નિક્ષેપરચનાપ્રકારો (facies)

January, 1998

નિક્ષેપરચનાપ્રકારો (facies) : ખડકોની નિક્ષેપજમાવટ દરમિયાન પ્રાપ્ત સંજોગો મુજબ તૈયાર થતો રચનાપ્રકાર. નિક્ષેપરચનાપ્રકાર પ્રદેશભેદે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિ હેઠળ ફેરફારોને અધીન રહે છે. ભૂસ્તરીય સંદર્ભમાં નિક્ષેપરચનાપ્રકારના જુદા જુદા અર્થ ઘટાવી શકાય છે : ખડકવિદ્યાત્મક, સ્તરવિદ્યાત્મક, ઉત્પત્તિસ્થિતિજન્ય, જીવાવશેષજન્ય અને સ્થાનિક પરિસ્થિતિજન્ય.

જળકૃત ખડક પ્રકાર, ખનિજબંધારણ, સ્તરરચનાત્મક લક્ષણો, સમાવિષ્ટ જીવાવશેષ પ્રકાર વગેરે જેવી બાબતો નિક્ષેપજમાવટ વખતની પરિસ્થિતિ જાણવામાં સહાયભૂત નીવડે છે. ભૂમિ, નદી, સરોવર, નદીનાળપ્રદેશ, ત્રિકોણપ્રદેશ, ખાડીસરોવર, દરિયાકિનારા, સમુદ્રના છીછરા કે ઊંડા જળના તળભાગો  એ પ્રમાણેના સ્થાનભેદે તત્કાલીન પરિસ્થતિ હેઠળ નિક્ષેપજમાવટ થઈ હોય તે મુજબ પાર્થિવ અથવા ખંડીય, નદીજન્ય અથવા સ્વચ્છજળજન્ય, સરોવરજન્ય, નદીનાળજન્ય, ત્રિકોણપ્રદેશીય, ખાડીસરોવરજન્ય, તીરસ્થ, છીછરા કે અગાધજળજન્ય રચનાપ્રકાર એવાં નામ અપાય છે. ભૂમિ પર અને દરિયામાં થતી રચના માટે ખંડીય અને દરિયાઈ રચના એવા પ્રકાર એમ બહોળા અર્થમાં પણ નામ અપાય છે. સ્તરોમાં મળી આવતા વિશિષ્ટ જીવાવશેષ પરથી જૈવિક સંદર્ભમાં પણ નામ અપાય છે; જેમ કે, પરવાળાં પ્રકાર, કવચયુક્ત પ્રકાર વગેરે.

નિક્ષેપરચનાપ્રકાર પર્યાય મોટે ભાગે તો જળકૃત ખડકોના સંદર્ભમાં બહોળા પ્રમાણમાં વપરાય છે, તેમ છતાં તેને જળકૃત ખડકો પૂરતો જ સીમિત રાખી શકાય નહિ. જરૂરિયાત મુજબ તે ક્યારેક અગ્નિકૃત કે વિકૃત ખડકો માટે પણ ઉપયોગમાં લેવાય છે; જેમ કે, સંપૂર્ણ સ્ફટિકમય કણરચના ધરાવતો સમાંગ લક્ષણવાળો સામાન્ય ગ્રૅનાઇટ તેના પાર્શ્વ વિતરણમાં જો ધીમે ધીમે અર્ધસ્ફટિકમય કણરચનાવાળા ખડકપ્રકારમાં ફેરવાઈ જાય તો બંને પ્રકાર વચ્ચેની સીમા પરથી બે રચનાપ્રકારો અલગ પાડી શકાય. એ જ રીતે વિકૃત ખડકોની ઉત્પત્તિ દરમિયાનના તાપમાન અને દબાણના સંજોગો મુજબ તૈયાર થયેલાં અમુક ચોક્કસ ખનિજજૂથની પરખ પરથી તે ખડકનો વિકૃતિરચનાપ્રકાર નક્કી કરી શકાય છે; જેમ કે, હૉર્નફેલ્સ રચનાપ્રકાર, સેનિડિનાઇટ રચનાપ્રકાર, ગ્રીન શિસ્ટ રચનાપ્રકાર, ઍમ્ફિબોલાઇટ રચનાપ્રકાર, ઇક્લોગાઇટ રચનાપ્રકાર વગેરે.

જળકૃત ખડકોના રચનાપ્રકારોમાં ખવાણક્રિયા, પછીથી તેમાં થયેલા વિકૃતિજન્ય ફેરફારો કે રચનાત્મક વિક્ષેપની બાબતને મહત્વ અપાતું નથી. ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જળકૃત ખડકોનું બંધારણ સ્થાનભેદે જુદું જુદું હોઈ શકે. ખડકવિદ્યાત્મક સંદર્ભમાં ખડકદળમાં રહેલા ખનિજબંધારણ પ્રમાણે રચનાપ્રકારનાં નામ અપાય છે. રેતાળ દ્રવ્યથી બનેલા ખડકો માટે રેતીયુક્ત રચનાપ્રકાર, માટીદ્રવ્યથી બનેલા ખડકો માટે મૃણ્મય રચનાપ્રકાર, ચૂનાદ્રવ્યથી બનેલા ખડકો માટે ચૂનાયુક્ત રચનાપ્રકાર જેવાં ખડકવિદ્યાત્મક નામ અપાય છે. આ જ રચનાપ્રકારો કયા સ્થાન કે જળસંજોગ હેઠળ નિક્ષેપ પામેલા છે તે મુજબ ખંડીય, દરિયાઈ વગેરે જેવાં વધારાનાં વિશેષણ પણ ઉમેરી શકાય છે. વળી જે તે સ્તરોમાં રહેલા વિશિષ્ટ જીવાવશેષપ્રાધાન્ય પરથી તે જ રચનાપ્રકારોને પરવાળાં પ્રકાર, કવચ પ્રકાર જેવાં નામથી પણ ઓળખાવાય છે.

ઉદાહરણો : વાયવ્ય યુરોપમાં કૅલિડોનિયન ગિરિનિર્માણ પૂરું થયા બાદ, વિશેષે કરીને બ્રિટિશ ટાપુઓના ઉત્તર ભાગમાંથી દરિયાઈ સંજોગો હઠી જાય છે, પરંતુ દક્ષિણ ભાગમાં દરિયાઈ સંજોગ ચાલુ રહે છે. જુદી જુદી પરિસ્થિતિ હેઠળ ડેવોનિયન કાળમાં બંને વિભાગોમાં રેતીખડકોની રચના થાય છે. આ રેતીખડકોને ઉત્તર વિભાગ માટે ખંડીય રચનાપ્રકાર અને દક્ષિણ વિભાગ માટે દરિયાઈ રચનાપ્રકાર એમ બે કક્ષાઓમાં મુકાય છે.

તૃતીય જીવયુગ દરમિયાન ભારતના ઉત્તર ભાગમાં જેમ જેમ હિમાલયનું ઊર્ધ્વગમન થતું જાય છે તેમ તેમ ત્યાંથી ટેથિસ મહાસાગર પાછો હઠતો જાય છે. દરિયાને સ્થાને નદીનાળ સ્થિતિ અને પછીથી તેને સ્થાને નદીજન્ય નિક્ષેપની સ્થિતિ પ્રવર્તી રહે છે. પરિણામે ભારતમાં પ્રારંભિક તૃતીય જીવયુગની ખડકસ્તરરચના દરિયાઈ રચનાપ્રકારવાળી અને અંતિમ તૃતીય જીવયુગની ખડકસ્તરરચના સ્પષ્ટપણે નદીજન્ય રચનાપ્રકારવાળી બની રહે છે. તૃતીય જીવયુગની રચનાઓ આ રીતે દ્વિરચના પ્રકારની પરિસ્થિતિ દર્શાવે છે.

ભારતનો ગોંડવાના કાળનો કોલસો થાળાંઓમાં રચાયેલા રેતીખડકો અને શેલ સાથે સંકળાયેલો છે, તે સ્પષ્ટપણે ખંડીય નિક્ષેપરચનાપ્રકારનું સૂચન કરે છે.

કોલસો, ખનિજતેલ, ધાતુખનિજો વગેરેની પ્રાપ્તિ ખડકો અને ખડકરચનાપ્રકારો સાથે સંકળાયેલી હોવાથી પ્રાદેશિક ભૂસ્તરીય રચનાપ્રકારોના નકશાકાર્ય દ્વારા તેમની ખોજની સમસ્યા ઉકેલી શકાય. નિક્ષેપરચનાપ્રકારો તત્કાલીન ભૂસ્તરીય ઇતિહાસની અને પર્યાવરણની ઝાંખી કરાવે છે. કોઈ પણ ખડક કઈ પરિસ્થિતિ હેઠળ ઉત્પન્ન થયેલો છે, તે તેના રચનાપ્રકાર પરથી જાણી શકાય છે. સ્તરોમાં મળતા જીવાવશેષો પરથી જે તે સ્તર ક્યાં અથવા કઈ ઊંડાઈએ રચાયો, તે સ્થાનની જળક્ષારતા અથવા જળસંજોગ કેવાં હતાં, તાપમાન કે આબોહવાના અન્ય સંજોગો કેવા હતા તેનો ખ્યાલ પણ મેળવી શકાય છે.

ગિરીશભાઈ પંડ્યા