નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ

January, 1998

નિદાનાત્મક અને ઉપચારાત્મક શિક્ષણ : શિક્ષણ દ્વારા નિદાન અને ઉપચાર દર્શાવતી પદ્ધતિ. શિક્ષણના ક્ષેત્રમાં પણ તબીબીક્ષેત્રના જેવી પરિસ્થિતિ અમુક અંશે રહેલી છે. વિકસતાં બાળકો ‘તકલીફ’ અનુભવતાં હોય છે. ફ્રૅન્ક બટલરના મતે, ‘‘શિક્ષણનું ધ્યેય અસરકારક રીતે સિદ્ધ કરવાનું મુશ્કેલ બને તેને ‘તકલીફ’ કહેવાય. શિક્ષણમાં નિદાનનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. કેટલીક વાર શારીરિક ખામીઓને કારણે શૈક્ષણિક મુશ્કેલીઓ (અવરોધો, તકલીફો) જોવા મળે છે. પણ શૈક્ષણિક નિદાન શારીરિક કરતાં શૈક્ષણિક બાબતોને વધુ સ્પર્શે છે. શારીરિક રીતે તદ્દન તંદુરસ્ત હોય તેવા વિદ્યાર્થીઓ શાળા-પરિસ્થિતિનાં જુદાં જુદાં પાસાંઓમાં ઘણી મુશ્કેલીઓ અનુભવે છે. આ મુશ્કેલીઓ-તકલીફો ક્યાં છે, કેવી છે, અને તે માટેનાં કારણો કયાં છે તે જાણવાની પ્રક્રિયાને શૈક્ષણિક નિદાન કહે છે.

શૈક્ષણિક નિદાનની સમગ્ર પ્રક્રિયાને પાંચ સોપાનો અથવા સ્તરોમાં વિભાજિત કરી શકાય : (1) તકલીફ કયા વિદ્યાર્થીને પડે છે ? (2) ક્યાં પડે છે ? (3) તે પડવાનાં કારણો કયાં છે ? (4) તે દૂર કરવા કયા ઉપાયો સૂચવી શકાય ? અને (5) તકલીફ પડે જ નહીં તે માટે શું કરવું ? પ્રથમ ચાર સોપાનોને સુધારાત્મક નિદાન સાથે સંબંધ છે, જ્યારે પાંચમા સોપાનને પ્રતિરોધક (preventive) નિદાન સાથે સંબંધ છે. નિદાનનો તાત્કાલિક હેતુ સુધારણા છે, પણ તેનો અંતિમ હેતુ તકલીફને અટકાવવાનો છે.

તબીબી ક્ષેત્રની માફક શિક્ષણના ક્ષેત્રે પણ નિદાન માટેનાં અનેક સાધનો છે. કયા સાધનનો ઉપયોગ કરવો તે તકલીફના પ્રકાર અને સ્વરૂપ પર આધારિત છે. મૂલ્યાંકનનાં તમામ સાધનો અને પ્રવિધિઓનો ઉપયોગ નિદાન કરવામાં થઈ શકે છે. નિદાન કરવા માટે બાળકને કોઈક ઉત્તેજના (stimulus) પૂરી પાડવામાં આવે છે. અને તે અંગેના જે પ્રતિભાવ (response) આપે તેના પૃથક્કરણ દ્વારા નિદાનકાર્ય થાય છે. બાળકના અસંતોષકારક પ્રતિભાવ ખાસ લક્ષમાં લેવાય છે. નિદાનનો ઉપયોગ ઉપચારાત્મક કાર્યમાં થાય છે. તેની દ્વારા બાળકોના શૈક્ષણિક અવરોધો અને તે પેદા થવાનાં કારણોની તપાસ થાય છે. તપાસને અંતે તે બંનેને અસરકારક રીતે દૂર કરી બાળકની હેતુસિદ્ધિને અવરોધમુક્ત બનાવવાની ક્રિયાને ઉપચારાત્મક કાર્ય કહે છે. ઉપચારાત્મક કાર્ય નિદાનકાર્ય પછીનું અનિવાર્ય પગથિયું છે. જો ઉપચારાત્મક કાર્ય કરવાનું ન હોય તો નિદાનકાર્ય અર્થવિહીન બની જાય છે. ઉપચારાત્મક કાર્યની શરૂઆત અવરોધની જે કક્ષા હોય ત્યાંથી શરૂ થાય છે. તેમાં જે બાબતો આવરી લેવામાં આવે તે વાસ્તવિક, મહત્વની અને બાળકની જરૂરિયાતને અનુરૂપ હોય છે. બાળકની નબળાઈઓ સુધારવા પૂરતા પ્રમાણમાં વૈવિધ્યપૂર્ણ અનુભવો આપવામાં આવે છે. આ કાર્યના પ્રત્યેક તબક્કે બાળકને તેની પ્રગતિની જાણ કરવાથી તેનો આત્મવિશ્વાસ વધે છે. અને તેનાં સોપાનો કાળજીપૂર્વક ગોઠવાયેલાં હોવાથી બાળકને પ્રત્યેક સોપાને સફળતા પ્રાપ્ત થતાં સંતોષ પામે છે. સંતોષ મળતાં શીખેલું દૃઢ થાય છે. ઉપચારાત્મક કાર્ય પૂર્ણ થયા પછી તેની અસરકારકતા ચકાસવામાં આવે છે. નિદાન દ્વારા અવરોધો જાણ્યા પછી તે દૂર કરવા ઉપચારાત્મક શિક્ષણ આપવામાં આવે છે; પરંતુ તે કેટલું અસરકારક નીવડ્યું તે જાણવું જરૂરી છે. તે માટે પુનર્નિદાનકાર્ય કરવામાં આવે છે. પુનર્નિદાન સમયના બાળકોના પ્રતિભાવ પરથી ઉપચારાત્મક શિક્ષણની અસરકારકતા જાણી શકાય છે. પ્રથમ સમયના અને પુનર્નિદાન સમયના પ્રતિભાવની તુલના કરવાથી તેમાં સુધારો થયો છે કે કેમ તે જાણી શકાય છે.

જયંતીલાલ ધારશીભાઈ ભાલ