નિશુંભ-શુંભ : મહર્ષિ કશ્યપના ઔરસ પુત્રો. માતાનું નામ દનુ. નિશુંભ અને શુંભને નમુચિકા નામે નાનો ભાઈ હતો. આ નમુચિકાનો ઈંદ્રે વધ કર્યો હોવાથી ગુસ્સે ભરાયેલા નિશુંભ અને શુંભે સ્વર્ગ પર આક્રમણ કરી ઈંદ્રને હરાવ્યો અને ત્યાં એ બંને રાજ કરવા લાગ્યા. આતતાઈ બની નિશુંભ અને શુંભે ત્રણે લોકમાં ત્રાસ વર્તાવ્યો, જેનાથી ત્રાસીને સહુએ એમના ઉપદ્રવથી બચવા દેવી દુર્ગાની સ્તુતિ કરી. દેવી દુર્ગાએ નિશુંભ અને શુંભને પડકાર્યા. નિશુંભે દુર્ગાના વધનો ઉપક્રમ કર્યો, પરંતુ પછી પોતાના બે માંથી ગમે તે એક ભાઈ સાથે લગ્ન કરવાની દુર્ગા સમક્ષ દરખાસ્ત કરી. દુર્ગાએ શરત કરી કે તમારા બેમાંથી જે મને જીતશે એની સાથે હું લગ્ન કરીશ માટે તમે વારાફરતી મારી સાથે યુદ્ધ કરો. બંનેએ દેવી સાથે યુદ્ધ કર્યું અને દેવીએ નિશુંભ અને શુંભનો બંનેનો વધ કરીને ત્રિલોકને એમના ત્રાસમાંથી મુક્ત કર્યું.

પ્રવીણચંદ્ર પરીખ