નાસા વંકપટલ (deviated nasal septum) : બે નસકોરાં વચ્ચેનો પડદો વાંકો હોવાથી થતો તકલીફકારક વિકાર. બે નસકોરાંની વચ્ચે એક કાસ્થિ (cartilage) અને શ્લેષ્મકલા(mucaus membrane)નો પડદો આવેલો છે. તેને નાસાપટલ અથવા નાસિકાપટલ (nasal septum) કહે છે. તે નસકોરાની ગુહા(પોલાણ)ની મધ્યરેખા તરફની દીવાલ બનાવે છે. તેમાં વોમર અને ઇથમૉઇડ હાડકાની પટ્ટીઓ પણ હોય છે. તે ભાગ્યે જ પૂરેપૂરો શરીરની મધ્યરેખામાં હોય છે. નાસાપટલના 3 ભાગ પડે છે : (1) અસ્થીય (bony) (2) કાસ્થીય (cartilaginous) અને (3) ત્વકીય ભાગ જે નાકના આગલા અને નીચલા છેડે હોય છે. નાસાપટલને ડાબી અને જમણી એમ બે સપાટીઓ હોય છે અને તેને આગળ, પાછળ, ઉપર અને નીચે એમ ચાર કિનારીઓ હોય છે. શીર્ષસ્થ ધમનીઓ(carotid arteries)ની જુદી જુદી શાખાઓ નાસાપટલને લોહી પૂરું પાડે છે. તેના આગળના અને નીચલા છેડે જુદી જુદી ચાર ધમનીઓ એકબીજા સાથે કેશવાહિનીઓથી જોડાય છે. તેને લિટલનો વિસ્તાર કહે છે. ત્યાં ઈજા કે વિકાર થાય ત્યારે નસકોરી ફૂટે છે.
બે નસકોરાં વચ્ચેનો પડદો ચુસ્ત રીતે મધ્યરેખામાં રહેવાનું ન જાળવતો હોવાથી ઘણે ભાગે વાંકો રહે છે. જો તેની વંકાપણ કોઈ તકલીફ કરે તો જ તેની સારવારની જરૂર પડે છે. નાકનો પડદો વાંકો થવાનાં ઘણાં કારણો હોય છે. સામાન્ય રીતે તે વાંકો થવાની શરૂઆત યૌવનારંભે (at puberty) થાય છે અને લગભગ 20 વર્ષે જ્યારે તેનો વિકાસ પૂરો થાય છે ત્યાં સુધી તેમાં ક્યારેક વધારો થતો રહે છે. પુરુષ અને સ્ત્રી બંનેમાં આ ઘટના જોવા મળે છે. ઘણા કિસ્સામાં આ વિકૃતિ વારસાગત હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં ચહેરાના વિકાસના દર કરતાં નાકના પડદાના વિકાસનો દર વધુ થયેલો હોય છે. કેટલાક કિસ્સામાં તાળવાનો ઘૂમટ ઊંચો હોય તો પણ આ વિકૃતિ થાય છે. નાકના પડદામાં ઈજા થાય કે ગાંઠ થાય ત્યારે પણ તે વાંકો થાય છે.
નાકના પડદાની વિકૃતિઓ ચાર પ્રકારની હોય છે : (1) પડદાનો ઉપલો, નીચલો, આગળનો કે પાછળનો ભાગ ક્રમશ: વાંકો થયેલો હોય, (2) પડદામાં એક કંટક (spur) જેવો જાડો ભાગ ઊપસેલો હોય, (3) ઈજા પછી તેની કોઈક સ્થળે જાડાઈ વધી હોય અને (4) ઈજા કે અન્ય કારણે પડદાની આગળની કે નીચલી કિનારી એક બાજુ ખસી ગયેલી હોય. જો નાકના પડદા પર કંટક જેવો ઊપસેલો ભાગ બન્યો હોય તો ત્યાંની નસોમાંથી વારંવાર નસકોરી ફૂટવાનો વિકાર થતો હોય છે.
નાકનો પડદો વાંકો થાય ત્યારે તે અંગ્રેજી મૂળાક્ષર ‘C’ કે ‘S’ આકારનો થાય છે. તેથી બંને નસકોરામાંના પોલાણમાં વધઘટ થાય છે. જે નસકોરામાં પોલાણ મોટું હોય તેની બહારની દીવાલ જાડી થયેલી હોય છે. સાંકડા નસકોરામાં ક્યારેક આસપાસનાં હાડકાંનાં પોલાણો(વિવરો, sinuses)માંનું દ્રવ્ય બહાર નીકળવામાં સંકડાશ ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે મોટા પોલાણવાળા નસકોરામાં પણ બહારની દીવાલ જાડી થવાને કારણે હાડકાનાં પોલાણોના દ્વારમાંથી બહાર નીકળતા પ્રવાહી માટે તકલીફ ઉદભવે છે. તેના કારણે નાક અને આસપાસનાં હાડકાંનાં પોલાણોમાં પ્રવાહી ભરાય છે અને વારંવાર ચેપ લાગે છે.
લક્ષણો, ચિહનો અને નિદાન : મોટાભાગના કિસ્સાઓમાં કોઈ જ તકલીફ થતી નથી. ક્યારેક વ્યક્તિ તેનું નાક જામ થઈ ગયેલું હોય એવું અનુભવે છે. જો હાડકાંનાં પોલાણોમાં ચેપ લાગે તો તેને પરાનાસા વિવરશોથ (paranasal sinusitis) અથવા વિવરશોથ (sinusitis) કહે છે. જો નાકની આસપાસના હાડકાનાં પોલાણો(પરાનાસા વિવરો, paranasal sinuses)નાં દ્વાર બંધ થઈ ગયાં હોય તો તેમાંની હવા લોહીમાં શોષાઈ જાય છે. તેથી તેમાં શૂન્યાવકાશ ઉત્પન્ન થાય છે. ઘણી વખત વાંકો વળેલો પડદો નાકની બહારની દીવાલને સતત અડ્યા કરે છે અને તેનાથી સંક્ષોભન (irritation) ઉદભવે છે. પરાનાસા વિવરશોથ, વિવરોમાંનો શૂન્યાવકાશ અને બહારની દીવાલનું ક્ષોભન દુખાવો કરે છે. નાકમાં પ્રવાહી જમા થતું રહેતું હોવાથી વારંવાર શરદી થાય છે. ક્યારેક લિટલના વિસ્તારમાંની નસોમાંથી લોહી પડે છે (નસકોરી ફૂટવી). નાકની અંદરની દીવાલના સોજાને કારણે ગંધ પારખવાની ક્ષમતા ઘટે છે. તેને અઘ્રાણતા (anosmia) કહે છે. ક્યારેક વાંકા પડદાને કારણે બહારી નાક વાંકું લાગે છે, જે સૌંદર્યલક્ષી સમસ્યા પણ સર્જે છે. નાકનો બહારનો દેખાવ તથા નાકના પોલાણના આગળના કે પાછળના ભાગને નાસિકાંત:નિરીક્ષા (rhinoscopy) વડે તપાસવાથી નાકના પોલાણમાંનો વધારો-ઘટાડો જાણી શકાય છે.
આનુષંગિક તકલીફ રૂપે હાડકાંનાં પોલાણોમાં વારંવાર ચેપ લાગે છે, મધ્યકર્ણમાં ચેપ ફેલાય છે, વ્યક્તિ મોં વડે શ્વાસ લે છે અને ક્યારેક નાકની અંદરની દીવાલ સુકાઈને ક્ષીણ થાય છે. આ છેલ્લી તકલીફને ક્ષીણતાજન્ય નાસિકાશોથ (atrophic rhinitis) કહે છે. નિદાનભેદ રૂપે નાકની દીવાલની શ્લેષ્મકલા(mucosa)ની અતિવૃદ્ધિ (hypertrophy), નાકમાંના મસા (polyp) તથા પડદામાં જામેલા લોહીના ગઠ્ઠા વગેરેને અલગ પાડવામાં આવે છે.
સારવાર : સતત કે વારંવાર થતી ઉપર જણાવેલી તકલીફોના ઉપચાર રૂપે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. તેમાં નાકની અંદરની દીવાલની નીચે આવેલા પડદાનો થોડો ભાગ કાઢી નંખાય છે. તેને અવશ્લેષ્મકલાકીય કાપછેદન (submucosal resection) કહે છે. જો મોટાભાગનો પડદો કાપી કાઢીને દૂર કરાય અને નાકના પડદાને સીધો કરી શકાય તો તેને પટલનવરચના (septoplasty) કહે છે. બહારથી દેખાતા વાંકા નાકને સીધું કરાય તો તેને નાસિકાનવરચના (rhinoplasty) કહે છે. નાકનો પડદો અને નાક બંનેને સીધાં કરાય તેને પટલ-નાસિકા નવરચના (septorhinoplasty) કહે છે. તે બાળકોમાં તથા નાકના આગળના ભાગની વિકૃતિમાં ખાસ ઉપયોગી છે.
શિલીન નં. શુક્લ
રાજેન્દ્ર બાળગે
મનોહર બાળગે