નાસિખ, ઇમામબખ્શ

January, 1998

નાસિખ, ઇમામબખ્શ (. 10 એપ્રિલ 1772, ફૈઝાબાદ; . 1838, લખનૌ) : ઉર્દૂ કવિ. ‘નાસિખ’ તેમનું તખલ્લુસ હતું. લખનૌના સાંસ્કૃતિક વાતાવરણથી મોહિત થઈ લખનૌને વતન ગણી, ત્યાં આવી વસ્યા હતા.

લખનૌના નવાબોની શાન, ઉદારતા, કાવ્યરસિકતાની સાથે સાથે તેમના દ્વારા અપાતું સાહિત્યિક પ્રોત્સાહન પ્રશંસનીય હતાં. લખનૌમાં નાસિખના જીવન ઉપર ખૂબ અસર કરનાર મિર્ઝા હાજી હતા. મિર્ઝા હાજીની દરબારદારીનું જ એ પ્રદાન લેખાશે કે નાસિખ ખૂબ નિરાંતે ભાષાની સાથે સાથે કાવ્યસિદ્ધિ પ્રાપ્ત કરી શક્યા અને ઉત્તમ ઉસ્તાદ તરીકે જાણીતા થયા. નાસિખના વ્યક્તિત્વનું એક બીજું રૂપ એ હતું કે તેમને વ્યાયામનો ભારે શોખ હતો. તે અત્યંત મજબૂત અને કદાવર બાંધાના હતા.

ઉર્દૂના મહાન કવિ મીર તકી મીર પાસેથી માર્ગદર્શન મેળવવા તેમણે રજૂઆત કરી હતી; પરંતુ મીર તકી મીરે સ્વીકાર ન કરતાં, નાસિખે મન:શક્તિને ગુરુપદે સ્થાપીને કામ ચલાવ્યું હતું.

ઉર્દૂ કવિતાના ઇતિહાસમાં કાવ્યશૈલી અને વિષયોની દૃષ્ટિએ દિલ્હી કેન્દ્ર અને લખનૌ કેન્દ્ર ખૂબ જાણીતાં છે. આ કાવ્યભેદ ખરેખર જીવનશૈલીનો ભેદ છે. નાસિખને લખનૌ કેન્દ્રના અને લખનવી કાવ્યશૈલીના સ્થાપક ગણવામાં આવે છે, કારણ કે દિલ્હી-લખનૌની ભાષા અને કવિતાના માર્મિક ભેદ નાસિખે નિશ્ચિત કરી બતાવ્યા હતા. લખનૌના રૂઢિપ્રયોગો, ભાષાવ્યવહાર, તેમજ કપોલકલ્પિત વિષયોનું આલેખન નાસિખની રચનામાં અતિસુંદર રીતે યોજાયાં છે.

નાસિખે ભાષાશુદ્ધિ પરત્વે નોંધપાત્ર કામ કર્યું, તે એ કે ભારેખમ શબ્દોને તિલાંજલિ આપી, અરબી-ફારસી તેમજ હિન્દીના પ્રચલિત શબ્દોને સ્વીકારી તેમનાં વચન અને લિંગના ભેદ નક્કી કર્યા. નાસિખ પોતે કવિતાના ઉસ્તાદ હતા અને બુનિયાદી રીતે કવિતાનો સંબંધ છંદ સાથે હોઈ નાસિખે છંદશાસ્ત્રમાં પણ નિપુણતા પ્રાપ્ત કરી હતી. આ બધી કાવ્યવિશેષતાઓથી તેમણે પોતાના કાવ્યસંગ્રહો  દીવાનોને જ નહોતા શણગાર્યા; પરંતુ પોતાના શિષ્યોને પણ તેનો અમલ કરવા પ્રેરણા સાથે માર્ગદર્શન આપ્યાં હતાં.

મોહિયુદ્દીન બૉમ્બેવાલા