નિયૉન : આવર્તક કોષ્ટકના 18મા (અગાઉના VIIIB કે શૂન્ય) સમૂહનો, નિષ્ક્રિય વાયુશ્રેણીનો સભ્ય. સંજ્ઞા Ne, પરમાણુક્રમાંક 10 અને પરમાણુભાર 20.179. તેની શોધ ઇંગ્લૅન્ડમાં સર વિલિયમ રામ્સે તથા મૉરિસ ટ્રૅવર્સે 1898માં પ્રવાહી હવાના અભ્યાસ દરમિયાન કરી હતી. એમ માનવામાં આવે છે કે પૃથ્વીના વજનનો 5 × 10–7 % ભાગ નિયૉનનો છે. પૃથ્વીના વાતાવરણમાં કદથી દર દસ લાખ ભાગે 18 ભાગ નિયૉન હોય છે અને તે ત્રણ  સમસ્થાનિકોનું મિશ્રણ (20Ne = 90.92 % ; 21Ne = 0.26 % ; 22Ne = 8.82 %) છે. તેનાં અન્ય સમસ્થાનિકો 17Ne, 18Ne, 19Ne, 23Ne અને 24Ne કુદરતમાં મળતાં નથી, પણ તે કૃત્રિમ રીતે બનાવી શકાય છે. જોકે તેમનાં અર્ધઆયુષ્ય ઘણાં ટૂંકાં હોય છે.

વ્યાપારી ધોરણે નિયૉનનું ઉત્પાદન કરવા પ્રથમ હવાનું પ્રવાહીકરણ કરવામાં આવે છે. આ વખતે જે થોડો ભાગ વાયુ તરીકે બાકી રહી જાય છે તેમાં હાઇડ્રોજન, હિલિયમ, નિયૉન, થોડો નાઇટ્રોજન વગેરે હોય છે. નાઇટ્રોજનને નિમ્ન તાપમાને અધિશોષણ દ્વારા અને હાઇડ્રોજનને બાળીને દૂર કર્યા પછી સક્રિયકૃત કાર્બન વડે થતા અધિશોષણ દ્વારા હિલિયમ અને નિયૉનને અલગ પાડવામાં આવે છે.

નિયૉન રંગવિહીન, વાસવિહીન, સ્વાદવિહીન, અદહનશીલ અને શ્વાસરોધક (asphyxiant) વાયુ છે. તેના કેટલાક ભૌતિક ગુણધર્મો નીચે પ્રમાણે છે :

ઇલેક્ટ્રૉનીય સંરચના 1s22s22p6
ગ. બિં. (°સે) –248.6
ઉ. બિં. (°સે.) –246.05
વાયુની ઘનતા (0°સે., 1 વાતા. દબાણે) (ગ્રા./લિ) –0.8999
વાયુની ઉષ્મીય વાહકતા Jg1.n1K1, 0° સે. 0.0461

તે એકપરમાણુક (monatomic) વાયુ છે અને અન્ય પદાર્થો સાથે સંયોજાતો નથી. કદાચ ફ્લોરિન સાથે તે સંયોજન બનાવી શકે.

નિયૉનનો મુખ્ય ઉપયોગ વિદ્યુતગોળામાં તથા જાહેરાત માટેની પ્રદીપ્ત (luminous) ટ્યૂબોમાં થાય છે. દીવામાંથી સામાન્ય રીતે દ્યુતિમાન (bright) લાલાશ-પડતા નારંગી રંગનો પ્રકાશ મળે છે. પણ જો તેમાં પારાનાં થોડાં ટીપાં ઉમેરવામાં આવે તો પ્રકાશ તેજસ્વી ભૂરા રંગનો બને છે. નિયૉન પ્રકાશ ધુમ્મસની આરપાર જઈ શકતો હોવાથી વિમાન માટેનાં બોયાં(beacons)માં તે વપરાય છે. આને કારણે પાઇલટ લગભગ 32 કિમી.થી તેમને જોઈ શકે છે.

નિયૉન-દીવા બનાવવા માટે કાચની નળીમાંથી હવા ખેંચી લઈ તેમાં નિયૉન વાયુ ભરવામાં આવે છે. તેમાં ધાતુના તંતુ(filament)ને બદલે સીલ કરેલી નળીમાં બે વીજધ્રુવો મૂકવામાં આવ્યા હોય છે. 15,000 વૉલ્ટનો પ્રવાહ પસાર કરતાં વાયુમાં વીજવિભાર થાય છે અને નળી દેદીપ્યમાન નારંગી રંગથી પ્રકાશે છે. આમ તો નિયૉન વાયુ ખર્ચાળ છે, પણ દીવા માટે ઘણો ઓછો (દર 60 મી.થી 100 મીટરદીઠ 1 લિ.) જોઈએ છે. આ ઉપરાંત ઉચ્ચ-ઊર્જા ભૌતિકીમાં, સ્પાર્ક-ચેમ્બરમાં તથા બબલ-ચેમ્બરમાં પણ તે વપરાય છે. ઊંડે સુધી ડૂબકી મારનારાઓ તેમજ અવકાશયાત્રીઓ માટેનાં શ્વસનમિશ્રણમાં તે હિલિયમની જગાએ વપરાય છે. વિશિષ્ટ પ્રકારના પારરક્ત (infrared) પરખકો તથા લેસર કિરણો માટે 25થી 40 K તાપમાન સીમા જરૂરી હોઈ આવે વખતે પ્રવાહી નિયૉન પ્રશીતક (refrigerent) તરીકે વપરાય છે. આ ઉપરાંત ઇલેક્ટ્રૉન-નળીમાં, સ્પાર્ક-પ્લગ ટેસ્ટ લૅમ્પમાં, ઊંચા વૉલ્ટેજની વીજળીની લાઇનોમાં ચેતવણીસૂચક તરીકે તેમજ મકાનો ઉપરનાં વીજપ્રગ્રાહી- (lightning arrester)માં પણ તે વપરાય છે.

જગદીશ જ. ત્રિવેદી