નિયોમાઇસિન : 1949માં વેક્સમેન અને લિયોવેલિયર (Lechevalier) દ્વારા સ્ટ્રોપ્ટોમાયસિસ ફ્રેડિયેમાંથી મેળવવામાં આવેલ પ્રતિજૈવિક (antibiotic). તે પાણી અને મિથેનૉલમાં દ્રાવ્ય, પણ મોટાભાગનાં કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય છે. આ પ્રતિજૈવિક સંકીર્ણ ત્રણ એમિનોગ્લાઇકોસાઇડનું મિશ્રણ છે, જે બધા પ્રતિસંક્રામક (antiinfective) પદાર્થો તરીકે વર્તે છે. કેટલાક વ્યુત્પન્નો (derivatives) ફૂગનાશક (fungicidal) ગુણ પણ ધરાવે છે.

A : C12H26N4O6 (તે નિએમાઈન પણ કહેવાય છે.)

B : C23H46N6O13 (હાઇડ્રોક્લોરાઇડ અને સલ્ફેટ તરીકે પણ પ્રાપ્ય છે.)

C : C23H46O13

નિયોમાયસિન સ્થાયી (stable) છે અને મોં દ્વારા લેવાથી શરીરમાં તેનું બહુ શોષણ થતું નથી; આથી તે આંતરડામાંના ચેપ સામે વપરાય છે.

નિયોમાઇસિન સલ્ફેટ ઔષધો બનાવવામાં વપરાય છે. તે સ્નાયુમાં ઇંજેક્શન દ્વારા, મુખ દ્વારા કે ચામડી ઉપર લગાડી ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઔષધ ઇંજેક્શન દ્વારા આપવાનું પસંદ કરવામાં આવતું નથી. તેના બદલે જેન્ટામાયસિન અને ટોબ્રામાયસિન પસંદ કરવામાં આવે છે. જ્યારે સ્નાયુમાં ઇંજેક્શન દ્વારા નિયોમાયસિન આપવામાં આવે ત્યારે તેની માત્રા રોજની 1 ગ્રામથી વધવી ન જોઈએ અને તે 10 દિવસથી વધુ અપાતી નથી. નિયોમાયસિન મોટેભાગે ચામડી પરના ચેપમાં, ચામડી પર લગાવાતી બીજી દવાઓ સાથે 0.35 % પ્રમાણે મિશ્ર કરી વપરાય છે; દા. ત., બેસીટ્રાસીન અથવા પોલિમિક્સિન બી સાથે નિયોમાયસિન સલ્ફેટ ઑપરેશન પહેલાં મુખ દ્વારા અપાય છે, જેથી આંતરડામાં રહેલા સૂક્ષ્મજીવાણુ ઘટી જાય. આંતરડાના ઝાડા સાથેના ચેપમાં તે કેઓલીન, પેકટીન વગેરે સાથે વપરાય છે. આંતરડાના ચેપમાં 700 મિગ્રા. નિયોમાયસિન દિવસમાં ત્રણ વાર આપવામાં આવે છે. જ્યારે ઑપરેશન પહેલાં 700 મિગ્રા. ઔષધ દર કલાકે ચાર વખત પછી 700 મિગ્રા. ઔષધ દર 4 કલાકે 24થી 72 કલાક સુધી આપવામાં આવે છે.

કૃષ્ણકુમાર નરસિંહભાઈ પટેલ