નિશાંત : જાણીતું હિન્દી ચલચિત્ર. આંધ્રપ્રદેશના એક ગામડામાં 1945માં બનેલ સત્ય ઘટના પર આધારિત, સામંતશાહી શોષણવ્યવસ્થાને ઉઘાડી પાડતું એક પ્રભાવક ચલચિત્ર છે. નિર્માણવર્ષ : 1975. પટકથા : વિજય તેંડુલકર. સંવાદ : સત્યદેવ દુબે. દિગ્દર્શક : શ્યામ બેનેગલ, સંગીત: વનરાજ ભાટિયા. છબીકલા : ગોવિંદ નિહાલાની. નિર્માતા : ફ્રૅની એમ. વરિયાવા અને મોહન બિજલાની. નિર્માણસંસ્થા : બ્લેઝ ફિલ્મ સેન્ટર. પ્રમુખ ભૂમિકા : ગિરીશ કર્નાડ, શબાના આઝમી, અનંત નાગ, સાધુ મેહેર, અમરીષ પુરી, નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટીલ, મોહન આગાશે, સત્યદેવ દુબે અને કુલભૂષણ ખરબંદા.

ગામડાના લોકો પર સંપૂર્ણ રીતે પકડ ધરાવતું એક જમીનદાર કુટુંબ અને તેના અત્યાચારોનો ભોગ બનેલી અસહાય પ્રજા વચ્ચેના સંઘર્ષને ચિત્રિત કરતું આ ચલચિત્ર સામંતશાહી વ્યવસ્થાના ક્રૂર સ્વરૂપને અસરકારક રીતે ખુલ્લું પાડવામાં સફળ નીવડ્યું છે. ગામડામાં બહારથી આવેલા એક સામાન્ય શિક્ષકની રૂપવતી પત્નીનું જમીનદાર અપહરણ કરાવે છે. પોતાના મહેલમાં ગોંધી રાખી પરિવારના ચારેય ભાઈઓ તેને પોતાની વાસનાનો ભોગ બનાવે છે. ગામડાના લોકો ઉપરાંત સમગ્ર સરકારી તંત્ર પર જમીનદારનું વર્ચસ હોય છે. પરિણામે પોતાની પત્નીને પાછી મેળવવામાં શિક્ષક નિષ્ફળ નીવડે છે; પરંતુ જમીનદાર પરિવારના અત્યાચારોથી તંગ આવેલા લોકોના સુષુપ્ત રોષને સંગઠિત કરવાનું તે બીડું ઉઠાવે છે. એક દિવસ ગામડાના પરંપરાગત વાર્ષિક તહેવાર પ્રસંગે યોજવામાં આવેલા સરઘસને વિસ્ફોટક બનાવવામાં શિક્ષકને સફળતા મળે છે. જમીનદાર પરિવાર સામે લોકો હિંસક બળવો કરે છે, જેમાં સમગ્ર પરિવારનો નાશ થાય છે.

એક અરૂઢ (offbeat) ચલચિત્ર તરીકે તે ખૂબ પ્રશંસા પામ્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે