નિક્ષેપ (bailment) : માલની કરારહસ્તક સોંપણી. ભારતીય કરારધારાની જોગવાઈઓ પૈકી કલમ 148 મુજબ નિક્ષેપ એટલે એક વ્યક્તિએ બીજી વ્યક્તિને કોઈ હેતુ માટે કરારથી કોઈ માલની કરેલી સોંપણી, જે માલ હેતુ સિદ્ધ થયે કાં તો પરત કરવાનો હોય કે જેનો સોંપનાર વ્યક્તિની સૂચનાઓ મુજબ નિકાલ કરવાનો હોય. કોઈ વ્યક્તિનો માલ બીજી વ્યક્તિ પાસે પહેલેથી જ હોય પણ ત્યારબાદ ઉપર જણાવ્યા મુજબ કોઈ હેતુ માટે રાખવાનો કે નિકાલ કરવાનો હોય તો નિક્ષેપ કહેવાય. માલ સોંપનાર નિક્ષેપકર્તા અને રાખનાર નિક્ષેપગ્રહીતા કહેવાય છે. કરાર મૌખિક, લેખિત કે ગર્ભિત હોઈ શકે. જડેલી વસ્તુ મૂળ માલિકને પાછી આપવાના હેતુસર રખાય છે, તે ગર્ભિત કરારથી નિક્ષેપ ગણાય. નિક્ષેપમાં કબજાની કાયદાકીય ફેરબદલી જોઈએ. બીજાને ત્યાં મૂકેલી થાપણ, ઉછીની સોંપણી, ભાડેથી કરેલી સોંપણી, નાણાંના તારણ તરીકેની સોંપણી કે માલ પર કંઈક ક્રિયા કરવા માટેની સોંપણી નિક્ષેપ સૂચવે છે.

નિક્ષેપગ્રહીતા નિક્ષેપના માલના સંબંધમાં કરારથી વિસંગત કાર્ય કરે તો નિક્ષેપ રદ થવા પાત્ર બને. જો તે નિક્ષેપનો માલ નિક્ષેપકર્તાની સંમતિ વગર પોતાના માલમાં ભેળવે તો તેણે પોતાને ખર્ચે તે જુદો પાડવો પડે અને તેમ ન બને તો નિક્ષેપકર્તાને નુકસાનવળતર આપવું પડે. નિક્ષેપગ્રહીતાની ફરજ છે કે તેણે સામાન્ય માણસ સરખા સંજોગોમાં પોતાની વસ્તુની દરકાર લે તેવી દરકાર નિક્ષેપની વસ્તુની લેવી જોઈએ; પરંતુ ખાસ કરારના અભાવે એવી દરકાર લીધા છતાં તે વસ્તુ ખોવાય, નાશ પામે કે બગડે તો નિક્ષેપકર્તા જવાબદાર ગણાય નહિ. નિક્ષેપનો હેતુ કે સમય પૂર્ણ થતાની સાથે તરત જ નિક્ષેપગ્રહીતાએ માલનો કબજો નિક્ષેપકર્તાને આપવો જોઈએ, નહિ તો નિક્ષેપકર્તાને થયેલ નુકસાન માટે નિક્ષેપગ્રહીતા જવાબદાર બને. નિક્ષેપકર્તાને માલ નિક્ષેપમાં મૂકવાનો હક ન હોય તો તેથી નિક્ષેપગ્રહીતાને થયેલ નુકસાન માટે નિક્ષેપકર્તા જવાબદાર બને છે. આ બાબતમાં માલનો સાચો માલિક કોર્ટમાં જઈ નિક્ષેપકર્તાને માલ પાછો ન મળે તેવો હુકમ મેળવી શકે. કલમ 159 મુજબ વિના મૂલ્યે કરેલ નિક્ષેપ, નિક્ષેપકર્તા ગમે ત્યારે રદ કરી શકે, પરંતુ જો નિશ્ચિત સમય કે નિશ્ચિત હેતુ માટેનો નિક્ષેપ હોય તો જો તે હેતુ સિદ્ધ થાય કે સમય પૂરો થાય તે પહેલાં માલ પરત કરવો પડે, તો નિક્ષેપગ્રહીતાને થયેલ નુકસાનનું વળતર નિક્ષેપકર્તાએ આપવું પડે. કલમ 170 મુજબ નિક્ષેપગ્રહીતાએ નિક્ષેપના માલ પર નિક્ષેપના હેતુ માટે કોઈ ક્રિયા કરી હોય તો તેને યોગ્ય મહેનતાણું ન મળે ત્યાં સુધી તેને નિક્ષેપવાળો માલ રાખી મૂકવાનો વિશિષ્ટ ધારણાધિકાર (particular lien) છે. બકરો(શરાફો), આડતિયા, વહાણના ડક્કાવાળા (whartingers), હાઈકોર્ટોના ઍડવોકેટો અને વીમાદલાલોને તેમના બાકી લેણાના તારણ તરીકે તેમને ત્યાં મૂકેલી વસ્તુઓ રાખવાનો સામાન્ય ધારણાધિકાર (general lien) છે. જે વ્યક્તિને વસ્તુ જડી હોય તે તેના માલિકને શોધવા કે વસ્તુ સાચવવા સ્વેચ્છાથી તેણે કરેલ ખર્ચ માટે દાવો ન કરી શકે; પરંતુ તે વસ્તુના માલિકે તે મેળવવા જાહેર કરેલ બદલો અને તેનો સાચવણીખર્ચ તેને ન મળે ત્યાં સુધી જેને તે વસ્તુ જડી હોય તે વ્યક્તિ તેનો કબજો રાખી શકે. સમજપૂર્વકની મહેનત કરવા છતાં તે વસ્તુનો માલિક ન મળે અને વસ્તુ બગડી જવાનો કે તેની કિંમતમાં મોટા ભાગનો ઘટાડો થવાનો ભય હોય તો મેળવનાર વ્યક્તિ તે વેચી શકે. નિક્ષેપકર્તાની ફરજ છે કે નિક્ષેપવાળી વસ્તુની પોતે જાણતો હોય તેવી ક્ષતિઓ જે તેના ઉપયોગમાં અડચણરૂપ હોય કે અસામાન્ય જોખમરૂપ હોય, તેની તેણે નિક્ષેપગ્રહીતાને જાણ કરવી જોઈએ, નહિ તો તે નિક્ષેપગ્રહીતાને તેથી થયેલ નુકસાન બદલ જવાબદાર ગણે. જો વસ્તુ ભાડે આપેલ હોય તો નિક્ષેપગ્રહીતાની જાણ બહારની ક્ષતિઓથી થયેલ નુકસાન માટે પણ તે જવાબદાર થશે. નિક્ષેપ જો નિ:શુલ્ક હોય તો નિક્ષેપકર્તા કે નિક્ષેપગ્રહીતાના મૃત્યુથી તે રદ થાય છે.

છોટાલાલ છગનલાલ ત્રિવેદી