નૂરુદ્દીન જહાંગીર (જ. 30 ઑગસ્ટ 1569, ફતેહપુર સિક્રી; અ. 28 ઑક્ટોબર 1627) : શાહાનશાહ અકબરનો પુત્ર. બાબરના વંશમાં ભારતનો ચોથો બાદશાહ.
ગાદીનશીન થયો ત્યારે તેણે ધારણ કરેલું નામ ‘નૂરુદ્દીન મુહમ્મદ જહાંગીર પાદશાહ ગાઝી’. બૈરમખાનના પુત્ર અબ્દુર-રહીમ ખાન-ખાનાનની દેખરેખ હેઠળ સલીમ (જહાંગીર) અરબી અને ફારસી, સંસ્કૃત, તુર્કી ભાષાઓ શીખ્યો હતો. તેને લશ્કરી અને વહીવટી તાલીમ આપવામાં આવી હતી. તેને 10,000ની સેનાનો મનસબદાર બનાવવામાં આવ્યો હતો. અકબર દક્ષિણમાં ગયો ત્યારે ઉત્તરનો વહીવટ સલીમને સોંપ્યો હતો. આ દરમિયાન સત્તા મેળવવાની ઉતાવળને કારણે તેણે અલ્લાહાબાદમાં સત્તા કબજે કરી અને 1601માં પોતાને સ્વતંત્ર સુલતાન જાહેર કર્યો. અકબર ઝડપથી પાછો ફર્યો. સલીમે અકબરના વિદ્વાન મિત્ર અને વિશ્વાસુ સલાહકાર અબુલ ફઝલને મારી નંખાવ્યો. તેમ છતાં અકબરે તેને માફ કર્યો. અકબરના અવસાન પછી 3 નવેમ્બર, 1605ના રોજ તે આગ્રામાં ગાદીએ બેઠો. તેણે વહીવટી તંત્રની બાર મુદ્દાની પોતાની રાજનીતિની જાહેરાત કરી. તેણે પ્રજાને ન્યાય આપવા માટે આગ્રાના કિલ્લામાંના શાહ બુરજ તથા યમુના નદીના કિનારે એક સ્તંભની વચ્ચે, 30 ગજ લાંબી સોનાની સાંકળ લટકાવી. તેને 60 ઘંટ બાંધેલા હતા. જેને ન્યાય ન મળ્યો હોય તે સાંકળ ખેંચી, બાદશાહનું પોતાની ફરિયાદ પ્રત્યે ધ્યાન દોરી શકે, જેથી તે ન્યાય આપી શકે. 1606માં તેના મોટા પુત્ર ખુસરોએ વિદ્રોહ કર્યો. આખરે જલંધર મુકામે તેનો પરાજય થયો. તેને કેદ કરીને અંધ કરી દેવામાં આવ્યો.
શીખગુરુ અર્જુનદેવે ખુસરોને આર્થિક સહાય કરી આશ્રય આપ્યો હોવાથી તેણે અર્જુનદેવનો વધ કરાવ્યો. 1611માં તેણે નૂરજહાં સાથે લગ્ન કર્યાં. પાછળથી કેટલાંક વરસ તેને બદલે નૂરજહાંએ જ શાસન કર્યું હતું.
1608માં તેણે શાહજાદા ખુર્રમ અને મહાબતખાનની આગેવાની હેઠળ મેવાડ જીતવા લશ્કર મોકલ્યું. રાણા પ્રતાપનો પુત્ર અમરસિંહ મેવાડ પર શાસન કરતો હતો. તેણે સંધિ કરીને મુઘલોની સર્વોપરી સત્તા સ્વીકારી. 1612માં બંગાળમાં ઉસમાનખાનનો બળવો કચડી નાખવામાં આવ્યો. 1617માં દખ્ખણમાં અહમદનગરને નમાવી કેટલાક પ્રદેશો ને કિલ્લા મુઘલોએ મેળવ્યા. 1620માં પંજાબના ઈશાન ખૂણે આવેલ કાંગ્રાનો કિલ્લો જીતી લેવામાં આવ્યો. તેણે અંગ્રેજ રાજદૂત ટૉમસ રોને સૂરત મુકામે કોઠી નાખવાનું ફરમાન આપ્યું.
નૂરજહાં શાહજાદા શહરિયારની તરફેણ કરીને શાહજહાં(ખુર્રમ)ને અન્યાય કરતી હોવાથી શાહજહાંએ બળવો કર્યો, પણ સફળતા ન મળવાથી તેણે માફી માગી. જહાંગીરે ફારસી ભાષામાં ‘તુઝુકે જહાંગીરી’ નામથી તેની આત્મકથા લખી છે. તે, કેટલાક અપવાદો બાદ કરતાં, ઉદાર, નિખાલસ, ન્યાયપ્રિય, સહિષ્ણુ અને વિદ્વાન હતો. તેને સ્થાપત્ય અને ચિત્રકલામાં અભિરુચિ હતી. પોતાના દરબારમાં તે વિદ્વાનો તથા સંગીતકારોને આશ્રય આપતો. તેને દારૂનું વધુ પડતું વ્યસન હતું અને તે નૂરજહાંના અતિશય પ્રભાવ હેઠળ હતો.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી