નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’

January, 1998

નૂરુદ્દીન અબ્દુર્રહમાન ‘જામી’ (જ. 9 નવેમ્બર 1414, ગામ ખર્જર્દ, ખુરાસાન પ્રાંત, ઈરાન; અ. 29 ઑક્ટોબર 1492, હિરાત શહેર, હાલ અફઘાનિસ્તાન) : ફારસીના છેલ્લા વિખ્યાત પ્રશિષ્ટ કવિ અને લેખક. જામીને હિરાતના સુલતાન હુસેન મિર્ઝા (મુઘલ સમ્રાટ બાબરના પિત્રાઈ) અને તેમના વિદ્વાન વજીર મીર અલીશેર નવાઈનો આશ્રય તથા સ્નેહ મળ્યા હતા તેથી હિરાત છોડીને ક્યાંય ગયા ન હતા. તેમને બંગાળના તે સમયના સુલતાન જલાલુદ્દીને હિન્દ આવવા આમંત્રણ આપ્યું હતું. જામીએ પોતાનાં કાવ્યોમાં હિન્દની પ્રશંસા કરી છે, પરંતુ હિન્દ આવવાની અશક્તિ પણ દર્શાવી છે.

જામી વિપુલ પ્રમાણમાં સાહિત્યિક કૃતિઓ મૂકી ગયા છે. તેમની વિખ્યાત કૃતિઓમાં મસ્નવી પ્રકારનાં (લાંબાં) કાવ્યોના સાત સંગ્રહ ‘હફ્ત ઔરંગ’ તથા ફારસી ગઝલોના ત્રણ મોટા સંગ્રહો તથા ‘મુઅમ્મા’ (પ્રહેલિકા) સ્વરૂપના નાના-મોટા ચાર કાવ્યસંગ્રહો અને ગદ્યમાં સૂફી સંતોનો જીવનચરિત્રસંગ્રહ ‘નફ્હાતુલ ઉન્સ’, નીતિશિક્ષણવિષયક ‘બહારિસ્તાન’ તથા ‘ફુતૂહુલ હરમૈન’ નામની કૃતિઓનો સમાવેશ થાય છે.

જામી એક વિદ્વાન લેખક અને કુશળ કવિ હતા. તેમણે ‘યૂસુફ-ઝુલેખા’ તથા ‘લયલા-મજનૂં’ જેવાં પ્રેમકાવ્યોમાં ચવાઈ ગયેલા વિષયોને પણ નવું સ્વરૂપ આપી, પ્રાચીન કથાઓનું અર્વાચીન અર્થઘટન કર્યું છે. ‘સલામાન વ અબ્સાલ’ નામનું તેમનું કાવ્ય ફારસી ભાષાનું શ્રેષ્ઠ રૂપક-કાવ્ય ગણાય છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી