નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય)
January, 1998
નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય) : ઈશ્વરવાદીઓના મત પ્રમાણે ઈશ્વર છે અને તે છે તેવું નિશ્ચિત રીતે જાણી શકાય છે. નિરીશ્વરવાદીઓ (atheists)ના મત પ્રમાણે ઈશ્વર નથી એટલું જ નહિ પણ ઈશ્વર નથી તે અંગેનું નિશ્ચિત જ્ઞાન મળી શકે છે. અજ્ઞેયવાદીઓ(agnostics)ની માન્યતા પ્રમાણે ઈશ્વર છે તેવું જાણી શકાય તેમ નથી અને ઈશ્વર નથી તેવું પણ જાણી શકાય તેમ નથી. તેથી જ ઈશ્વરના અસ્તિત્વનો પ્રશ્ન અનિર્ણયક્ષમ (undecidable) છે. મોટાભાગના ઈશ્વરવાદના વિરોધીઓ અજ્ઞેયવાદીઓ છે. રસેલ કબૂલે છે કે ઈશ્વર નથી તેવું સાબિત કરવું અશક્ય છે પરંતુ ઈશ્વરવિષયક તમામ દલીલો અસ્વીકાર્ય છે; કારણ કે ઈશ્વર અંગે જે કંઈ ગુણધર્મો કે તેમની જે કોઈ પ્રવૃત્તિઓ કલ્પવામાં આવે તે તમામનો સ્વીકાર કરવામાં પાર વગરની તાર્કિક આપત્તિઓ આવે છે.
જોકે તર્કબુદ્ધિ(reason)થી ઈશ્વરના અસ્તિત્વને સાબિત કરી શકાતું નથી તેવું તો ઘણા ઈશ્વરવાદીઓ પણ કબૂલ કરે છે, પણ તેમાંના ઘણા શ્રદ્ધાને આધારે, નૈતિક અનુભવને આધારે, દિવ્યવાણીને આધારે, શબ્દપ્રમાણને આધારે કે અપરોક્ષાનુભવને આધારે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા હોય છે; દા. ત. કાન્ટે ઈશ્વરના અસ્તિત્વની સાબિતીઓનું ખંડન કર્યું છે પણ કાન્ટે નૈતિક અનુભવના ક્ષેત્ર માટે ઈશ્વર અંગેની માન્યતાનો અનિવાર્ય ગૃહીત માન્યતા તરીકે સ્વીકાર કર્યો છે. ખરા અર્થમાં તો નિરીશ્વરવાદીઓ પ્રત્યક્ષ, અનુમાન, શબ્દપ્રમાણ, ગૂઢાનુભૂતિ, શ્રદ્ધા, દિવ્યવાણી, ચમત્કારો કે અન્ય કોઈ પણ બાબતને આધારે ઈશ્વરના અસ્તિત્વનો કે તેમના કલ્પેલા ગુણધર્મોનો સ્વીકાર કરતા નથી. આધુનિક પાશ્ચાત્ય તત્વવિચારમાં હ્યૂમ, માર્કસ રસેલ કે સાર્ત્ર જેવા નિરીશ્વરવાદીઓેએ ધર્મ અને ઈશ્વરની વિભાવનાની ઘણી રીતે સમીક્ષા કરી છે અને તેમને ઈશ્વરની વિભાવના તાર્કિક રીતે સ્થાપી શકાય તેવી જણાઈ નથી અને ઈશ્વર અંગેના બીજા કોઈ આધારો તેમને માન્ય નથી. વીસમી સદીના મોટાભાગના પાશ્ચાત્ય ફિલસૂફો પોતાનાં વિચારતંત્રોમાં ઈશ્વરને કોઈ અનિવાર્ય વિચારકોટિ (category) તરીકે સ્થાન આપતા જ નથી. વીસમી સદીમાં ઇતિહાસવિષયક, કલાવિષયક, ભાષાવિષયક કે નૈતિકતાલક્ષી એમ વિવિધ ક્ષેત્રોમાં રજૂ થયેલાં તત્વચિંતનમાં ઈશ્વરની વિભાવનાને કોઈ સ્થાન મળતું નથી. અલબત્ત, બધા સમકાલીન તત્વચિંતકો નિરીશ્વરવાદી નથી.
પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનોના વિકાસ સાથે તત્વચિંતકોએ પણ વીસમી સદીમાં તે તે ક્ષેત્રોને લગતા નવા નવા તાત્વિક પ્રશ્નોની ચર્ચા કરવાનું વધુ પસંદ કર્યું છે.
જગતનો બુદ્ધિગમ્ય ખુલાસો ઈશ્વર અંગેની ધારણા કરીને જ મેળવી શકાશે તે માન્યતાને જ મહદ્અંશે હવે અપ્રસ્તુત ગણવામાં આવી છે. ઘણા સૈદ્ધાંતિક, ટૅકનિકલ અને વ્યાવહારિક પ્રશ્નો પ્રાકૃતિક અને સામાજિક વિજ્ઞાનીઓ પોતપોતાનાં ક્ષેત્રોમાં ઉકેલી રહ્યા છે અને વણઉકેલ્યા પ્રશ્નો પણ તે જ દિશામાં વધુ સંશોધનોથી કદાચ ભવિષ્યમાં ઉકેલી શકાશે તેમ માનવાને ઉચિત આધારો અત્યારે મળી રહે છે. તેથી જ રસેલ પ્રમાણે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર ન કરવાથી જગત મૂળભૂત રીતે અબુદ્ધિગમ્ય રહેશે તેવું માનવા માટે કોઈ કારણ રહેતું નથી. જગતની વિવિધ ઘટનાઓનાં કારણો તે તે ઘટનાઓના વૈજ્ઞાનિક અભ્યાસથી જ મળી શકે; પરંતુ આખા જગતનું એકમાત્ર કારણ હોવું જ જોઈએ અને તે કારણ એટલે ઈશ્વર એમ કહેવા માટે કોઈ વાજબી આધારો રસેલ પ્રમાણે મળતા નથી.
ઈશ્વર ચોક્કસ વ્યક્તિઓ સમક્ષ ઇતિહાસના જુદે જુદે તબક્કે દિવ્યવાણી દ્વારા પ્રગટ થયા હતા તેવી દલીલ ઈશ્વરના અસ્તિત્વ માટેની સાબિતી તરીકે રજૂ કરવામાં આવે છે. તેવી જ રીતે ચમત્કારો ઈશ્વરને સાબિત કરે છે તેવી દલીલ રજૂ કરવામાં આવી છે. ઈશ્વરની વિભાવના જ એવી વિશિષ્ટ છે કે તેમાંથી ઈશ્વરનું અસ્તિત્વ અપરિહાર્ય રીતે ફલિત થાય છે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.
નિરીશ્વરવાદીઓ આ દલીલો સ્વીકારતા નથી; દા. ત., ઈશ્વરને પ્રથમ કારણ તરીકે રસેલ પ્રમાણે ઘટાવી શકાય તેમ નથી. પ્રકૃતિના નિયમો ઈશ્વર-આશ્રિત છે તેમ પણ ફલિત થતું નથી. ઈશ્વરને જગતના સર્જક કે નિયામક કે શાસક તરીકે કલ્પવામાં પણ ઘણી આપત્તિઓ આવે છે. ઈશ્વરનાં સૃષ્ટિની રચના પાછળનાં કોઈ પણ પ્રયોજનો સિદ્ધ કરી શકાય તેમ નથી, કારણ કે જે પ્રયોજન કલ્પો તે પ્રયોજનની સામે જગતની વાસ્તવિક હકીકતોના સંદર્ભમાં આપત્તિઓ આવે છે. ઈશ્વર વિશે કલ્પેલા તમામ ગુણધર્મો સ્વીકારવામાં પણ આવી જ અસાધ્ય તાર્કિક આપત્તિઓ આવે છે.
અનુકૂળ હોય ત્યાં સુધી ઈશ્વર વિશેની સ્થાપનાઓમાં તર્કને પ્રયોજવો અને જ્યારે તેમ કરવામાં મૂંઝવતા પ્રશ્નો આવે ત્યારે તર્કથી ઈશ્વરને પામી ન શકાય તેમ કહીને ચર્ચા અટકાવી દેવી એવી પ્રથા પદ્ધતિની દૃષ્ટિએ ઉચિત નથી. તર્કબુદ્ધિ મર્યાદિત છે એ વાત સહુ સ્વીકારે છે. પણ ઈશ્વર વિશે અમુક બાબતો તર્કથી જાણી શકાય અને બાકીની બાબતોમાં તર્ક ન પ્રયોજવો તેવી વ્યૂહરચના તાર્કિક રીતે સ્વીકાર્ય નથી, કારણ કે આવો ભેદ પાડવાનું કોઈ પ્રમાણ નથી.
ઈશ્વરના ગુણધર્મોના સ્વીકાર વિશેની મુખ્ય સમસ્યા અનિષ્ટ અંગેની સમસ્યા (the problem of evil) છે અને તે ઈશ્વરની વિભાવના અંગે અસાધ્ય મુશ્કેલી સર્જે છે.
નિરીશ્વરવાદ પ્રમાણે જગતમાં કુદરતી આપત્તિઓ તરીકે અને માનવનિર્મિત અત્યાચારો અને અન્યાયના સ્વરૂપમાં જે અનિષ્ટો (evils) પ્રવર્તે છે તેનો ખુલાસો કોઈ પણ રીતે ઈશ્વરના અસ્તિત્વ અને તેના ગુણધર્મો સાથે સુસંગત થાય તેવું નથી. અનિષ્ટની સમસ્યા મૂળ નીચે પ્રમાણે રજૂ થાય છે :
(1) અનિષ્ટો અસ્તિત્વમાં છે.
(2) ઈશ્વર સર્વ પ્રત્યે પ્રેમ રાખે છે.
(3) ઈશ્વર સર્વશક્તિમાન છે.
ઉપરનાં ત્રણેય વિધાનોમાં કોઈ પણ બે સાચાં હોઈ શકે, પણ ત્રણેય વિધાનો એકસાથે સાચાં હોઈ શકે નહિ. આ સમસ્યાને ઉકેલવા નીચેના સાત વિકલ્પો રજૂ કરી શકાય છે :
(1) અનિષ્ટોનું અસ્તિત્વ જ નથી.
(2) ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.
(3) ઈશ્વર છે અને અનિષ્ટો પણ છે. તે ઉપરાંત ઈશ્વર સર્વ પ્રત્યે અત્યંત પ્રેમાળ છે, પણ તે સર્વશક્તિશાળી નથી.
(4) અનિષ્ટો છે અને ઈશ્વર છે, તેમજ ઈશ્વર શક્તિશાળી પણ છે પરંતુ તે સર્વ પ્રત્યે પ્રેમાળ નથી.
(5) અનિષ્ટ અસ્તિત્વમાં છે, ઈશ્વર પણ છે, પરંતુ તે સર્વશક્તિમાન પણ નથી તેમજ સર્વ પ્રત્યે પ્રેમાળ પણ નથી.
(6) ઈશ્વર અસ્તિત્વમાં હોય તોપણ તે કેવા છે એટલે કે તે કયા ગુણધર્મો ધરાવે છે તે આપણે કદી જાણી શકીએ નહિ.
(7) આ સમસ્યા જ નથી કારણ કે અનિષ્ટ પણ છે, ઈશ્વર પણ છે અને ઈશ્વર પ્રેમાળ તેમજ સર્વશક્તિમાન પણ છે. પરંતુ આ ત્રણેય વચ્ચે કઈ રીતે સંગતિ બેસાડવી તે માનવબુદ્ધિના સામર્થ્યમાં આવે તેમ નથી.
ઉપર્યુક્ત વિકલ્પોમાં પ્રથમ વિકલ્પ કોઈને માન્ય નથી. બીજો વિકલ્પ સ્પષ્ટ રીતે નિરીશ્વરવાદનો છે. ત્રીજો અને ચોથો અને પાંચમો વિકલ્પ ઈશ્વરનો ખ્યાલ સ્વીકારનારા માટે મૂંઝવતો જણાય છે. છઠ્ઠો વિકલ્પ ઈશ્વરના સ્વરૂપ વિશેનો અજ્ઞેયવાદ છે અને સાતમા વિકલ્પમાં માનવબુદ્ધિની અક્ષમતાનો સ્વીકાર છે, પણ તેમાં ઈશ્વરનાં સ્વરૂપ કે ગુણધર્મો વિશે કોઈ અજ્ઞેયવાદ નથી જેની ટાઈકમૅન અને કૅથેરિન ઇવાન્સ (‘‘ફિલૉસૉફી’’, 1991, ઑક્સફર્ડ)ની ઉપર મુજબની ચર્ચા ઉપરથી સ્પષ્ટ થાય છે કે અનિષ્ટના અસ્તિત્વને લીધે ઈશ્વરવાદીઓ માટે પણ ઘણા મૂંઝવતા પ્રશ્નો થાય છે અને તેનો કોઈ તાર્કિક ઉકેલ શક્ય નથી.
મનુષ્યો સંકલ્પસ્વાતંત્ર્ય ધરાવે છે માટે ઈશ્વર સર્વજ્ઞ કે સર્વશક્તિમાન હોવા છતાં મનુષ્યો પોતાનાં કર્મોથી જ દુષ્ટ કૃત્યો આચરે છે તેવું કહો તો તે પણ બંધબેસતું આવે તેમ નથી, કારણ કે એક તો સ્વાતંત્ર્ય, પ્રારબ્ધ કે કર્મનો નિયમ વગેરેને કલ્પો તો તેથી ઈશ્વરની શક્તિઓ મર્યાદિત બની જાય છે જે મોટાભાગના ઈશ્વરવાદીઓને માન્ય થાય તેમ નથી; બીજી બાજુ એક આપત્તિ એ પણ છે કે મનુષ્યો પોતાના સ્વાતંત્ર્યનો ઉપયોગ કરીને દુષ્કૃત્યો આચરશે તેવું કાં તો સર્વજ્ઞ ઈશ્વર જાણી શકતા નથી અથવા તો સર્વશક્તિમાન ઈશ્વર તેને પહેલેથી અટકાવી શકતા નથી. આ બંને વિકલ્પો ઈશ્વરની વિભાવનામાં અનેક મુશ્કેલીઓ સર્જે છે. આ ઉપરાંત જે કાંઈ બને છે તેમાં ઈશ્વરની ઇચ્છા જ પ્રવર્તે છે તેવું કહો તો બધી અનિચ્છનીય પરિસ્થિતિઓ માટે ઈશ્વરની જવાબદારી આવી પડે છે. છેલ્લે તો એમ જ કહેવું પડે છે કે ઈશ્વરના ગુણધર્મો કે તેનાં કૃત્યો માનવબુદ્ધિના સામર્થ્યથી પર છે, જે સ્વીકાર્ય નથી.
રસેલે કહ્યું છે કે પોતાનામાં ઈશ્વર જેવા ગુણધર્મો હોત અને પોતાને પણ જગત સર્જવાને ઈશ્વરને મળેલો સમય મળ્યો હોત તો પોતે આવાં અનિષ્ટોવાળા જગતની રચના તો ન જ કરી હોત !
મધુસૂદન બક્ષી