નાવ-દુરસ્તી (ship repairs)

January, 1998

નાવ-દુરસ્તી (ship repairs) : બધા પ્રકારની નૌકાઓની જાળવણી તથા સમયાંતરે દુરસ્તી કરવાનું કાર્ય. નૌકાઓનો બહારની બાજુનો ઘણો ભાગ સતત પાણીમાં રહે છે. લોખંડની નૌકાઓને પાણીમાં ક્ષારણ (corrosion) થતાં કાટ લાગે. એથી લોખંડની પ્લેટોની જાડાઈ ઘટે અને નૌકા નબળી પડે. ઘણા પ્રકારના સૂક્ષ્મ સામુદ્રિક જીવો (marine organisms) લોખંડની પ્લેટો પર સખત રીતે જામી જાય છે; આથી નૌકાની ઝડપ પર વિપરીત અસર થાય છે. કાટ લાગવાની પ્રક્રિયાને રોકવા તથા સામુદ્રિક જીવોને દૂર કરવા માટે ‘હલ’(વહાણના કાઠા)ને ખૂબ ઘસીને સ્વચ્છ કરવું પડે છે અને સ્વચ્છ કરાયેલ સપાટી પર કાટ-વિરોધક તથા અન્ય ક્ષારણરોધક રંગ લગાવવો પડે છે.

લાકડાનાં જહાજોમાં પણ, સતત વપરાશને લીધે, લાકડાનાં પાટિયાંના સાંધા ખૂલી જાય છે. જહાજમાં થોડું થોડું પાણી ભરાવા લાગે છે. પાટિયાં પર સામુદ્રિક જીવો પણ જામી જાય છે. આથી આવાં જહાજોને એક બે વર્ષના સમયાંતરે સાંધાઓની દુરસ્તી (caulking) કરવાનું, સામુદ્રિક જીવોને ઘસીને દૂર કરવાનું તથા ખાસ પ્રકારનું માછલીનું તેલ લગાવવાનું જરૂરી બને છે.

ક્યારેક નૌકાઓને સમુદ્રના તોફાનમાં સપડાવાથી અથવા પરસ્પરના અથડાવાથી અકસ્માત થાય છે. ક્યારેક નૌચાલકની ગફલતથી નૌકા છીછરા પાણીમાં કે કિનારા પર, જમીન પર ચડી જાય છે તેને ગ્રાઉન્ડિંગ કહેવાય છે. આવા અકસ્માત કે નૌકાના જમીન પર ચડી જવાને કારણે નૌકાનું તાત્કાલિક નિરીક્ષણ કરીને, જે કાંઈ નુકસાન થયું હોય તેને દુરસ્ત કરવું પડે છે.

નૌકાના ‘હલ’ ઉપરાંત, નૌચાલન માટે નૌકામાં રખાયેલ જુદાં જુદાં યંત્રો તથા અન્ય ઉપકરણોને પણ સમયાંતરે દુરસ્ત કરવાનું જરૂરી બને છે.

ઉપરનાં કારણોસર જરૂરી બનતી દુરસ્તીને બે પ્રકારમાં વહેંચી શકાય; જેમ કે :

(1) એવી દુરસ્તી કે જે જહાજ પાણીમાં તરતું હોય – પ્રવાસમાં કે બંદરમાં – તોપણ થઈ શકે. નૌચાલન માટે નૌકામાં રખાયેલ વિવિધ યંત્રો અને અન્ય ઉપકરણોની તથા પાણીની બહાર રહેતા હલના ભાગની દુરસ્તી આ પ્રકારમાં ગણાય.

(2) બીજા પ્રકારની દુરસ્તી કરવા માટે નૌકાને પાણીમાંથી બહાર કાઢવી જરૂરી બને. પાણીની અંદર ડૂબેલા હલના ભાગની દુરસ્તી તથા અકસ્માત કે ખડક કે તળિયા સાથે અથડાવાને લીધે જરૂરી બનેલી દુરસ્તી આ પ્રકારમાં ગણાય.

અકસ્માતથી ખડક કે તળિયા સાથે અથડાવાથી જરૂરી બનેલ સમારકામ શક્ય તેટલું જલદીથી નજીકમાં આવેલ અનુકૂળ સ્થળે કરી લેવું પડે. જ્યારે અન્ય પ્રકારનાં સમારકામ, અગાઉથી યોગ્ય આયોજન કરીને, દુરસ્તી માટે આવશ્યક સવલતો ઉપલબ્ધ હોય ત્યાં કરવામાં આવે છે. આવી સવલતો નીચે મુજબ ગણાય :

(ક) નૌકાને પાણીની બહાર કાઢી શકાય એ માટેની સવલત. એના પ્રકારો નીચે મુજબ છે :

(1) ગ્રિડ આયર્ન : આમાં, સમુદ્રની ઓટના લેવલ કરતાં, થોડી ઊંચાઈએ, જમીન પર લાકડાનાં બીમ ગોઠવીને, નૌકાને એના પર લોખંડના પાટડા તથા મૂલાધારની મદદથી ટેકવવામાં આવે છે.

(2) સરકણો રસ્તો : આમાં યાંત્રિક ગરગડીની મદદથી નૌકાને ઢાળવાળા રસ્તા પર ગોઠવાયેલ પાટા પર ખેંચીને પાણીની બહાર ટેકવવામાં આવે છે.

(3) સૂકી ગોદી : આમાં નૌકાના પ્રવેશ તથા નિર્ગમન માટે દરવાજો હોય છે. નૌકાને દરવાજામાંથી ગોદીમાં લીધા બાદ, દરવાજો બંધ કરીને, પંપ દ્વારા પાણી બહાર કાઢી લેવાય છે.

(4) તરતી ગોદી : એ લોખંડની બનાવાય છે અને સૂકી ગોદીની માફક, દરવાજામાંથી નૌકાને ગોદીમાં લીધા બાદ, પંપથી પાણી કાઢી લેવાય છે. આવી ગોદીનું જરૂરિયાત પ્રમાણે સ્થળાંતર પણ કરી શકાય છે.

(ખ) નૌકાના સમારકામ માટે આવશ્યક સાધનોથી સજ્જ વર્કશૉપ.

(ગ) જહાજને તરતું રાખીને સમારકામ થઈ શકે એવી વ્યવસ્થા.

(ઘ) દુરસ્તી માટે આવશ્યક માલસામાન તથા સામગ્રીની ઉપલબ્ધતા.

(ઙ) દુરસ્તીના જાણકાર તથા કુશળ કારીગરોની ઉપલબ્ધતા.

ભ. પ. કૂકડિયા