નિક્ષેપ (વ્યાકરણશાસ્ત્ર)

January, 1998

નિક્ષેપ (વ્યાકરણશાસ્ત્ર) : જૈન શાસ્ત્રીય ગ્રંથોમાં શબ્દ કે અર્થનું વિશ્લેષણ કરવાની એક પ્રક્રિયા. વિદ્વાન જૈન મુનિઓએ શબ્દોની નિરુક્તિ કે અર્થવિશ્લેષણ કરવાની નિક્ષેપ (પ્રાકૃત – નિક્ખેવ) નામે એક અપૂર્વ પ્રક્રિયા નિર્યુક્તિઓમાં શરૂ કરી જેને ભાષ્યો અને ચૂર્ણિઓમાં ખૂબ વેગ મળ્યો. નિર્યુક્તિ વગેરે સાહિત્યમાં આવી પ્રક્રિયા માટે વપરાતો ‘નિક્ષેપ’ શબ્દ જૈન ધર્મકથાઓમાં ‘ઉપસંહાર’ કે ‘સમાપ્તિવાક્ય’ના અર્થમાં રૂઢ ‘નિક્ષેપ’ શબ્દ કરતાં તદ્દન ભિન્ન છે. પ્રસ્તુત નિક્ષેપપ્રક્રિયામાં સામાન્ય રીતે અનુક્રમે ‘નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ’ જેવા શબ્દો – નિશ્ચાયકો’-determinants)માંથી બધા અથવા ‘દ્રવ્ય-ભાવ’ અથવા ‘નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ’ કે ‘દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ’નો સતત ઉપયોગ કરવામાં આવે છે. કોઈ વાર આ ઉપરાંત કોઈક નવા શબ્દોનો પણ નિશ્ચાયક તરીકે ઉપયોગ થાય છે. આ આખી નિક્ષેપપ્રક્રિયા કોઈ નિશ્ચિત ક્રમે કામ કરે છે.

(1) નિરુક્તિ કરવા માટે આગમગ્રંથ/સૂત્રના કોઈ પસંદગી પામેલા શબ્દો(= ‘પ્રતીકો’, catchwords)ની સાથે નિશ્ચાયકો જોડવામાં આવે છે, પરિણામે ‘નિશ્ચાયક-પ્રતીક’નો સમાસ થાય છે; દા.ત., ‘દ્રવ્ય-પુરુષ’ (અહીં ‘દ્રવ્ય’, નિશ્ચાયક છે, ‘પુરુષ’ પ્રતીક છે). કોઈ વાર સમાસ અધ્યાહાર રાખી ‘નિશ્ચાયક-માત્ર’નો ઉપયોગ થાય છે; દા.ત., દ્રવ્યત : (=પ્રાકૃત = દવ્વઓ; ‘દ્રવ્ય દ્વારા’). આવા નિક્ષેપના પ્રાથમિક ક્રમને ‘નિક્ષેપ-ભૂમિકા’ (programme) કહી શકાય.

(2) ત્યારબાદ, જે ક્રમે નિશ્ચાયકો જોડાયા હોય તે ક્રમાનુસાર, નિશ્ચાયકોની મદદથી એક પછી એક પ્રતીક શબ્દના ‘અર્થ-પર્યાયો’ (concepts) દર્શાવવામાં આવે છે. નિશ્ચાયકો અહીં ‘દૃષ્ટિબિંદુ’ તરીકે કાર્ય કરે છે; દા.ત., ‘પુરુષ’ પ્રતીક સાથે ‘નામ-સ્થાપના…….ભાવ’ નિશ્ચાયકો જોડાતાં તે પ્રતીકના તે તે દૃષ્ટિબિંદુથી સંભવિત અનેક અર્થ-પર્યાયો ક્રમપૂર્વક આપવામાં આવે છે; જેમ કે, 1 = નામ – પુરુષ (પુ. નું નામ ધનપતિ હોય, છતાં તે હોય ગરીબ). 2 = સ્થાપના – પુ (પુ.નું પૂતળું, ફોટો, વગેરે). 3 = દ્રવ્ય  પુ. (પુ.નું. શરીર વગેરે). 4 = ક્ષેત્ર  પુ. (પુ. ગુજરાતનો કે અમદાવાદી, વ.). 5 = કાળ – પુ. (પુ. વૃદ્ધ, જુવાન, વ.). 6 = ભાવ – પુ. (પુ. સારો, ખરાબ, કે જીવ રૂપે વ.). કેટલીક વાર આ અર્થપર્યાયોમાંથી ક્રમવાર એકેક અર્થ-પર્યાય લઈ તેના પણ સંખ્યાબંધ ઉપપર્યાયાર્થ દર્શાવવામાં આવે છે. આમાં ક્રમભંગને અવકાશ હોતો નથી; દા.ત., ‘નામ’ નિશ્ચાયક દ્વારા અર્થપર્યાયો, ઉપપર્યાયાર્થ દર્શાવ્યા બાદ, બીજા નંબરે આવતા ‘સ્થાપના’ નિશ્ચાયકને ઉપયોગમાં લેવાય છે. આવા અર્થપર્યાયો અને ઉપપર્યાયાર્થો દર્શાવતી નિક્ષેપપ્રક્રિયાને એક પ્રકારનો ‘શબ્દકોશ’ કે ‘નિરુક્તકોશ’ની સંજ્ઞા આપી શકાય. નિક્ષેપના આ ક્રમને ‘ક્રિયાન્વિત પ્રક્રિયા’ (execution) કહી શકાય.

(3) અંતે, આ બધા પર્યાય-ઉપપર્યાયોમાંથી પ્રતીક શબ્દનો કયો અર્થ આગમગ્રંથમાં અભિપ્રેત છે તે જણાવવામાં આવે છે, આને ‘અધિકાર’ કે ‘પ્રકૃત’(પ્રાકૃતમાં = ‘અહિયાર’ કે ‘પગય’)ની સંજ્ઞા આપવામાં આવે છે. અહીં વિશેષ તો ‘ભાવ’ નિશ્ચાયકના કોઈ એક પર્યાય/ઉપપર્યાયને જ ‘અધિકાર’ આપવામાં આવે છે.

આવી આખી પ્રક્રિયાને નિક્ષેપ કહેવામાં આવે છે (જેમ કે, ઉપર આપેલા ઉદાહરણ પ્રમાણે, ‘પુરુષ-નિક્ષેપ’). કોઈ વાર કોઈ એક નિશ્ચાયકના નામથી પણ નિક્ષેપનું સૂચન થાય છે; જેમ કે, ‘પુરુષનો નામ-નિક્ષેપ’, ‘પુરુષનો દ્રવ્ય-નિક્ષેપ’ વ. નિક્ષેપના આદિ સંકેત કે તેનું અવિકસિત રૂપ જૈન આગમગ્રંથોમાં મળી આવે છે. કેટલાક આગમગ્રંથમાં ‘નિક્ષેપ-ભૂમિકા’ વગર ઘણી વાર ફક્ત ‘દ્રવ્ય-ભાવ’ જેવા નિશ્ચાયકો સાથે શબ્દો/પદોના પર્યાયો/ઉપપર્યાયોની વિસ્તૃત હારમાળા આપવામાં આવે છે. અહીં ‘દ્રવ્ય-ભાવ’ નિશ્ચાયકો હિંદુ દર્શનસાહિત્યમાંથી અપનાવેલા હોય છે.

આ નિશ્ચાયકોનો ઉપયોગ શબ્દો/પદોના વિશ્લેષણ માટે થતો; છતાં આગમોમાં ‘નિક્ષેપ’ જેવી કોઈ પ્રક્રિયા રૂઢ નથી હોતી. અહીં નિક્ષેપ કોઈ પ્રક્રિયાવિશેષના એકમ તરીકે નહીં, પરંતુ ચાલી આવતી શબ્દો /પદોના વિશ્લેષણની વિસ્તૃત શૃંખલાઓના એક અંશ માત્ર તરીકે દૃષ્ટિગોચર થાય છે. આગમોની આવી શૃંખલાઓમાંથી નિર્યુક્તિઓના નિક્ષેપનો જન્મ થયો.

પ્રાચીન નિર્યુક્તિઓની નિક્ષેપપ્રક્રિયાના ઉપર જણાવેલ 1-3 નિશ્ચિતક્રમો ઘણી વાર એક-બે ગાથામાં જ સમાઈ જાય છે. તેમાં કોઈ વાર ‘નિક્ષેપ-ભૂમિકા’ અને ‘અધિકાર’ને સ્થાન આપવામાં આવે છે; અને ‘દ્રવ્ય-ભાવ’ જેવા નિશ્ચાયકો વિશેષ જોવા મળે છે.

(1) આગમગ્રંથનાં અને તેના વિભાગોનાં શીર્ષકો(= નામો)નો નિક્ષેપ  નિક્ષેપપ્રક્રિયા માટે અનિવાર્ય ગણાય છે. શીર્ષક એકથી વધારે શબ્દોના સમૂહ(સમાસ)વાળું હોય તો તેના બધા જ શબ્દોનો નિક્ષેપ કરવાનો હોય છે.

(2) પરંતુ ગ્રંથનાં આંતરિક સૂત્રોમાંના કોઈ શબ્દનો નિક્ષેપ ભાગ્યે જ થતો જોવામાં આવે છે.

(3) તે રીતે કોઈક જ વાર નિર્યુક્તિની ગાથાઓમાંના કોઈ શબ્દનો પણ નિક્ષેપ કરવામાં આવે છે.

નિર્યુક્તિઓના વિકાસકાળમાં નિક્ષેપ માટે ‘નામ-સ્થાપના’ જેવા બે નવા નિશ્ચાયકો સતત ઉપયોગમાં આવ્યા. પરંતુ વ્યાખ્યાઓમાં (ચૂર્ણિઓ, ભાષ્યો, ટીકા વ.) તેના વિવરણની ઘણી વાર ઉપેક્ષા જ થતી રહી. ‘નામ-સ્થાપના’ ઉપરાંત બીજા નવા નિશ્ચાયકો પણ અસ્તિત્વમાં આવ્યા. આ કાળમાં શીર્ષકોના નિક્ષેપને ‘નામ-નિષ્પન્ન’ સૂત્રના શબ્દો સાથે સંકળાયેલા નિક્ષેપને ‘સૂત્રાલાપક’ અને નિર્યુક્તિગાથાના કોઈક શબ્દના નિક્ષેપને ‘ઓઘ(= પ્રવાહ)નિષ્પન્ન’ જેવી સંજ્ઞાઓ પણ આપવામાં આવી. નિર્યુક્તિઓમાં આવો નિક્ષેપ 58 ગાથાઓમાં જ સમાપ્ત થઈ જતો.

ઉત્તરકાલીન નિર્યુક્તિઓમાં અને ભાષ્યોમાં નિક્ષેપની પરિપક્વ અવસ્થા થઈ. તેમાં ‘દ્રવ્ય-ભાવ’ જેવા નિશ્ચાયકોના પણ (‘આગમ’, ‘નોઆગમ’, ‘જ્ઞ-શરીર’, ‘લૌકિક’, ‘લોકોત્તરી’ વ. જેવા) વિભાગો/પેટા-વિભાગો પાડવામાં આવ્યા. (દા.ત. હાલની ‘આવશ્યકનિર્યુક્તિ’, ‘અનુયોગદ્વારસૂત્ર’, ‘વિશેષાવશ્યકભાષ્ય’ વ.). વળી, અનેક નવા નિશ્ચાયકો સાથે નિક્ષેપપ્રક્રિયાનો પણ ઘણી ગાથાઓમાં ગૂંચવણભર્યો વિસ્તાર થતો ગયો, જેમાં કોઈ વાર ‘ક્રિયાન્વિત-પ્રક્રિયા’માંથી કોઈક અર્થપર્યાયને કે ઉપપર્યાયાર્થને પ્રતીક-શબ્દ તરીકે અપનાવી, તેનો પણ નિક્ષેપ કરવામાં આવ્યો (‘નિક્ષેપમાં નિક્ષેપ’).

નિક્ષેપની આવશ્યકતા : પ્રાચીન યુગના જૈન આગમશબ્દોની નિરુક્તિ માટે નિર્યુક્તિઓ/ભાષ્યો કે ચૂર્ણિઓ મર્યાદિત હતી. જૈનોના દાર્શનિક યુગ (આશરે આઠમીથી દસમી સદી)માં નિક્ષેપનું મહત્વ ઓછું થયું; અને વિકસિત થયેલી ‘સપ્તભંગી’ પછી ‘સાત-નયો’ નામની બે નવી પ્રક્રિયાઓનું મહત્ત્વ વધતું ગયું. નિક્ષેપ, સપ્તભંગી અને નયો પરસ્પર તદ્દન ભિન્ન હોવા છતાં, તેમને આ સમયમાં (હાલની ‘આવશ્યકનિર્યુક્તિ’, ‘અનુયોગદ્વારસૂત્ર’, ‘વિશેષાવશ્યક ભાષ્ય’ વ. માં) એકમેકમાં સામેલ કરી દેવામાં આવ્યાં. પછી ‘નિક્ષેપ’ સંજ્ઞા નિક્ષેપપ્રક્રિયા પૂરતી જ સીમિત ન રહી. વળી ‘નિક્ષેપ’નો ‘ન્યાસ’ના અર્થમાં પરિચય થતો ગયો (જેમ કે, ‘વિશેષાવશ્યકભાષ્ય’ પરનું સ્વોપજ્ઞ તથા લગભગ છઠ્ઠીથી સાતમી સદીમાં થયેલા ઉમાસ્વાતિના તત્વાર્થસૂત્ર સ્વોપજ્ઞમાં પણ ‘નિક્ષેપ’ને ‘ન્યાસ’નો પર્યાય માન્યો છે).

બંસીધર ભટ્ટ