નાયર, (સર) સી. શંકરન્ (. 11 જુલાઈ 1857, મંકારા, પાલઘાટ, મલબાર; . 24 એપ્રિલ 1934) : પ્રતિભાશાળી ન્યાયવિદ, સમાજસુધારક અને રાષ્ટ્રીય નેતા. આખું નામ (સર) ચેત્તુર શંકરન્ નાયર. જન્મ ચેત્તુર કુટુંબમાં થયો હતો. એ પાલઘાટથી પશ્ચિમે લગભગ 25 કિમી.ને અંતરે આવેલા મંકારાનું જાણીતું માતૃવંશી કુટુંબ હતું. તેમની માતાનું નામ ચેત્તુર પાર્વતી અમ્મા હતું. તેમના પિતા શમુન્ની પનિક્કર તહેસીલદાર તરીકે સરકારી નોકરી કરતા હતા.

શંકરન્ નાયરે પ્રાથમિક શિક્ષણ મલબારની શાળાઓમાં લીધું. તેઓ 1877માં મદ્રાસ(ચેન્નાઈ)ની પ્રેસિડન્સી કૉલેજમાંથી બી.એ. થયા અને બે વર્ષ પછી ચેન્નાઈ લૉ કૉલેજમાંથી અભ્યાસ કરીને કાયદાની ડિગ્રી મેળવી. માર્ચ 1880થી તેઓ વકીલાતના વ્યવસાયમાં જોડાયા અને થોડા જ સમયમાં કુશળ વકીલ તરીકે નામના પ્રાપ્ત કરી. 1885માં તેમનું લગ્ન કુંહમલ્લુ અમ્મા સાથે થયું.

1899માં ચેન્નાઈમાં તેમની નિયુક્તિ સરકારી વકીલ અને પબ્લિક પ્રૉસિક્યુટર તરીકે થઈ. ત્યારપછી મદ્રાસ સરકારના પ્રથમ ભારતીય ઍડવોકેટ જનરલ તરીકે તેમની નિયુક્તિ થઈ. 1908થી 1915 સુધી તેઓ મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે રહ્યા. તે પહેલાં 1902માં વાઇસરૉય લૉર્ડ કર્ઝને તેમને યુનિવર્સિટીઝ કમિશનમાં સેક્રેટરી તરીકે નીમ્યા હતા. 1904 માં બ્રિટિશ સરકાર તરફથી તેમને સી.આઈ.ઈ. અને 1912માં ‘સર’નો ઇલકાબ આપવામાં આવ્યો. 1915માં સર શંકરન્ નાયર વાઇસરૉયની કાઉન્સિલના સભ્ય થયા. તેમને શિક્ષણખાતું આપવામાં આવ્યું હતું. 1917માં સર માઇકલ સૅડલરના અધ્યક્ષપદે રચવામાં આવેલા ઇન્ડિયન યુનિવર્સિટી કમિશનમાં તેમને સભ્ય તરીકે નીમવામાં આવ્યા હતા.

વાઇસરૉયની કાઉન્સિલના સભ્ય તરીકે સર શંકરન્ નાયરે 1919માં ભારતમાં બંધારણીય સુધારાના અહેવાલના સંદર્ભમાં પોતાની અસંમતિ દર્શાવતી બે અલગ નોંધ મૂકી હતી, જેમાં તેમણે બ્રિટિશ શાસનની ક્ષતિઓનો નિર્દેશ કર્યો હતો, અને તેમાં સુધારા કરવા માટેની ભલામણો કરી હતી. 1919માં પંજાબમાં સરકાર દ્વારા લોકો પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો તેના વિરોધમાં તેમણે વાઇસરૉયની કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું; તેમ છતાં સરકારે સર શંકરન્ નાયરની નોંધોમાં રજૂ કરવામાં આવેલી મોટા ભાગની ભલામણોનો સ્વીકાર કર્યો હતો અને એ જ વર્ષે તેમને ઇંગ્લૅન્ડમાં હિંદી વજીરની કાઉન્સિલના સભ્ય તરીકે નીમવામાં આવ્યા. 1921 સુધી તેઓ એ પદ પર રહ્યા હતા.

સર શંકરન્ નાયર શરૂઆતના તબક્કાથી રાષ્ટ્રીય આંદોલન સાથે સંકળાયેલા હતા. 1897માં ચેન્નાઈમાં મળેલી પ્રથમ પ્રાંતીય પરિષદના પ્રમુખ તરીકે તેમની વરણી કરવામાં આવી હતી, અને એ જ વર્ષે તેઓ અમરાવતીમાં ભરાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમના પ્રમુખીય ભાષણમાં તેમણે વહીવટી સુધારા અને સાંસ્થાનિક સ્વરાજની માગણી પર ભાર મૂક્યો હતો. 1900માં તેઓ મદ્રાસ (ચેન્નાઈ) લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય હતા; પરંતુ 1908થી 1921ના સમય દરમિયાન તેઓ સરકારી તંત્ર સાથે જોડાયેલા હોવાથી રાજકીય કાર્યકર તરીકે તેમની રાષ્ટ્રીય પ્રવૃત્તિ અટકી ગઈ હતી; તેમ છતાં વાઇસરૉયની કાઉન્સિલમાં રહીને પણ તેમણે સરકારની નીતિની ટીકા કરી હતી. 1928માં ભારતમાં આવેલા સાયમન કમિશનને સહકાર આપવા માટે રચાયેલ ભારતીય મધ્યસ્થ સમિતિના તેઓ પ્રમુખ હતા. આ સમિતિએ સાંસ્થાનિક સ્વરાજની તરફેણમાં ભલામણો કરી હતી, પરંતુ જ્યારે વાઇસરૉય તરફથી સાંસ્થાનિક સ્વરાજ આપવાની જાહેરાત કરવામાં આવી તે વખતે સર શંકરન્ નાયર રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયા હતા.

સર શંકરન્ નાયર પત્રકાર તેમજ લેખક હતા. તેઓ ‘મદ્રાસ રિવ્યૂ’ સામયિકના સ્થાપક તંત્રી અને ‘મદ્રાસ લૉ જર્નલ’ના સહતંત્રી હતા. તેમણે આ સામયિકો ઉપરાંત ‘કૉન્ટેમ્પરરી રિવ્યૂ’માં લેખો લખ્યા હતા. તેમના ‘ગાંધી ઍન્ડ ઍનાર્કી’ શીર્ષક હેઠળના પુસ્તકે વિવાદ સર્જ્યો હતો, કારણ કે તેઓ ગાંધીજીના ઘણા વિચારો સાથે સંમત થતા ન હતા.

સર સી. શંકરન્ નાયર

સામાજિક પ્રવૃત્તિના ભાગ રૂપે સર શંકરન્ નાયર મદ્રાસ કૉસ્મોપૉલિટન ક્લબ, ડિપ્રેસ્ડ ક્લાસિઝ મિશન સોસાયટી અને મદ્રાસ સોશિયલ રિફૉર્મ ઍસોસિયેશન જેવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. 1924માં મુંબઈમાં ભરાયેલ ઑલ ઇન્ડિયા સોશિયલ કૉન્ફરન્સના તેઓ પ્રમુખ હતા. તેઓ હિંદુ મહાસભાના પણ વગદાર સભ્ય હતા. 1931માં દિલ્હી ખાતે ભરવામાં આવેલ હિંદુ મહાસભાની ખાસ પરિષદના પ્રમુખ તરીકે તેમને પસંદ કરવામાં આવ્યા હતા. સામાજિક ક્ષેત્રે તેઓ જ્ઞાતિપ્રથાના ટીકાકાર રહ્યા હતા. તેમણે અસ્પૃશ્યતાની નાબૂદી તેમજ વિધવાવિવાહની તરફેણ કરી હતી. સર શંકરન્ નાયર સમાજના કચડાયેલા વર્ગની ઉન્નતિના હિમાયતી હતા. ધર્મપ્રેમી હિંદુ તરીકે તેમણે લોકોમાં સંવાદિતા સ્થાપવા અને માનવતાવાદી મૂલ્યો તથા સહિષ્ણુતાના ગુણ વિકસાવવા પર ભાર મૂક્યો હતો.

ર. લ. રાવળ