નિદા ફાઝલી (. 12 ઑક્ટોબર 1938, દિલ્હી; . 8 ફેબ્રુઆરી 2016, મુંબઈ) : ઉર્દૂ તથા હિંદી કવિ, નવલકથાકાર, વિવેચક અને સંપાદક. દિલ્હી યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ. તેમના ચાર કાવ્યસંગ્રહો તે ‘લફ્ઝોં કા પુલ’, ‘મોર નાચ’, ‘આંખ ઔર ખ્વાબ કે દરમિયાઁ’ અને ‘ખોયા હુઆ સા કુછ’. પ્રાચીન અને આધુનિક ઉર્દૂ કવિઓના સંદર્ભમાં પાંચ હિંદી અને દસ ગુજરાતી પુસ્તકોનું પ્રકાશન કર્યું છે. એમનાં કાવ્યો વિભિન્ન સંકલનોમાં સંગ્રહાયેલાં છે અને અનેક ભારતીય તથા વિદેશી ભાષાઓમાં તેમનો અનુવાદ થયો છે. ખુસરો પુરસ્કાર, મીર તકી મીર પુરસ્કાર, મધ્યપ્રદેશ ઉર્દૂ અકાદમી પુરસ્કાર, ઉત્તરપ્રદેશનો હિંદી-ઉર્દૂ સંગમ પુરસ્કાર, મહારાષ્ટ્ર અકાદમી પુરસ્કાર વગેરે દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે.

નિદા ફાઝલી

‘ખોયા હુઆ સા કુછ’ – એ ઉર્દૂ કાવ્યસંગ્રહને 1998નો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. અહીં કવિ જીવનને બાળકની ઉત્સુકતા અને તદ્દન નવી દૃષ્ટિથી જુએ છે. આ કાવ્યોમાં પરંપરા અને સમકાલીન વાસ્તવિકતાને રૂપકો અને કલ્પનો દ્વારા ઓળખાવવાનો પ્રયત્ન થયો છે. રોજબરોજની ભાષામાં પ્રયોજાયેલ આ કાવ્યો સામાન્ય માનવીના અનુભવોને વ્યક્ત કરે છે. તેમની કેટલીક કાવ્યકૃતિઓને કવિતા કૃષ્ણમૂર્તિએ ગેય સ્વરૂપે રજૂ કરી છે. તેમની ગઝલોને ગેય સ્વરૂપે જાણીતા કલાકારોએ રજૂ કરી છે. વૈયક્તિક રીતે તેઓ હિંદુ-મુસ્લિમ એકતાના પુરસ્કર્તા હતા.

આ કાવ્યોમાં ગઝલ, દોહા અને આઝાદ નઝ્મોનાં રૂપ પણ અજમાવાયાં છે. આ કાવ્યસંગ્રહ ભારતીય કવિતામાં એક વિશિષ્ટ યોગદાનરૂપ છે.

વિ. પ્ર. ત્રિવેદી