નિશ્ચલતા પરિકલ્પના (steady state hypothesis)

January, 1998

નિશ્ચલતા પરિકલ્પના (steady state hypothesis) : કોઈ પણ સમયે વિશ્વ એકસમાન હોવાની પરિકલ્પના. વિશ્વની પ્રકૃતિને લગતા આજે બે વાદ પ્રચલિત છે : (1) કેટલાક બ્રહ્માંડ-વિજ્ઞાનીઓ માને છે કે વિશ્વનાં બધાં જ બિંદુઓ એકબીજાથી અવિભેદ્ય (indistinguishable) છે. એટલે કે બધાં જ બિંદુઓ બધી જ રીતે સમાન છે. ઉપરાંત, વિશ્વ બધી દિશાઓમાં એકસરખું દેખાય છે. એટલે કે વિશ્વ સમાંગી (homogeneous) અને સમદૈશિક (isotropic) છે. મહાવિસ્ફોટ(big bang)નો સિદ્ધાંત આ વિચારધારાને અનુમોદન આપે છે. (2) બીજા કેટલાક બ્રહ્માંડ-વિજ્ઞાનીઓ માને છે કે કોઈ પણ પળે વિશ્વ એકસમાન રહેવું જોઈએ. નિશ્ચલતાની પરિકલ્પના આ વિચારધારાને અનુમોદન આપે છે. આ વિચારધારામાં મહાવિસ્ફોટને કોઈ સ્થાન નથી. આ પરિકલ્પના મુજબ દ્રવ્યનું સતત સર્જન થતું રહે છે. આવા નવસર્જિત દ્રવ્યથી નવાં તારાવિશ્વો (galaxies) રચાય છે. વિસ્તરતા જતા વિશ્વમાં દૂર દૂર જતાં તારાવિશ્વોથી ખાલી પડતી જગા આવાં નવસર્જન પામેલ તારાવિશ્વો વડે પુરાય છે. નિશ્ચલતા પરિકલ્પનાનું મહત્વ ઘટતું જાય છે અને આજે તેનો અસ્વીકાર થઈ રહ્યો છે; કારણ કે 3K તાપમાને નોંધાયેલ વૈશ્વિક સૂક્ષ્મતરંગ પાર્શ્વભૂમિ વિકિરણ (cosmic microwave background radiation) મહાવિસ્ફોટના સિદ્ધાંતને સ્થાપિત કરે છે, જ્યારે નિશ્ચલતા પરિકલ્પનાની પ્રતીતિ થાય તે માટે પુરાવો આપતું પરિબળ મળતું નથી.

સમાંગી અને સમદૈશિક વિશ્વ મુજબ બધાં જ બિંદુઓ એકબીજાંથી અવિભેદ્ય હોય તો વિશ્વના કોઈ પણ ગ્રહ ઉપર સજીવ-સૃષ્ટિ શક્ય બનવી જોઈએ. વિશ્વમાં પૃથ્વી કોઈ વિશિષ્ટ ગ્રહ નથી અથવા તેનું કોઈ પણ રીતે બીજા ગ્રહોથી અલગ સ્થાન કે મહત્ત્વ નથી. પૃથ્વીની ઉત્પત્તિ સમયે તેના ઉપર સજીવ-સૃષ્ટિ ન હતી, આજે છે. બીજા ગ્રહોને પણ આ તર્ક લાગુ પડે. આથી અમુક સમયે વિશ્વમાં સજીવ-સૃષ્ટિ ન હતી જ્યારે અત્યારે છે એટલે દરેક પળે વિશ્વ એકસમાન લાગતું નથી. સજીવો સહિતની આ દુનિયાનાં મૂળભૂત લક્ષણો સમજાવવામાં જ્યાં ભૌતિકવિજ્ઞાન નિષ્ફળ જાય છે ત્યાં જીવવિજ્ઞાન સફળ નીવડે છે. એટલે કે માનવ અવલોકનકાર વિશ્વમાં અસામાન્ય (atypical) સ્થાન પસંદ કરે છે. આ હકીકત વિશ્વ સમાંગી અને સમદૈશિક છે તેવા કૉપરનિકસના સિદ્ધાંતની ભાવના વિરુદ્ધની વાત છે. આથી એવું જોવા મળે છે કે સમગ્ર સમયના વહેણમાં અમુક જ સમયગાળો જીવન માટે અનુકૂળ છે અને આ રીતે સમય દરેક પળે સમાન નથી માટે વિશ્વ સમાન નથી તેમજ અવકાશમાં બધાં જ સ્થાનો પણ સમાન નથી, એમ માનવું પડે.

પ્રહલાદ છ. પટેલ