નિક્સન, રિચાર્ડ (મિલહાઉસ)

January, 1998

નિક્સન, રિચાર્ડ (મિલહાઉસ) (. 9 જાન્યુઆરી 1913, યોર્બા લિન્ડા, કૅલિફૉર્નિયા, યુ.એસ.; . 22 એપ્રિલ 1994, ન્યૂયૉર્ક) : અમેરિકાના રિપબ્લિકન પક્ષના અગ્રણી મુત્સદ્દી તથા સંયુક્ત રાજ્ય અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ (1969–74). વ્યવસાયે વકીલ એવા નિક્સન આઈઝન-હોવરના પ્રમુખ તરીકેના કાર્યકાળ (1953–61) દરમિયાન દેશના ઉપપ્રમુખ-પદે રહ્યા હતા. મહાઅભિયોગની મક્કમ ધમકીનો સામનો કરનાર તથા હોદ્દા દરમિયાન રાજીનામું આપનાર તેઓ અમેરિકાના પ્રથમ પ્રમુખ હતા. તેમના શાસન દરમિયાન અમેરિકાએ વિયેટનામમાંથી પોતાનાં લશ્કરી દળો પાછાં ખેંચ્યાં હતાં. અનૌપચારિક રીતે ચીનની સામ્યવાદી સરકારને તેમણે માન્યતા બક્ષી હતી.

માતા હન્નાદ અને પિતા ફ્રાન્સિસના બીજા પુત્ર. પરિવારમાં આર્થિક હાડમારીઓ અને ભાવનાત્મક તણાવ પ્રવર્તતાં હોવા છતાં તેઓ તેજસ્વી વિદ્યાર્થી તરીકે પુરવાર થયા હતા. 1934માં કૅલિફૉર્નિયાની વ્હિટિયર કૉલેજમાંથી સ્નાતક થયા તથા ડ્યૂક યુનિવર્સિટી લૉ સ્કૂલમાંથી 1937માં કાયદાની પદવી મેળવી. 1937–42 દરમિયાન વ્હિટિયર ખાતે વકીલાત કરી. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન વૉશિંગ્ટન ડી.સી.ના ‘પ્રાઇસ ઍડમિનિસ્ટ્રેશન’ કાર્યાલયમાં ટાયર રૅશનિંગ વિભાગમાં થોડાક સમય માટે કામ કર્યું. ત્યારબાદ સાઉથ પૅસિફિકના નૌકાદળમાં અધિકારી તરીકે જોડાયા. યુદ્ધના અંતે તેમને ‘લેફ્ટનન્ટ કમાન્ડર’ તરીકે બઢતી આપવામાં આવી.

રિચાર્ડ નિક્સન

નિક્સને 1946માં રાજકારણમાં પદાર્પણ કર્યું. તેઓ અમેરિકન પ્રતિનિધિસભા(હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝ)માં 1947 અને 1949માં ચૂંટાઈ આવ્યા અને બે વર્ષ સેનેટમાં પણ સેવાઓ આપી. સામ્યવાદનો આક્રમક રીતે વિરોધ કરનાર તરીકેની તેમની ખ્યાતિને લીધે 1952ની પ્રમુખપદ માટેની ચૂંટણીઝુંબેશમાં તેમની આઈઝન હોવરના ઉપપ્રમુખપદ માટેના ઉમેદવાર તરીકે વરણી થઈ. 1960માં દેશમાં યોજાયેલ પ્રમુખપદ માટેની સ્પર્ધામાં ડેમૉક્રૅટિક પક્ષના જૉન એફ. કૅનેડીના હાથે પરાજય પામ્યા. 1962ની કૅલિફૉર્નિયાના ગવર્નર માટેની ચૂંટણીમાં પણ તેમની પીછેહઠ થતાં સક્રિય રાજકારણથી અળગા રહ્યા.

1968માં પ્રમુખપદ માટેની ચૂંટણીમાં ફરી ઉમેદવારી કરી તથા ડેમૉક્રૅટિક પક્ષના ઉમેદવાર હર્બર્ટ એચ. હમ્ફ્રી પર વિજય મેળવ્યો. નાના દેશોને સ્વરક્ષણ માટે લશ્કરી અને આર્થિક મદદ પૂરી પાડવી જોઈએ એવી વિચારસરણી રજૂ કરી. તેમ કરવાથી વિદેશોમાંનાં અમેરિકી દળોમાં ઘટાડો કરી શકાય તેવા મતના તેઓ હતા. આ અભિગમ ‘નિક્સન સિદ્ધાંત’ તરીકે પ્રચલિત થયો. અમેરિકામાં તેમની આ નીતિને વ્યાપક ટેકો મળ્યો. ઘણા અમેરિકન નાગરિકો તો વિદેશોમાંથી અને ખાસ કરીને વિયેટનામમાંથી અમેરિકાનાં દળોની સંપૂર્ણ વાપસીની હિમાયત કરતા હતા. વિયેટનામ યુદ્ધ ચાલુ રહ્યું તે દરમિયાન અમેરિકામાં દેખાવો અને પ્રતિદેખાવોનો દોર ચાલુ રહ્યો. પોતાના પ્રમુખ તરીકેના પ્રથમ શાસન-કાળ (1969–72) દરમિયાન વિયેટનામ યુદ્ધમાંથી અમેરિકાની સામેલગીરી ઓછી કરવા માટે તેમણે અમેરિકન ભૂમિદળોની સંખ્યામાં ક્રમશ: ઘટાડો કર્યો. નિક્સને ચીન અને સોવિયેત યુનિયન સાથેના સંબંધોમાં પ્રવર્તતા તણાવને દૂર કરવાનો પણ પ્રયાસ કર્યો. સામ્યવાદી ચીનની મુલાકાત લેનાર તેઓ પ્રથમ અમેરિકન પ્રમુખ હતા. તેમણે સોવિયેત યુનિયનની મુલાકાત પણ લીધી હતી (1972). ચીન સાથેના સંબંધોની પુન:સ્થાપનાને લીધે મૉસ્કો ખાતેની તેમની મુલાકાત દરમિયાન તેમની સ્થિતિ મજબૂત બની હતી. આ મુલાકાતના અંતે અમેરિકા અને સોવિયેત યુનિયને અણુશસ્ત્રોને મર્યાદિત કરવાના તથા દ્વિપક્ષી સંબંધોના ક્ષેત્રે મોટી પ્રગતિ સાધી. વૈજ્ઞાનિક તથા અવકાશી ક્ષેત્રે સહકાર માટેની યોજનાઓ પણ બંને દેશોએ સ્વીકારી.

ઘરઆંગણે પ્રમુખ નિક્સન માટે સૌથી વધુ ધ્યાન ખેંચતો આર્થિક પ્રશ્ન ફુગાવો હતો. શરૂઆતમાં તેમણે સમવાય સરકારના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પરિણામે વાર્ષિક અંદાજપત્રમાં ખાધનું પ્રમાણ પ્રતિવર્ષ વધતું રહ્યું. 1971 અને 1973માં વ્યાપારની સમતુલા જાળવી રાખવા માટે તેમણે ડૉલરનું અવમૂલ્યન કરાવ્યું. સરકારી અંકુશો પ્રત્યેની નાપસંદગી હોવા છતાં નિક્સને મે, 1971માં શાંતિના સમયમાં સૌથી વધુ અંકુશો લાદતી નવી આર્થિક નીતિ જાહેર કરી.

1972માં નિક્સને પ્રમુખપદ માટેની ચૂંટણીના ઇતિહાસમાં સૌથી વધારે બહુમતી મેળવી બીજી વાર પ્રમુખ બન્યા હતા. પોતાના દ્વિતીય શાસનકાળની શરૂઆતમાં જ વિયેટનામ યુદ્ધમાંથી અમેરિકાની સામેલગીરીનો અસરકારક રીતે અંત આવ્યો હતો. આમ છતાં કંબોડિયા પરના અમેરિકી હવાઈ હુમલાઓ ચાલુ રાખવામાં આવ્યા હતા. 1969 અને 1970માં કંબોડિયા પર અમેરિકન હવાઈ દળોએ ગુપ્ત રીતે હુમલા કર્યા હતા એવું જ્યારે જાહેર થયું, ત્યારે તેમના નેજા હેઠળનું અમેરિકન વહીવટી તંત્ર ભારે ટીકાપાત્ર બન્યું હતું.

તેમના દ્વિતીય શાસન (1973–74) પર ‘વૉટરગેટ કૌભાંડ’ની છાયા છવાયેલી રહી. આ કૌભાંડનો અણસાર પ્રમુખની ચૂંટણી સાથે સંબંધિત બે સમિતિઓની કામગીરી દરમિયાન આવ્યો. વૉટરગેટ ખાતે આવેલ ડેમૉક્રૅટિક પક્ષના વડા મથકે થયેલ ઘરફોડી અને ટેલિફોન જાસૂસીની ઘટના પ્રકાશમાં આવતાં આ કૌભાંડનો વ્યાપ વધ્યો. જુલાઈ, 1974 સુધીમાં તો પ્રમુખના ઘણા અંગત મદદનીશો ગુનાઇત કાર્ય માટે તકસીરવાર ઠર્યા હતા. આ ગુનાઓને છાવરવાના નિક્સનના પ્રયાસો આ કૌભાંડનો મુખ્ય હિસ્સો બની રહ્યા જેને લીધે પ્રમુખ વિરુદ્ધ મહાઅભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની હિલચાલ શરૂ થઈ.

ઑક્ટોબર, 1973માં પ્રતિનિધિસભાની ન્યાયવિષયક સમિતિ સમક્ષ મહાઅભિયોગ અંગેની સુનાવણી શરૂ થઈ. જુલાઈ, 1974માં સમિતિએ ત્રણ કલમો હેઠળ નિક્સન વિરુદ્ધ મહાઅભિયોગની ભલામણ કરી. ન્યાયના કાર્યમાં અવરોધ, પ્રમુખીય સત્તાઓનો દુરુપયોગ તથા કાનૂની વિનંતીનો અસ્વીકાર. 5, ઑગસ્ટ, 1973ના રોજ નિકસને ટેપની નોંધો જાહેર કરી. ટેપમાં અંકિત થયેલી વાતચીત પરથી એટલું ફલિત થયું કે વૉટરગેટની ઘટના પછી છ દિવસ બાદ નિક્સને આ ઘટના પર ઢાંકપિછોડો કરવાને મંજૂરી આપી હતી. આ પુરાવાના આધારે નિક્સન પર મહાઅભિયોગની કાર્યવહી અસરકારક રીતે ચલાવી શકાશે એવી શક્યતા ઊભી થઈ. 9 ઑગસ્ટ, 1974ના રોજ નિક્સને પ્રમુખપદેથી રાજીનામું આપ્યું. 8 સપ્ટેમ્બર, 1974ના રોજ પ્રમુખ ફૉર્ડે નિક્સનને તમામ સમવાયી ગુનાઓમાંથી માફી બક્ષી.

1976માં ન્યૂયૉર્ક રાજ્યમાં વકીલાત કરવા અંગે તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.

નવનીત દવે