નિઝામી સમરકંદી (બારમી સદી) : ફારસી સાહિત્યના સલ્જુકયુગની પ્રસિદ્ધ ગદ્યકૃતિ ‘ચહાર મકાલા’ (ચાર નિબંધ) (1155)ના કર્તા. પૂરું નામ નિઝામુદ્દીન અથવા નજમુદ્દીન અહમદ બિન ઉમર બિન અલી, પણ નિઝામી અરૂઝી સમરકંદી તરીકે જાણીતા સલ્જુકયુગના આ એક પ્રખ્યાત ગદ્યકાર સમરકંદનિવાસી હતા. બારમી સદીના વિદ્વાનોમાં તેમની ગણના થાય છે. તેમની ગદ્યકૃતિ ‘ચહાર મકાલા’ને આધારે તેમના જીવન વિશે થોડી માહિતી મળે છે. શરૂઆતમાં તેઓ ઘોરી શાહોના દરબારી કવિ હતા. 1110માં તે સમરકંદ અને 1112–13માં બલ્ખ ગયા હતા અને પ્રખ્યાત હકીમ ઉમર ખૈયામ સાથે તેમનો મેળાપ થયો હતો. તુસ જઈને ફિરદોસી તુસીની કબરની ઝિયારત પણ તેમણે કરી હતી. જ્યારે તેઓ નિશાપુર પહોંચ્યા ત્યારે હકીમ ઉમર ખૈયામનું અવસાન થઈ ચૂક્યું હતું. એક ભોમિયાને સાથે લઈને તેમણે હકીમ ખૈયામની કબરની ઝિયારત કરી.
સલ્જુક શાહ સુલતાન સંજરના રાજકવિ અમીર મુઈઝ્ઝીની સિફારિશથી સુલતાનના દરબારમાં તેમણે પ્રવેશ મેળવ્યો હતો. લેખકના મત મુજબ શાહી દરબારના ચાર અગત્યના વર્ગ – મુનશી, કવિ, જ્યોતિષી અને હકીમ (તબીબ) છે. લેખકે દરેક વિષયની વ્યાખ્યા આપી તે દરેકમાં કયા પ્રકારનાં ગુણો અને લાયકાત હોવાં જોઈએ તેનું વિવરણ કર્યું છે. ‘ચહાર મકાલા’ તેનાં ઐતિહાસિક તથા સાહિત્યિક મૂલ્યો અને શૈલીનાં ઉચ્ચ લક્ષણોને લઈને ઘણું મહત્ત્વ ધરાવે છે. તેમાં લેખકના સમકાલીન ફિરદોસી તથા ઉમર ખૈયામની વિગતો ઉપરાંત કવિ-વૃત્તાંતો અને સમકાલીન મહાપુરુષો તથા વિદ્વાનોના ઉલ્લેખ છે. આ કૃતિ તઝ્કરા નવીસી(જીવન-ચરિત્રાવલી)માં શ્રેષ્ઠ ગણાય છે.
ઈસ્માઈલ કરેડિયા