નિગમ–આગમ : શાક્તતંત્રોમાં વક્તા-શ્રોતાને આધારે પ્રવર્તતા બે પ્રકાર. જ્યાં શાક્ત ઉપાસના જ્ઞાન, આચરણ, વિધિ વગેરેનું નિરૂપણ દેવી કે શિવા કરે છે અને શિવ શિષ્યની માફક તે બોધ સાંભળે છે, સમજે છે અને શીખે છે તેને ‘નિગમ’ કહેવામાં આવે છે, જ્યારે વક્તા સ્વયં શિવ હોય અને શિવા સાંભળતાં હોય એવું શાક્તતંત્ર ‘આગમ’ કહેવાય છે. સામાન્યપણે નિગમનો અર્થ વેદપરક કે વેદવાચી હોય છે. વેદમાંથી ઉદઘૃત કોઈ પણ વાક્ય નિગમ કહેવાય છે. અર્થાત્ વેદને લગતી કે તેની વ્યાખ્યા કરતી કોઈ પણ કૃતિને નિગમ ગણવામાં આવે છે. શાક્તતંત્ર અવૈદિક હતાં અને એમાં વેદોને કોઈ ખાસ મહત્વ અપાયું નથી. તંત્રોમાં નિગમનો ‘વેદ’ અર્થ સ્વીકૃત થયો નથી. તેમાં વેદને સમાંતર પોતાનાં તંત્રશાસ્ત્રોને ઉચ્ચ માનવામાં આવે છે. આથી આ આગમોને વેદ સમકક્ષ તેમજ તેનાથી ભિન્ન સ્વતંત્રપણે પ્રમાણભૂત માનવામાં આવ્યા છે.
પ્રવીણચંદ્ર પરીખ