નાસિર, ઝહીરુદ્દીન

January, 1998

નાસિર, ઝહીરુદ્દીન (. 9 નવેમ્બર 1932, ઇંદોર; . 1994 દિલ્હી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની આલાપ-ધ્રુપદ શૈલીના વિખ્યાત ગાયક અને ડાગર પરિવારના ઓગણીસમા વંશજ. તેઓ ઉસ્તાદ અલ્લાબંદેખાંના પૌત્ર તથા ઉસ્તાદ નસીરુદ્દીનખાંના પુત્ર હતા.

શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક શિક્ષા તેમણે તેમના પિતા પાસેથી પાંચ વર્ષની વયથી લીધી હતી; પરંતુ પિતાના અવસાન પછી સંગીતની પૂરી અને તલસ્પર્શી તાલીમ તેમણે પોતાના મોટા ભાઈ ઉસ્તાદ નસીર મોહિનુદ્દીન(1922–66) તથા ઉસ્તાદ નસીર અમીનુદ્દીન પાસેથી મેળવી હતી. સંગીતશિક્ષણમાં તેમના કાકા અને જયપુર દરબારના ગાયક ઉસ્તાદ રિયાઝુદ્દીનખાંનો પણ ફાળો હતો. પોતાના મોટા ભાઈ પાસેથી તાલીમ મેળવતી વખતે પણ તેમણે ગુરુ-શિષ્યપરંપરાની બધી રીતરસમોનું ચુસ્તપણે પાલન કર્યું હતું જેમાં સેવા અને સ્વાર્પણ આ બે મહત્વનાં પાસાં ગણાય છે. પોતે ચુસ્ત મુસ્લિમ હોવા છતાં ધ્રુપદ ગાયકીની શુદ્ધ હિંદુ પરંપરાનું ગૌરવ વધારવામાં તેમનો મોટો ફાળો હતો.

ઝહીરુદ્દીન નાસિર

શાસ્ત્રીય સંગીતની ઉચ્ચ સાધના માટે ભારત સરકારે તેમને પાંચ વર્ષ માટે શિષ્યવૃત્તિ આપી હતી. તેમના બીજા એક ભાઈ નસીર ફૈયાઝુદ્દીન સાથે ઘણા લાંબા સમય સુધી તેમણે ધ્રુપદ ગાયકીના જાહેર કાર્યક્રમો આપ્યા હતા અને આ બંનેની જુગલબંદી સાંભળનારા શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જાય એટલી બધી એકાત્મતા તેમની ગાયકીમાં હતી.

એક સમયે ધીમે ધીમે લોપ પામતી ધ્રુપદ ગાયકીને પુનરુજ્જીવિત કરવા માટે તેમણે ધ્રુપદ સોસાયટીની સ્થાપના કરી હતી અને તેમાં પંડિત સીયારામ તિવારી, પંડિત રામચતુર મલિક જેવા ધ્રુપદ ગાયકોને માનભેર સ્થાન આપ્યું હતું.

બાળકૃષ્ણ માધવરામ મૂળે