નિશિકુટુંબ (1966) : બંગાળી નવલકથાકાર મનોજ બસુની નવલકથા. તેને 1966ના શ્રેષ્ઠ બંગાળી પુસ્તક માટે સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો છે. આ નવલકથા અનેક દૃષ્ટિએ વિશિષ્ટ છે. એ કૃતિમાં પ્રથમ વાર બંગાળી નવલકથા-સાહિત્યમાં ચોરોની સૃષ્ટિનું વિગતપૂર્ણ નિરૂપણ છે. ચોરોની સાંકેતિક ભાષા, એમની કાર્યપદ્ધતિ, એમની જીવનરીતિ એ બધું અદભુત રસનું વાતાવરણ સર્જે છે.
બંગાળના સમુદ્રતટવિસ્તારનું સુંદરવન આ કૃતિનું ઘટનાસ્થળ છે. ગોરાસાહેબ આ કથાનો નાયક છે. એને વેશ્યાએ ઉછેર્યો છે અને ત્યાં વાતાવરણ ગૂંગળાવનારું હોવાથી એ ત્યાંથી ભાગી છૂટે છે અને ચોરોના સહવાસમાં આવતાં ચોરી-લૂંટફાટમાં નિષ્ણાત બને છે. એ સ્ત્રીઓ પ્રત્યે ગેરવર્તાવ કરતો નથી. પૈસાપાત્રોને લૂંટે છે અને ગરીબોને તથા મુશ્કેલીમાં આવી પડેલા લોકોને મદદ કરે છે. એ વૃદ્ધ થવાથી નિષ્ક્રિય બની જાય છે અને એકાકી જીવન ગાળે છે. દિવસો સુધી ખાવાનું મળતું નથી. બે ટંક ખાવાનું મળે તે માટે તે પોલીસમાં હાજર થાય છે, પણ એની સામે ફરિયાદ ન હોવાથી, એનું નામ ગુનેગારની પોલીસયાદીમાં નથી, તેથી પોલીસ એને પકડતી નથી. એથી એ ઉઘાડે છોગે પોલીસના દેખતાં ચોરી કરે છે. પોલીસ તેને પકડે છે, એને મારે છે પણ ખાવાનું આપતી નથી. ચોરોની પ્રવૃત્તિ મોટે ભાગે રાતે જ હોય છે. એથી આ કૃતિને નિશિકુટુંબ નામ આપ્યું છે.
ચન્દ્રકાન્ત મહેતા