નિયો દસ્તૂર પક્ષ (દેસ્તોરિયન સોશિયાલિસ્ટ પાર્ટી)

January, 1998

નિયો દસ્તૂર પક્ષ (દેસ્તોરિયન સોશિયાલિસ્ટ પાર્ટી) : ફ્રેંચોના રક્ષિત રાજ્ય તરીકેના દરજ્જામાંથી મુક્ત કરવા માટે 1934માં ટ્યૂનિશિયામાં સ્થપાયેલ રાજકીય પક્ષ.

1920માં દેસ્તોરિયન પક્ષે ટ્યૂનિશિયાની સરકારમાં સહભાગીદારીની માંગ કરી. પક્ષના યુવા અગ્રણી હબીબ બૂર્જીબા આ માંગ સાથે સંમત નહોતા. આ અંગેના મતભેદો પક્ષમાં વ્યાપક બન્યા અને 1934માં પક્ષમાં ભાગલા પડતાં હબીબ બૂર્જીબાના નેતૃત્વ હેઠળનું જૂથ નિયો દસ્તૂર જૂથ કહેવાયું. 1940ના દાયકા દરમિયાન ફ્રેન્ચ સત્તાવાળાઓ તરફથી આ પક્ષને ઘણી કનડગત સહન કરવી પડી જેને પરિણામે આ પક્ષે સશસ્ત્ર બળવો કર્યો હતો. બૂર્જીબાના નેતૃત્વ અને દોરવણી નીચે આ જૂથે ઘણી લોકપ્રિયતા સંપાદન કરી. ટ્યુનિશિયાને સ્વાતંત્ર્ય મેળવી આપવામાં આ પક્ષ અને તેના નેતા હબીબ બૂર્જીબાએ મુખ્ય ભૂમિકા ભજવી. 1964માં આ પક્ષને કાયદેસર માન્યતા મળી અને તેણે દસ્તૂરિયન સોશિયાલિસ્ટ પાર્ટી નામ ધારણ કર્યું. 1964થી 1980ના ગાળા દરમિયાન રાજકીય અને પ્રજાજીવન પર પક્ષની વ્યાપક પકડ રહી. વ્યવસાયે વકીલ એવા હબીબ બૂર્જીબાના વિશિષ્ટ વિચારોથી તેઓ પક્ષના અને દેશના યુવાધનને આકર્ષવામાં સફળ રહ્યા હતા. 1956માં ટ્યૂનિશિયાને પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થતાં હબીબ બૂર્જીબા આઝાદ ટ્યૂનિશિયાના પ્રથમ પ્રમુખ બન્યા અને ત્યારબાદ 1959, 1964, 1969માં યોજાયેલી ચૂંટણીમાં આ હોદ્દા પર ચૂંટાતા રહ્યા. 1964થી તેમના પ્રમુખપદ નીચે આર્થિક અને સામાજિક સુધારા થયા. સ્ત્રીઓને મતાધિકાર અને રાષ્ટ્રીય અભ્યાસપદ્ધતિની સ્થાપના જેવા મૂળગામી સુધારા દ્વારા તેમણે અને પક્ષે વ્યાપક લોકચાહના મેળવી. 1975માં તેમની વરણી દેશના આજીવન પ્રમુખ તરીકે કરવામાં આવી.

1978થી આર્થિક અસંતોષની અને વિશેષ મજદૂર અસંતોષની શરૂઆત થઈ અને તે ઉત્તરોત્તર વ્યાપક બન્યો. પરિણામે 1980માં રાજકીય ઉદારીકરણની નીતિ સ્વીકારવાની ફરજ પડી. 1981માં તેમણે ટ્યૂનિશિયન કમ્યુનિસ્ટ પાર્ટીને માન્યતા આપીને રાજકીય પક્ષ તરીકે કાનૂની દરજ્જો આપ્યો. પક્ષના લોકસમર્થનમાં ક્રમશ: ઓટ આવી. 1981ની ચૂંટણીઓમાં આ પક્ષનું ભારે ધોવાણ થયું અને 1987માં દેશના તત્કાલીન પ્રધાનમંત્રી ઝાઈન-અલ-અબિદિન બેન અલીએ બૂર્જીબાને પદભ્રષ્ટ કર્યા અને પોતે પ્રમુખ બન્યા. 1989માં પક્ષનું નામ ફરીથી બદલવામાં આવ્યું અને ડેમૉક્રૅટિક કૉન્સ્ટિટ્યૂશન રૅલીના નવા નામ હેઠળ, તે જ વર્ષની સામાન્ય ચૂંટણીઓમાં પક્ષે સંસદની બધી બેઠકો પર વિજય મેળવી સત્તા હાંસલ કરી.

નવનીત દવે