છે. અહીં ટર્બો-મશીનરી અને દહનક્રિયા (combustion) માટે જરૂરી પ્રયોગશાળા ઊભી કરવામાં આવી છે. ટર્બો-મશીનરીને લગતા સંશોધન અને વિકાસ માટે અહીં પદ્ધતિસર અને વૈવિધ્યપૂર્ણ સુવિધાઓ સુલભ છે.

ઇજનેરી સેવાઓ માટે કાર્યશાળાની સુવિધા છે, જે હાર્ડવેર સંવિરચનને મદદ કરે છે. રેસા ગ્લાસ પ્રબલીકૃત પ્લાસ્ટિક, પારક્રમક (transducer) અને આનુષંગિક સંકેત માટે તે જરૂરી પ્લાન્ટ ધરાવે છે. આ પ્રયોગશાળાનું પુસ્તકાલય 42,723થી વધુ પુસ્તકો અને આશરે 630 સામયિકો, 1,845 દૃશ્ય-શ્રાવ્ય સામગ્રી – ટેપ, હેવાલો, 55,278 માઇક્રોફૉર્મ હેવાલો અને અન્ય સગવડો ધરાવે છે. અહીં ભાષાંતર, ગ્રંથ-સંદર્ભ-સૂચિ (bibliographic) અને પુનરાલેખનની (reprographic) સેવાઓ પ્રાપ્ય છે. સંસ્થા તરફથી અધિવેશન, ચર્ચાસભા, ગોષ્ઠિ અને કાર્યશાળાનું નિયમિત રીતે આયોજન કરવામાં આવે છે. આ પ્રયોગશાળા નિયમિત રીતે માસિક-સમાચારપત્ર અને વાર્ષિક હેવાલ પ્રસિદ્ધ કરે છે. આ સંસ્થાએ ‘વૈમાનિકી ક્ષેત્રે આત્મનિર્ભરતા’ નામના દસ્તાવેજી ચિત્રનું પણ નિર્માણ કરેલું છે.

પ્રહલાદ છ. પટેલ