નિદાનસૂત્ર : સામવેદની કૌથુમશાખાનું શ્રૌતસૂત્ર. રચયિતા મહર્ષિ પતંજલિ (ઈ. સ. બીજું–ત્રીજું શતક). એની હસ્તપ્રતો અડયાર ગ્રંથાલય, વડોદરાનું પ્રાચ્યવિદ્યામંદિર, કૉલકાતાની સંસ્કૃત કૉલેજ, કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય, જમ્મુનું રઘુનાથ મંદિર, તાંજાવુરનું સરસ્વતી મહાલ પુસ્તકાલય, ત્રાવણકોરનું સરકારી ગ્રંથાલય વગેરે સ્થળોએ છે. જર્મનીમાં બર્લિનની એક સંસ્થામાં પણ બે હસ્તપ્રતો છે. પ્રથમ પ્રકાશન કૉલકાતાના ‘ઉષા’માં. ત્યાંની બે હસ્તપ્રતોને આધારે સત્યવ્રત સામ દ્વારા 1896માં સમીક્ષિત આવૃત્તિ કૈલાસનાથ ભટનાગર-સંપાદિત, 15 હસ્તપ્રતોને આધારે, લાહોરથી 1939માં, પ્રકાશક મેહરચંદ લછમનદાસ. તેમાં પ્રારંભમાં મૂકેલ ‘છન્દોવિચિતિ’ ઉપરની તાતપ્રસાદકૃત ‘તત્વબોધિનીવૃત્તિ’ તથા ઋષિકેશ શર્મા(પેત્તાશાસ્ત્રી)ની ‘છન્દોવિચિતિવૃત્તિ’ પણ સમાવી છે. બીજી આવૃત્તિ દિલ્હીથી 1971માં તે જ પ્રકાશક દ્વારા.

શ્રૌત સાહિત્યમાં મહત્વનું સ્થાન. તેમાં કેટલાક અતિવિરલ ગ્રંથો તથા નિષ્ણાતોના ઉલ્લેખ છે. સાયણાચાર્યના ‘પંચવિંશબ્રાહ્મણ’ ઉપરના ભાષ્યમાં આનાં 19 ઉદ્ધરણો, વરદરાજના ‘આર્ષેયકલ્પ’ના ભાષ્યમાં 53 અને ધન્વીના ‘દ્રાહ્યાયણશ્રૌતસૂત્ર’ ઉપરના ભાષ્યમાં 24 ઉદ્ધરણો આપેલાં છે. વળી દેવયાજ્ઞિક, રુદ્રસ્કન્દ તેમજ અગ્નિસ્વામીએ પણ અનુક્રમે ‘કાત્યાયનશ્રૌતસૂત્ર’, ‘ખાદિરગૃહ્યસૂત્ર’ અને ‘લાટ્યાયનશ્રૌતસૂત્ર’નાં પોતાનાં વિવરણોમાં ઉદ્ધરણો આપી તેનું મહત્વ સ્વીકાર્યું છે.

‘પંચવિંશબ્રાહ્મણ’, ‘લાટ્યાયનશ્રૌતસૂત્ર’ તથા ‘દ્રાહ્યાયણશ્રૌતસૂત્ર’ સાથે, સ્થળે સ્થળે ભિન્નતા હોવા છતાં, કેટલેક સ્થળે નોંધપાત્ર સમાનતા જણાય છે.

30 પટલોમાં વિભાજિત આ સૂત્રગ્રંથમાં 10 પ્રપાઠકો છે અને દરેક પ્રપાઠકમાં 13 ખંડો છે. પ્રથમ 7 ખંડમાં 83 વૈદિક છંદોને સમજાવતી ‘છન્દોવિચિતિ’ આપી છે. તે વૈદિક ક્રિયાઓમાંનું છંદનું મહત્વ નિર્દેશે છે. પછી સ્તોમ તથા તેના વિભાગો નિરૂપી યાજ્ઞિકી ક્રિયાના નિયમો ‘વિધિશેષ’ નામથી આપે છે. સ્તોમ તથા સ્વરના છંદ તેમજ દેવતાની એકતા દર્શાવી ૐકારના વિશેષ અને સામાન્ય વિનિયોગ તથા તેનો હેતુ પણ નિર્દેશે છે. ઊહોની ચર્ચાને અન્તે તે ઋષિરચિત છે તેવો નિર્ણય આપે છે અને ‘દરેક પદ્ય સામ છે’ તેવો શાંડિલ્યનો મત સ્વીકારે છે. નક્કી થયેલ સમય સિવાયના સમયે યજ્ઞ કરનાર યજમાનને માટેનું પ્રાયશ્ચિત્ત નિર્દેશે છે. યજ્ઞાયજ્ઞીય સામ વિશેના વિવેચનમાં ‘સ્વર’ આગળ ‘અક્ષર’ની ગૌણતા સ્વીકારે છે. શાંડિલ્ય તથા ગૌતમના મતે ‘અગ્નિષ્ટોમ’ શ્રેષ્ઠ યજ્ઞ છે તેમ જણાવીને સૂચવે છે કે સર્વસામાન્ય સુખાકારી માટે ‘જ્યોતિષ્ટોમ’ અથવા ‘અતિરાત્ર’ કરાય અને ખાસ હેતુ માટે ‘ઉક્થ’ વડે પ્રાર્થના કરવાની રહે. ‘દશરાત્ર’ની ચર્ચામાં પ્રથમાથી સંબોધન સુધીના આઠે કારકોનો વિનિયોગ સમજાવ્યો છે.

અગ્નિહોત્ર ન રાખનારને સત્રવિધિનો અધિકાર નથી તેવા શાંડિલ્યના મત સામે ઉદારમતવાદીઓને ટેકો આપી ઠરાવે છે કે અમુક શરતો પાળીને અનાહિતાગ્નિ પણ સત્રમાં ભાગ લઈ શકે છે. વ્રાત્યોની શુદ્ધિ અર્થેના ચાર વ્રાત્યસ્તોમો અદીક્ષિતે પણ આચરવાના છે તેવી સ્પષ્ટતા કરે છે. સોમરસનું પાત્ર તૂટી જાય કે એવા પ્રસંગે સમાધાન માટે પણ વ્રાત્યસ્તોમોનો વિનિયોગ કરવા સૂચવે છે. ‘પંચવિંશબ્રાહ્મણ’ જેવામાં નથી તેવા ‘પ્રતીચીનસ્તોમરાજસૂયયજ્ઞ’ તેમજ ઉતાવળે કરાતા ‘પતન્તકઅશ્વમેધયજ્ઞ’ની વિગત અહીં આપી છે. દ્વાદશાહ ‘અહીનયજ્ઞ’ તથા ‘સત્ર’ બંને છે એવા લામકાયનના મતની આલોચના કરીને તે માત્ર ‘અહીન’ જ છે, ‘સત્ર’ નહિ, એવું ઠરાવે છે. ‘શતસંવત્સર’ તથા ‘સહસ્રસવ્ય’ જેવાં મોટાં સત્રોની વિગત પણ આપે છે. દરેક યજ્ઞના વિવેચનમાં તેમાં વિનિયોગ કરવાનાં ઋગ્, સામ, સ્તોમ, આદિનો નિર્દેશ પણ કરેલો છે.

વિવેચનપદ્ધતિ વ્યવસ્થિત છે. શરૂઆતમાં સામસામાં દૃષ્ટિબિંદુ રજૂ કરી વિરોધીની દલીલોને સરસ રીતે રજૂ કરી પોતાનો મત અન્ય કોઈક અધિકારીના વચન રૂપે દર્શાવી વિરોધી દલીલોનું નિરસન ક્રમબદ્ધ રીતે કરે છે. કેટલીક વાર એક વિરોધીના મતને બીજાના મતથી કાપીને પોતાનો સ્પષ્ટ સિદ્ધાન્ત વ્યક્ત કરે છે. પોતાનો મત ત્રીજા પુરુષમાં જ દર્શાવતા પતંજલિ કોઈ વિરોધી પ્રત્યે દ્વેષભાવ રાખ્યા વિના બધી ચર્ચા સૌમ્ય રીતે મુદ્દાસર કરે છે. તેમની અન્ય મતની ગુણાગુણસમીક્ષા નોંધપાત્ર બની જાય છે.

ભાષા અને શૈલી યુગ પ્રમાણેની જ છે, પહેલાંના બ્રાહ્મણગ્રંથોની તથા પછીના દાર્શનિક સાહિત્યની ભાષાશૈલીની વચ્ચેની સૂત્રાત્મક છે. કંઠસ્થ કરવા માટે તથા ઓછા શબ્દોમાં ઘણું કહેવા માટે એ જરૂરી હતું.

આ ગ્રંથમાં 136 યજ્ઞો ચર્ચ્યા છે અને 182 સામનો વિનિયોગ દર્શાવ્યો છે; 12 ગ્રંથોનો નામનિર્દેશ છે અને 29 નિષ્ણાતોના મતનું વિવેચન કર્યું છે. સૂત્રાત્મક સંક્ષિપ્ત શૈલીને લીધે સમજવું અઘરું પડે ! આ સૂત્રગ્રંથને બૌદ્ધ ‘નિદાનસૂત્ર’ સાથે કોઈ સંબંધ નથી.

જયન્ત પ્રે. ઠાકર