નાયર વી. કે. એન. કુટ્ટી

January, 1998

નાયર, વી. કે. એન. કુટ્ટી (. 6 એપ્રિલ 1932; તિરુવિલ્વમાલા, કેરળ; . 25 જાન્યુઆરી 2004) : મલયાળમ ભાષાના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પય્યાનકથકલ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેઓ વ્યવસાયે ખેડૂત હતા.

1955થી તેમણે વાર્તાઓ અને નવલકથાઓ લખવી શરૂ કરી. તેમણે કુલ 18 વાર્તાસંગ્રહો અને 10 નવલકથાઓ આપી છે. તેમની સંખ્યાબંધ વાર્તાઓ અંગ્રેજી તેમજ વિવિધ કેન્દ્રીય ભાષાઓમાં અનુવાદ પામી છે. તેમની અંગ્રેજીમાં અનુવાદ પામેલ ‘આરોહણમ્’ નામક નવલકથાને 1969માં કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. વળી વાર્તાસંગ્રહો માટે તેમને સાહિત્ય પ્રવર્તક સહકારણ સંઘમ્, કોટ્ટયમ્ તરફથી પ્રો. એમ. પી. પાઉલ પ્રાઇઝ એનાયત કરાયું હતું. રિલિજિયસ હાર્મની ઍવૉર્ડ 1987માં અપાયો હતો.

તેમની સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા 1982માં પુરસ્કૃત કૃતિ ‘પય્યાનકથકલ’માં ભરપૂર હાસ્યરસ અને વક્રોક્તિના તેમજ મૌલિકતા, નૈતિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા અને રસાળ શૈલીના કારણે મલયાળમ સાહિત્યમાં ઉત્કૃષ્ટ ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા