નિરીશ્વરવાદ (ભારતીય)

January, 1998

નિરીશ્વરવાદ (ભારતીય) : ઈશ્વરને નહિ સ્વીકારનારો સિદ્ધાંત. સામાન્ય રીતે ‘ઈશ્વર’ શબ્દનો અર્થ અનન્તજ્ઞાની (સર્વજ્ઞ), અનન્તસુખમય, અનન્તવીર્યમય, નિત્યમુક્ત (ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય કાળમાં મુક્ત), જગતકર્તા પુરુષ એવો કરવામાં આવે છે. આવો ઈશ્વર જૈન, બૌદ્ધ, સાંખ્ય, પ્રાચીન ન્યાય-વૈશેષિકો (કણાદ, અક્ષપાદ ગૌતમ અને વાત્સ્યાયન) અને મીમાંસા સ્વીકારતાં નથી. એટલે તેમને નિરીશ્વરવાદી ગણવામાં આવે છે. યોગસૂત્રકાર પતંજલિ પણ આવા ઈશ્વરને માનતા નથી. તેમનાં સૂત્રોમાં ઈશ્વરને નિત્યમુક્ત અને જગતકર્તા જણાવાયો નથી. સાંખ્યની સૃષ્ટિપ્રક્રિયામાં જગતકર્તા ઈશ્વરને સ્થાન નથી. સાંખ્યસૂત્રકાર કહે છે કે ઈશ્વર નથી કારણ કે તેને પુરવાર કરનાર કોઈ પ્રમાણ નથી. પ્રાચીન ન્યાય-વૈશેષિકો નિત્યમુક્ત જગતકર્તા પુરુષને સ્વીકારતા નથી. મીમાંસક તો સર્વજ્ઞત્વને જ અસંભવિત માને છે. નિરીશ્વરવાદી ઈશ્વરનું ખંડન કરે છે ત્યારે તેના જગતકર્તૃત્વનું જ ખંડન કરે છે એ હકીકત નોંધપાત્ર છે. આ રહી તેમની દલીલો : (1) શરીર વિના ઈશ્વર પૃથ્વી વગેરેનું સર્જન ન કરી શકે, ન તો તે પોતે પોતાના માટે શરીર બનાવી શકે, ન તો કોઈ બીજો તેના માટે શરીર બનાવી શકે. (2) ઈશ્વર શરીરવ્યાપાર દ્વારા પૃથ્વી વગેરેનું સર્જન ન કરી શકે કારણ કે તેમાં અનંત સમય જોઈએ. ન તો તે પોતાની ઇચ્છા દ્વારા તેમનું સર્જન કરી શકે કારણ કે જડ-પરમાણુઓ તેની ઇચ્છા પ્રમાણે કાર્ય કરે એ અસંભવ છે. (3) ઈશ્વરને પૃથ્વી વગેરેનું સર્જન કરવા માટે કોઈ પ્રયોજન હોવું જ જોઈએ; પરંતુ આવું કોઈ પ્રયોજન કલ્પી શકાય તેમ નથી. પ્રાણીઓ પ્રત્યેની કરુણા એ પ્રયોજન ન હોઈ શકે, કારણ કે સર્જન પહેલાં તો પ્રાણીઓ દુ:ખમુક્ત જ હોવાં જોઈએ; વળી તેણે પૃથ્વી વગેરેનું સર્જન કરુણાથી પ્રેરાઈને કર્યું હોય તો જગતમાં આટલું બધું દુ:ખ ન હોવું જોઈએ. એમ તો કહી શકાય નહિ કે દુ:ખમુક્ત જગતનું સર્જન કેમ કરવું  એ ઈશ્વર જાણતો નથી, કારણ કે તેને સર્વજ્ઞ અને સર્વશક્તિમાન ધારવામાં આવ્યો છે અને જો જગતનું સર્જન કરવામાં પ્રાણીઓનાં કર્મો ઉપર તેને આધાર રાખવો પડતો હોય તો ઈશ્વર નિરર્થક થઈ પડે. એમ પણ ન કહી શકાય કે આ કર્મો જડ હોઈ તેમને દોરવણી આપનાર કોઈ ચેતન કર્તારૂપ ઈશ્વરની જરૂર છે, કારણ કે આવી દોરવણી આ કર્મો જે આત્મા સાથે સંબંધ ધરાવે છે તે આત્મા આપી શકે. વળી, કેવળ લીલા કરવા ખાતર ઈશ્વર જગતનું સર્જન ન કરી શકે. કારણ કે આનો અર્થ એ થાય કે સૃષ્ટિ પહેલાં તેનામાં કંઈક (આનંદ) ખૂટતું હતું; ઉપરાંત, જે લીલાથી પ્રાણીઓને આટલું બધું દુ:ખદર્દ થતું હોય તે લીલા કરવી તેને શોભે નહિ. (4) ઈશ્વર સમગ્ર જગતનો પ્રલય એક સાથે એક સમયે કરી શકે નહિ, કારણ કે જ્યાં સુધી પ્રાણીઓનાં કર્મો પોતાનાં ફળો આપવા તૈયાર હોય ત્યાં સુધી આ બની શકે નહિ અને જો ઈશ્વર સમગ્ર જગતનું સર્જન અને પ્રલય પોતાની ઇચ્છાથી જ કરતો હોય તો પછી પ્રાણીઓનાં કર્મોને માનવાની શી જરૂર ? પરંતુ પ્રાણીઓનાં કર્મોની માન્યતાને છોડી શકાય નહિ, કારણ કે તો ત્રણ અનિષ્ટ આપત્તિઓ આવી પડે : (ક) ઈશ્વર કરુણારહિત પુરવાર થશે, કારણ કે તે દુ:ખપૂર્ણ જગતનું સર્જન કરે છે. (ખ) વેદના વિધિ-નિષેધો નિરર્થક પુરવાર થશે; કારણ કે સઘળાં સુખદુ:ખ ઈશ્વરની ઇચ્છાને લીધે જ છે. (ગ) મોક્ષાવસ્થાનો પણ અંત સંભવશે કારણ કે ઈશ્વર એ અંત લાવવાની સ્થિતિમાં હશે.

પ્રાચીન ન્યાય-વૈશેષિકો રાગાદિ દોષોથી રહિત સર્વજ્ઞ જીવન્મુક્તને ઈશ્વર માને છે. જૈનો પણ આવા પુરુષને તીથર્ર્ંકર કહે છે અને તેને ઈશ્વર ગણે છે. મીમાંસક સિવાયના બધા ઉપર ગણાવેલા નિરીશ્વરવાદીઓ આ અર્થમાં ઈશ્વરવાદી ઠરે છે. વાંધો તેમને જગતકર્તૃત્વમાં અને મુક્તપણાની નિત્યતામાં છે. પૂર્વે બદ્ધ હતો તે મુક્ત થાય છે અને પછી સદા મુક્ત રહે છે.

નગીનભાઈ જીવણલાલ શાહ