નિક્સી ટ્યૂબ

January, 1998

નિક્સી ટ્યૂબ : અંકદર્શક તરીકે ઉપયોગ કરી શકાય તે માટે બનાવવામાં આવેલી ખાસ પ્રકારની નિર્વાત નળી (vacuum tube). પારદર્શક કાચની નળીમાં એક ધનાગ્ર (anode) અને શૂન્યથી નવ અંક દર્શાવતા જુદા જુદા દસ ઋણાગ્રો (cathodes) હોય છે. ઋણાગ્રો પાતળા તારમાંથી અંગ્રેજી આંકડા (1,2,……….. વગેરે) અને અક્ષરો(A,B,C,………… વગેરે)ના આકારમાં બનાવેલા હોય છે.

આકૃતિ 1

એકબીજાને અડે નહીં તે રીતે એકની આગળ બીજો  એમ બધા ઋણાગ્રો ગોઠવવામાં આવ્યા હોય છે, જેથી ગમે તે વખતે ફકત એક જ ઋણાગ્ર કાર્યાન્વિત હોય છે.

આ ઉપરાંત દશાંશચિહન દર્શાવી શકાય તે માટે નાના ટપકા (.) આકારનો એક નાના ઋણાગ્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોય છે. ધનાગ્ર, (દસ) ઋણાગ્રો તથા દશાંશચિહન ધરાવતું સમગ્ર માળખું ઓછા દબાણે આર્ગોન કે નિયૉન વાયુ ભરેલી એક નિર્વાત નળીમાં ગોઠવવામાં આવે છે. દરેક વીજાગ્ર (ધનાગ્ર, દરેક ઋણાગ્ર તથા દશાંશચિહન) સાથે બહારથી વીજજોડાણ થઈ શકે તે પ્રકારની સગવડ કરવામાં આવી હોય છે.

આકૃતિ 2

જ્યારે ધનાગ્ર અને કોઈ પણ એક ઋણાગ્ર વચ્ચે લગભગ સો (100) વોલ્ટનું વીજદબાણ આપવામાં આવે ત્યારે સંબંધિત ઋણાગ્ર પ્રકાશિત થાય છે અને તે ઋણાગ્ર જે આકારનો બનેલો હોય તે અંક પ્રદર્શિત કરે છે. અંક ઉપરાંત જો દશાંશચિહનની જરૂર હોય તો તે(ઋણાગ્ર)ને પણ વીજદબાણ આપવાથી તે દર્શાવી શકાય છે.

એકસાથે દસ ઋણાગ્રો રાખવાને બદલે પાછળથી અંગ્રેજી આઠડા(8)નો આકાર બનાવતા સાત નાના ઋણાગ્રો એક જ ક્ષેત્રમાં (plane) ગોઠવવાનું અનુકૂળ જણાતાં, તે પ્રકારની નિકસી ટ્યૂબ પ્રચલિત બની. આ પ્રકારની નિકસી ટ્યૂબનું કદ ઘટાડી શકાયું. તેમજ ઋણાગ્રોથી ધનાગ્ર લગભગ સરખા અંતરે હોવાથી દરેક ઋણાગ્ર એકસરખો પ્રકાશિત થાય છે.

આ પ્રકારની રચનામાં જુદા જુદા અંક દર્શાવવા એક કરતાં વધારે ઋણાગ્રોનું વીજજોડાણ કરવામાં આવે છે; જેમ કે, ધનાગ્ર તથા ઋણાગ્ર 2 અને 3 બંને વચ્ચે 100 વૉલ્ટનું દબાણ આપતાં અંગ્રેજી આંક એક (1) પ્રકાશિત સ્વરૂપમાં દેખાય છે. તે જ રીતે ઋણાગ્રો 1, 2 અને 3 અંગ્રેજી આંક સાત (7) દર્શાવે છે. આ નળીને પરિપથમાં જોડતી વખતે, તેની સલામતી માટે તેની શ્રેણીમાં એક લઘુ અવરોધ જોડવામાં આવે છે.

અંકીય દર્શક (Digital Read-out or Read-out Lamp) તરીકે એક સમયે અતિ પ્રચલિત આ નળીનો ઉપયોગ પાછળથી લાઇટ એમિટિંગ ડાયોડ (LED) આવતાં ઓછો થઈ ગયો અને આજે એ કાળગ્રસ્ત (obsolete) થઈ ગઈ છે.

રૂકમાંગદ વા. દવે

કાન્તિલાલ ગણપતરામ જાની