નાસારોગ (નાકના રોગો)

January, 1998

નાસારોગ (નાકના રોગો) : આયુર્વેદમાં ‘નાસા’ એટલે ‘નાક’. નાકના 31 પ્રકારના રોગ પંડિત ભાવમિશ્રે બતાવ્યા છે. (1) પીનસ અથવા અપીનસ, (2) પૂતિનસ્ય, (3) નાસાપાક, (4) રક્તપિત્ત, (5) પૂયશોણિત (પૂયરક્ત), (6) ક્ષવથુ, (7) ભ્રંશથુ, (8) દીપ્ત, (9) નાસાનાહ/પ્રતિનાહ, (10) પરિસ્રવ, (11 થી 15) નાસાશોષ (પાંચ પ્રકાર), (16 થી 19) ચાર પ્રકારના નાસાર્શ (નાકના મસા), (20 થી 26) નાસાશોથ (સાત પ્રકાર), 7 પ્રકારના અર્બુદ (ગાંઠ), (27થી 31) પાંચ પ્રકારની પ્રતિશ્યાય (શરદી).

(1) અપીનસ : આ રોગમાં નાકમાં પિત્તશોષિત કફ ભરાયો હોય એવું લાગે, નાકમાંથી ગરમ હવા આવે, ભીનાશ, નાક સુકાઈ જાય, ગંધજ્ઞાન અને રસજ્ઞાનનો નાશ તથા કયારેક નાકમાં કૃમિ ઉત્પન્ન થાય છે. જો વાતકફ વિકાર હોય તો શરદી પ્રતિશ્યાય સમાન લક્ષણો ઉત્પન્ન થાય છે.

(2) પૂતિનસ્ય : કંઠ, તાળવાના મૂળમાં સ્થિત વાયુ જ્યારે પિત્ત, કફ અને રક્તથી દૂષિત થાય ત્યારે મુખ અને નાસામાંથી દુર્ગન્ધ આવે; પૂતિ એટલે ગંધ મારતું નાક થાય.

(3) નાસાપાક : નાસાગત પિત્ત નાકમાં ફોલ્લી ઉત્પન્ન કરી, વ્રણશોથ(ગૂમડાં)ની જેમ પાક, ભીનાશ, વ્રણ અને સડો ઉત્પન્ન કરે છે. પાક એટલે પાકવો. નાકનું ગરમીથી પાકી જવું તે.

(4) રક્તપિત્ત : આ વ્યાધિ રક્તપિત્ત (રક્તસ્રાવ સમાન છે. તેના ચાર ભેદ છે – વાતિક, પૈત્તિક, કફજ અને સાન્નિપાતિક (ત્રિદોષજ). તેનાં બે ઉત્પત્તિ સ્થાન છે – યકૃત્ અને પ્લીહા અથવા આમાશય સમુત્થ અને પકવાશય સમુત્થ; તેનાં બે કારણો છે – સ્નિગ્ધનું અને રુક્ષ પદાર્થનું અતિસેવન; તેના બે માર્ગ એટલે કે પ્રવૃત્તિ માર્ગ છે : ઊર્ધ્વગ (નાકની જેમ ઉપરનો) અને અધોગ (ગુદાની જેમ નીચેનો).

(5) પૂયશોણિત (પૂયરક્ત) : વિદગ્ધ દોષોથી નિજ અને લલાટપ્રદેશમાં આઘાત (માર) લાગવાથી એટલે આગન્તુક કારણોથી રક્તમિશ્રિત પૂયસ્રાવ થાય છે. લોહી સાથે પરુ નાકમાંથી આવે છે.

(6) ક્ષવથુ એટલે વારંવાર છીંક આવવી. તેના બે ભેદ છે : (1) દોષજ (2) આગન્તુજ (બાહ્ય કારણ). શૃંગાટક મર્મમાં દુષ્ટિ થવાથી વાયુ કફ સાથે મિશ્રિત થઈ અવાજ સાથે બહાર આવે છે, તેને ‘દોષજન્ય ક્ષવથુ’ કહેવાય છે.

આગન્તુજ ક્ષવથુ : તીક્ષ્ણ પદાર્થ, તીક્ષ્ણ ગંધ કે સૂર્ય તરફ જોવાથી અથવા સૂત્ર (ઘેરો) વગેરે તરુણાસ્થિ કે શૃંગાટક મર્મને અડકવાથી ક્ષોભ થાય અને છીંક થાય તેને ‘આગન્તુજ ક્ષવથુ’ કહેવાય છે.

(7) ભ્રંશથુ : નાકમાં સંચિત કફ પિત્ત દ્વારા શિર કે લલાટ ગરમ થાય અને ઘન (ઘાટો), દૂષિત અને લવણ રસવાળો કફ (લીંટ) નાક દ્વારા બહાર આવે, તેને ‘ભ્રંશથુ’ કહેવાય છે.

(8) દીપ્તિ અથવા દીપ્ત : નાકમાંથી દાહયુક્ત, ધુમાડા જેવો વાયુ, ગરમ વાયુ (નિ:શ્વાસ) નીકળે, નાકમાં દાહ થાય તેને ‘દીપ્તિ’ કે ‘દીપ્ત’ કહે છે.

(9) પ્રતિનાહ (નાસાનાહ) : વાયુ અને કફ શ્વાસમાર્ગને બંધ કરે તેને ‘પ્રતિનાદ’ કહે છે. આ રોગમાં કફાવૃત ઉદાનવાયુ પ્રકુપિત થઈ નાક બંધ કરી શ્વાસકષ્ટ કરે છે.

(10) પરિસ્રવ કે પરિસ્રાવ : આ પ્રકારમાં નાકમાંથી સતત સ્રાવ વહે; ખાસ કરીને રાત્રે સ્રાવ થાય છે. શૃંગાટક મર્મમાં રહેલ કફ પીગળવાથી સ્રાવ થાય છે. ભાવપ્રકાશે આ સ્રાવ પાતળો કે જાડો, પીળો કે ઝાંખા વર્ણનો બતાવ્યો છે.

(11) નાસાશોષ : આ પ્રકારમાં વાયુ અને પિત્ત નાકમાં રહેલ કફને સૂકવી નાખે છે, જેથી દર્દી મુશ્કેલીથી શ્વાસ લઈ શકે છે. આ રોગને ‘નાસાપરિશોષ’ પણ કહે છે.

(12) નાસાર્શ અને (13) નાસાશોથ બંને ચાર પ્રકારના છે. વાત, પિત્ત, કફ અને સન્નિપાત(ત્રિદોષ)જન્ય; ‘નાસાશોથ’માં સોજા જેવાં અને ‘નાસાર્શ’માં અર્શ (હરસ-મસા) જેવાં લક્ષણો ઉત્પન્ન થાય છે.

(14) નાસાર્બુદ (નાકની ગાંઠ) 7 પ્રકારના છે. વાત, પિત્ત, કફ અને સન્નિપાતજન્ય, રક્તાર્બુદ, માંસાર્બુદ અને મેદાર્બુદ; તે તે પ્રકારના ‘અર્બુદ’ (ગાંઠ : tumour) જેવાં લક્ષણો થાય છે.

(15) પ્રતિશ્યાય : પ્રતિશ્યાય એટલે શરદી; પ્રતિશ્યાય બે પ્રકારે થાય છે : (આગંતુજ) સદ્યોજનિત અને આહારપાચનક્રમજનિત. તેની બે અવસ્થા છે. આમ અને પક્વ. આશુકારી અથવા તરુણ (acute) અને જીર્ણ (જૂની : chronic).

સદ્યોજનિત પ્રતિશ્યાયનાં કારણો : કુદરતી વેગ અટકાવવા, અજીર્ણ, રજ કે ધુમાડો નાકમાં જવો, ઋતુવિષમતા કે ઋતુસંધિકાલ, અતિસ્વપ્ન, દિવાસ્વપ્ન કે રાત્રિજાગરણ, શીત પદાર્થનું અતિસેવન, શીતલ પેય, ઝાકળ, અતિમૈથુન, ક્રોધ વગેરે માનસિક ભાવો; અતિરુદન; અનિયમિત આહાર, વિહાર વગેરે. માથામાં સંચિત કફને વાયુ બહાર કાઢે ત્યારે ‘પ્રતિશ્યાય’ (શરદી) થાય છે. આહાર-પાચન(ચયાદિ)-ક્રમ-જનિત પ્રતિશ્યાય : શિરમાં ધીરે ધીરે સંચિત થયેલ વાત, પિત, કફ અને રક્ત-પ્રકોપક કારણોથી પ્રકુપિત થઈ ચયાદિ ક્રમ પ્રમાણે પ્રતિશ્યાય ઉત્પન્ન કરે છે.

પ્રતિશ્યાયનાં પૂર્વરૂપો : વારંવાર છીંકો, માથું ભારે રહેવું, જકડાટ, અંગમર્દ, શરીર તૂટવું, રોમહર્ષ (રૂંવાડાં ઊભાં થવાં); જ્વર, અરુચિ વગેરે. આચાર્ય વિદેહે આ દર્દનાં વધારાનાં લક્ષણો બતાવ્યાં છે; જેમ કે, નાકમાંથી ધુમાડા જેવો વાયુ નીકળવો, નાકનો દાહ, પીડા, નાક અને મુખમાંથી જલીય સ્રાવ થવો.

શરદીના પ્રકારો : (1) વાતિક પ્રતિશ્યાયનાં લક્ષણો : નાક જાણે ભરેલું અને બંધ લાગે, નાકમાં રજ કે કણું હોય અને બંધ થઈ જાય, નાકમાંથી પાતળો સ્રાવ આવે, ગળું, તાળવું અને શંખ (લમણાં) પ્રદેશમાં શૂલ, હોઠ સુકાવા, તોદ (સોય ભોંકાવાની પીડા); અવાજ બેસી જવો, છીંક, મુખની વિરસતા (સ્વાદ બગડવો) વગેરે.

(2) પિત્તજ પ્રતિશ્યાયનાં લક્ષણો : નાકમાંથી ગરમ અને પીળા વર્ણનો સ્રાવ આવે, કૃશતા, પાંડુત્વ અને ઉષ્ણતા(તાવ)નો અનુભવ, ગરમીથી બેચેની, તૃષાધિક્ય અને નાકમાંથી ઓચિંતો ગરમ શ્વાસ નીકળે  એવાં લક્ષણો થાય છે.

(3) કફજ પ્રતિશ્યાયનાં લક્ષણો : નાકમાંથી શ્વેતવર્ણનો, ઠંડો કફ બહુજ પ્રમાણમાં નીકળે, રોગી શ્વેત લાગે, આંખો ચડી આવવી, (માથું ભારે થવું), શિરોગૌરવ; કંઠ, તાળવું નાક, હોઠ, શિર વગેરે ઊર્ધ્વાંગમાં ચળ થવી.

(4) સાન્નિપાતિક (ત્રિદોષજ) પ્રતિશ્યાયનાં લક્ષણો : આ જાતનો પ્રતિશ્યાય અકસ્માત (કારણ વગર કે ઓચિંતો) ઉત્પન્ન થાય અને શાંત થાય. તે પક્વ કે અપક્વ અવસ્થામાં શાન્ત થાય. તેમાં ત્રણેય દોષોનાં સંમિલિત લક્ષણો ઉત્પન્ન થાય છે. આચાર્ય વિદેહના મતે આ ‘સન્નિપાત પ્રતિશ્યાય’ અસાધ્ય છે. અહીં ‘અકસ્માત’ શબ્દ મહત્વનો છે. એટલે કે તેનાં કારણની ખબર પડતી નથી તેમજ કારણ વગર જ શાંત થાય છે.

(5) રક્તજ પ્રતિશ્યાય : આ પ્રકારમાં નાકમાંથી રક્તસ્રાવ થાય છે. આંખ તામ્રવર્ણની લાલ થઈ જાય, ઉરોઘાત (ઉર:ક્ષત), શ્વાસ, મુખમાંથી દુર્ગંધ અને ગંધજ્ઞાનનો નાશ થાય છે. ભવિષ્યમાં નાકમાં શ્વેત, સ્નિગ્ધ, અણુકૃમિ ઉત્પન્ન થતાં કૃમિજ શિરોરોગ જેવાં લક્ષણો ઉત્પન્ન થાય છે.

(6) દુષ્ટ પ્રતિશ્યાય : આ પ્રકારમાં ક્યારેક નાક ક્લેદ (કાદવશી ચીકાશ)યુક્ત થાય તો ક્યારેક સુકાઈ જાય છે. ક્યારેક નાક બંધ થઈ જાય તો ક્યારેક ખૂલી જાય છે, આ લક્ષણો દોષપ્રકોપ અને કાળ (સમય) પ્રમાણે થાય છે. શ્વાસોચ્છવાસમાં દુર્ગંધ અને ગંધજ્ઞાનનો નાશ થાય છે આ પ્રકારનો પ્રતિશ્યાય કષ્ટસાધ્ય છે.

પ્રતિશ્યાયના ઉપદ્રવો : પ્રતિશ્યાયની ઉપેક્ષા કરવામાં આવે કે મિથ્યા ચિકિત્સા કરવામાં આવે તો બહેરાશ, ખાંસી, મંદાગ્નિ, સોજા વગેરે તથા આંખના રોગો અને અંધતા પણ થાય છે.

પ્રતિશ્યાયની બે અવસ્થા છે – આમ અને પક્વ (કાચી અને પાકી).

આમપ્રતિશ્યાયનાં લક્ષણો : (આમ એટલે અપક્વ) માથું ભારે રહેવું, અરુચિ, નાકમાંથી પાતળો સ્રાવ, સ્વર (અવાજ) ક્ષીણ, ધીમો થાય, અવાજ બેસી જવો, ખૂબ લાળસ્રાવ.

પક્વ પ્રતિશ્યાયનાં લક્ષણો : આમ (કાચી) પ્રતિશ્યાય પાકે ત્યારે ‘પકવ’ કહેવાય. આમ કફ પક્વ થઈ ઘટ્ટ (લીંટ જેવો) થાય અને નાકમાં ભરાઈ જાય અને બહાર નીકળી શકે, સ્વર અને વર્ણ (રંગ) પ્રાકૃત થાય, તાવ આદિ શાંત થાય.

પ્રતિશ્યાય ચિકિત્સા : આમ અવસ્થામાં કફ પકવવા : સ્વેદ (શેક-બાફ) ઉષ્ણ (ગરમ) વીર્ય અને ગરમ આહાર, આદુથી સિદ્ધ ખીર (આર્દ્રકક્ષીરપાક) અથવા આદુનો રસ મધ કે ગોળ મેળવી પીવો.

આમ પાચન થાય પછી શિરોવિરેચનથી ઘટ્ટ સ્રાવ બહાર કાઢવો. વિરેચન (જુલાબ), આસ્થાપન (ઍનિમા), ધૂમ્રપાન, લૂખો આહાર, જવનું ભોજન અને હરડેનું સેવન કરવું.

વિહાર : નિર્વાત સ્થળે (સીધો પવન ન લાગે એવી જગ્યાએ) પથારી, આસન અને ક્રિયા કરવાં. શિર પર ગરમ અને ભારે વસ્ત્ર બાંધવું. કફહર ધૂમ્રપાન કરવું.

અપથ્ય : શીતળ જળપાન, માથું પલળે તેવી રીતે સ્નાન (શિરોવગાહ), ચિન્તા, અતિરુક્ષભોજન, કુદરતી વેગોનો અવરોધ, શોક, નવો દારૂ વગેરે વર્જ્ય છે. જો પ્રતિશ્યાય કે પીનસની સાથે ઊલટી, અંગપીડા, તાવ, અંગ ભારે રહેવું, અરુચિ કે ઝાડા અને અસુખ હોય તો લંઘન (ઉપવાસ), દીપન-પાચન-ચિકિત્સા કરવી.

સુશ્રુતના મતે નવી (તાજી) શરદી સિવાય દરેક શરદીમાં વાયુની પ્રધાનતા હોવાથી ઘૃતપાન કરાવવું જોઈએ અને અવસ્થા મુજબ ચિકિત્સા માટે સ્વેદ, વમન કે અવપીડનનસ્ય આપવું જોઈએ. પ્રતિશ્યાયની ઉપર પ્રમાણેની નવ (આમ) અને પક્વ અવસ્થા પ્રમાણે ચિકિત્સા કર્યા પછી દોષાનુસાર ચિકિત્સા કરવી જોઈએ.

વાતિક પ્રતિશ્યાયમાં પંચવલણથી સિદ્ધવૃત કે વિદારીગન્ધાદિ ગણથી સિદ્ધ ઘૃતનું પાન અને વિધિપૂર્વક નસ્ય આપવું જોઈએ.

પૈત્તિક અને રક્તજ પ્રતિશ્યાયમાં મધુર દ્રવ્યોથી સિદ્ધઘૃત અથવા કાકોલ્યાદિ ગણથી સિદ્ધઘૃતનું પાન કરાવવું. શીતલ પરિષેક (સિંચન) અને લેપ કરાવવા. દ્રાક્ષ, ગરમાળો વગેરેથી વિરેચન અને મધુર દ્રવ્યસિદ્ધકવાથના કોગળા કરાવવા, મધુર-દ્રવ્ય-સિદ્ધ તેલનું નસ્ય આપવું.

કફજ પ્રતિશ્યાયમાં પ્રથમ ઘૃતપાન કરાવી, સ્નિગ્ધ કર્યા પછી સ્વેદ આપવો, પછી તેલ અડદ વગેરેની યવાગૂ (સૂપ) પાઈ ઊલટી કરાવવી. કફનાશક ચિકિત્સા કરવી. નસ્ય અને ધૂમ્રપાન આપવું.

ત્રિદોષજ પ્રતિશ્યાયમાં કડવા-તીખા દ્રવ્યથી સિદ્ધ ઘૃતપાન, તીક્ષ્ણ ધૂમ્ર-પાન અને કડવાં રસપ્રધાન ઔષધ આપવાં. નસ્ય અને શિરો-વિરેચન કરાવવું.

રક્તજપ્રતિશ્યાયમાં કૃમિ ઉત્પન્ન થવાની શક્યતા છે. કૃમિ ઉત્પન્ન ન થાય તે માટે અને ઉત્પન્ન થયેલ કૃમિના નાશ માટે કૃમિનાશક ચિકિત્સા કરાય છે એટલે કે રોગના કારણનો ત્યાગ, અપકર્ષણ અને પ્રકૃતિવિધાત ચિકિત્સા કરાય છે.

દરેક જીર્ણ પ્રતિશ્યાયમાં મરી અને ગોળ દહીંમાં મેળવી આપવાં જોઈએ. આ ઉપરાંત વ્યોષાદિ વટી, કટફલાદિ ચૂર્ણ વગેરે વાપરી શકાય. રસૌષધિમાં નાગગુટી, કસ્તૂરીભૈરવ રસ, લક્ષ્મી-વિલાસ-રસ વગેરે વાપરવામાં આવે છે. અગ્નિકુમાર રસ, આનંદભૈરવ રસ, ત્રિભુવન-કીર્તિ રસ વગેરે પણ વાપરી શકાય.

પ્રતિશ્યાયહર ક્વાથ : રસતંત્રસાર અને સિદ્ધપ્રયોગસંગ્રહમાં આપેલ આ ક્વાથ પણ સારું કામ આપે છે. આ ઉકાળામાં નીચે પ્રમાણે દ્રવ્યો છે :

ઉનાબનંગ-7, વડગુંદા નંગ-7, બનફસા, ખસખસ, યષ્ટિમધુ, ગાવઝબાન અને વરિયાળી દરેક 5–5 ગ્રામ; સાકર 5 ગ્રામ. આ બધાને ખાંડી 500 મિ.ગ્રા. પાણીમાં ઉકાળાય છે. અર્ધું પાણી બાકી રહે ત્યારે તેને ગાળી લેવાય છે. પછી તે અર્ધું સવારે અને અર્ધું સાંજે પિવાય છે.

તુલસીનાં પાન નંગ 7થી 8, મરી 3થી 4 નંગ સાથે થોડાં વાટી પાણીમાં ઉકાળાય છે. આ પાણી દિવસમાં બે વાર પિવાય છે. આ બંને ક્વાથથી નવો પ્રતિશ્યાય, જીર્ણજ્વર, કબજિયાત, હૃદયનું ભારેપણું, શિર:શૂલ વગેરે 2થી 3 દિવસમાં મટી જાય છે.

અજીર્ણથી થયેલ પ્રતિશ્યાયમાં આરોગ્યવર્ધિની વાપરવામાં આવે છે.

અન્ય નાસારોગોની ચિકિત્સા : પૂતિનસ્ય અને અપીનસમાં સ્નેહ, સ્વેદ કરી વમન, વિરેચન કરાવે છે. સંસર્જનક્રમ કર્યા પછી તીક્ષ્ણ, ઉષ્ણ, અલ્પ અને લઘુ આહાર અપાય છે. પીવા માટે ઉષ્ણ જલ; ધૂમ્રપાન-કાલમાં ધૂમ્રપાન ઔષધિથી તૈયાર કરેલ અપાય છે. અવપીડ નસ્ય અપાય છે. અવપીડ નસ્યમાં હિંગ, ત્રિકટુ, વત્સક, શ્વેત સાટોડી, વજ, સરગવો, કઠ (ઉપલેટ), વાવડિંગ અને કરજ – એ દ્રવ્યો. ભાવપ્રકાશ અને સુશ્રુત બંનેએ તે શ્રેષ્ઠ બતાવ્યાં છે. આ જ દ્રવ્યોમાં ગોમૂત્ર નાંખી સિદ્ધ કરેલ સરસવનું તેલ પણ નસ્ય રૂપે વાપરી શકાય છે. સરગવાના બીજથી સિદ્ધ તેલનું નસ્ય પણ આમાં આપી શકાય છે.

નાસાપાક ચિકિત્સા : આમાં બાહ્ય અને આભ્યંતર પિત્તશમન કરે તેવી ચિકિત્સા કરવામાં આવે છે. રક્તમોક્ષણ કરાવે છે. ક્ષીરીવૃક્ષની અંતર્છાલનું ચૂર્ણ, ઘીમાં મેળવી લેપ કરાય છે. સ્વેદ પણ આપી શકાય.

નાસાગત રક્તપિત્તની ચિકિત્સા ઊર્ધ્વગ રક્તપિત્ત પ્રમાણે થાય છે.

પૂયરક્તમાં નાડીવ્રણોક્ત ચિકિત્સા અને વમન કરાવાય છે, અવપીડ નસ્ય, શોધન નસ્ય અને ધૂમ્રપાન પણ કરાવાય છે.

દીપ્ત રોગમાં પિત્તશમનચિકિત્સા, બાહ્ય-આભ્યાંતર શીત અને મધુર ઉપચાર થાય છે. થોડો સ્વેદ આપી, લીમડાના સ્વરસ અને રસાંજનનું નસ્ય આપી, દૂધ અથવા જલથી સિંચન કરાવી, મગનો સૂપ આપે છે.

ક્ષવથુ અને ભ્રશથુ નાસારોગમાં શિરોવિરેચન દ્રવ્યોથી પ્રધમન-નસ્ય અપાય. પ્રધમન-નસ્યથી કફ ક્ષીણ થાય છે અને વધુ વૃદ્ધિ થાય છે ત્યારે વાતઘ્ન અને સ્નિગ્ધ ચિકિત્સા થાય છે. સ્નિગ્ધ દ્રવ્યોથી ધૂમ્રપાન કરાવાય છે. ઘી, ગૂગળ, મીણનો ધુમાડો આપી શકાય. તે સાથે હિત, મિત (પ્રમાણસર) આહાર અપાય છે.

નાસાનાહ ચિકિત્સા : આ રોગમાં જમ્યા પછી સ્નેહપાન કરાવાય છે. સ્નિગ્ધ ધૂમ્રપાન, બલાતૈલનું પાન, અભ્યંગ (માલિસ), અનુવાસન (બસ્તિ) શિરોબસ્તિ, માથે માલિસ. આમાં વાતવ્યાધિની ચિકિત્સા કરાય છે.

નાસાસ્રાવ ચિકિત્સા : શિરોવિરેચન દ્રવ્યોથી પ્રધમન એટલે ભૂંગળી મારફત ફૂંકવામાં આવે છે. તીક્ષ્ણ અવપીડ નસ્ય; દેવદાર, ચિત્રક, અજમો વગેરે તીક્ષ્ણ દ્રવ્યોથી ધૂમ્રપાન. ભોજનમાં બકરીના માંસનો પ્રયોગ કરાવાય છે.

નાસાશોષ ચિકિત્સા : દૂધ + ઘી પ્રયોગ મુખ્ય છે. અણુતૈલ નસ્ય; ભોજનની મધ્યમાં ઘી પીવું; જાંગલ પશુપક્ષીના માંસરસ; સ્નેહ, સ્વેદ, સ્નિગ્ધ ધૂમ્રપાન અપાય છે.

નાકના અન્ય રોગો; જેમ કે, નાસાર્શ, નાસાશોફ વગેરેમાં તે તે રોગોમાં નિર્દિષ્ટ ચિકિત્સા થાય છે. નાસાર્શમાં અહીં બતાવેલ દ્રવ્યોથી સિદ્ધતેલનો નસ્ય, પાન વગેરેમાં ઉપયોગ થાય છે : ગૃહધૂમ, પિપ્પલી, દેવદાર, યવક્ષાર, હળદર, સિંધવથી સિદ્ધતેલનો નસ્ય-પાનમાં પ્રયોગ થાય છે.

ચં. પ્ર. શુક્લ