નાસિર ખુસરવ (જ. 28 ઓગસ્ટ 1004, કુબાદિયાન, જિ. બલ્ખ; અ. 1088, યમકાન) : સલ્જૂક યુગના ખ્યાતનામ ફારસી કવિ અને વિદ્વાન. તેમનું પૂરું નામ હકીમ અબુ મુઈન નાસિર બિન ખુસરવ બિન હારિસ. તેમણે સલ્જૂક રાજ્યમાં મર્વ શહેરમાં સરકારી સેવા બજાવી હતી અને ‘અદીબ’ તેમજ ‘દ્બીરે ફાઝિલ’ જેવાં ઉપનામો રાખ્યાં હતાં.
43 વર્ષની વયે તેમના જીવનમાં એકાએક પલટો આવ્યો અને ગૃહત્યાગ કરી મક્કા શરીફ હજ કરવા ચાલ્યા ગયા. તે હિજાઝ અને મિસરમાં 7 વર્ષ સુધી ફર્યા અને 50 વર્ષની વયે ફાતેમી ખલીફાઓ તરફથી ઇસ્માઇલી પંથના ઉપદેશક બની ખુરાસાન પાછા ફર્યા. પોતાના વતનમાં ધાર્મિક અને વૈચારિક મતભેદોને કારણે સુન્નીઓ તથા સલ્જૂક અમીરો સાથે ઘર્ષણમાં આવતાં છેવટે તેઓ હાલના બદખ્શાન પાસેના પર્વતોમાં યમકાન નામના નિર્જન ઘાટમાં જઈ વસ્યા. ત્યાંથી જીવનના અંત સુધી તેમણે ઇસ્માઇલી પંથના પ્રચારનું કામ કરવા ઉપરાંત લેખનકાર્ય કર્યું.
તેઓ ફારસી ભાષાના સર્વપ્રથમ પ્રવાસપુસ્તક ‘સફરનામાએ નાસિર ખુસરવ’ના કર્તા છે. અગિયારમી સદીમાં ફારસીના આ પ્રખ્યાત લેખકે તેની રચના કરી છે. તેઓ ગદ્ય અને પદ્યના સારા લેખક હતા. તેમની વિદ્વત્તા અને બહોળું જ્ઞાન તેમની કૃતિઓમાં સ્પષ્ટ તરી આવે છે. તેઓ મૌલિક વિચારો અને શૈલી ધરાવતા હતા. તેમની શૈલી અત્યંત સરળ અને સાદી છે. તેમનાં કાવ્યો મોટેભાગે નીતિ અને બોધ પર આધારિત છે. ઇસ્માઇલી પંથના અંગીકાર પછી તેમણે પોતાનાં કાવ્યોમાં ધાર્મિક વિચારો અને વિષયોને પણ સ્થાન આપ્યું હતું.
નાસિર ખુસરવે લગભગ 30,000 કાવ્યપંક્તિઓ રચી છે અને 13 જેટલી તેમની ગદ્યકૃતિઓ છે. તેમણે કસીદા કાવ્યોમાં બીજા ફારસી કવિઓની જેમ અમીરઉમરાવો કે શાહોની ખુશામત કરી નથી. તેમનાં બે મસ્નવી કાવ્યો ‘રૂશનાઈનામા’ અને ‘સઆદતનામા’ નૈતિક વિષયો પર આધારિત છે. તેમની ‘સફરનામાએ નાસિર ખુસરવ’ અગત્યની કૃતિ છે; તે ફારસી ગદ્યમાં છે. તેની ભાષા સાદી અને સરળ છે. તેમણે આ સફરનામામાં ઈરાન, અરબ, સીરિયા, પૅલેસ્ટાઇન, મિસર તથા તત્કાલીન ઇસ્લામી જગતની સ્થિતિનો આબેહૂબ ચિતાર રજૂ કર્યો છે. તેમાં તેમના સમયની ધાર્મિક, સામાજિક, આર્થિક તથા રાજકીય સ્થિતિનું પ્રતિબિંબ પણ જોવા મળે છે.
ઈસ્માઈલ કરેડિયા