નાયપૉલ, (સર) વિદ્યાધર સૂરજપ્રસાદ (જ. 17 ઑગસ્ટ 1932, છગુઆના, ટ્રિનિદાદ; અ. 11 ઑગસ્ટ 2018, લંડન, યુ.કે.) : અંગ્રેજી સાહિત્યકાર. નવલકથા, પ્રવાસ અને ચિંતનસભર ગદ્યના સર્જક. મૂળ ભારતીય, બ્રાહ્મણ કુળના. પૉર્ટ ઑવ્ સ્પેન અને ઑક્સફર્ડમાં શિક્ષણ. તેમનો એકમાત્ર વ્યવસાય લેખન. પત્રકારત્વમાં ગળાડૂબ. બીબીસી, લંડનમાં ‘કૅરિબિયન વૉઇસિઝ’ના સંપાદક. ‘ધ મિસ્ટિક મેસ્યર’ (1957), ‘ધ સફ્રેજ ઑવ્ એલવિરા’ (1958) અને ‘મિગેલ સ્ટ્રીટ’(ટૂંકી વાર્તાઓ, 1959)માં ટ્રિનિદાદના લોકોની રહેણીકરણી અને રીતસરમોનું કટાક્ષથી ભરપૂર બયાન છે. આમાં પહેલા અને છેલ્લા માટે અનુક્રમે જૉન લૅવલીન રીઝ મેમૉરિયલ પ્રાઇઝ અને સમરસેટ મૉમ ઍવૉર્ડ એનાયત કરવામાં આવેલ. ‘અ હાઉસ ફૉર મિસ્ટર બિશ્વાસ’ (1961) એ ટ્રિનિદાદના એક કુટુંબની સામટી ત્રણ પેઢીઓની કથાએ તેમનું નામ સાહિત્યજગતમાં જાણીતું કર્યું. એમાં બાળપણના સ્મરણોને કથાત્મક રૂપે આલેખ્યાં છે.
પોતાના પિતાના જીવનમાંથી પ્રેરણા લઈ આ નવલકથાના નાયકને કુંડળી બનાવતા જ્યોતિષીમાંથી પત્રકારત્વના વ્યવસાયમાં જતો દર્શાવવામાં આવ્યો છે. પછીથી લગ્નની ફસામણીમાં પત્નીનાં પિયરિયાંમાં લગભગ ખોવાઈ જવાનું આવે છે. છેવટે એક છિન્નભિન્ન થઈ જતા જીવનની આ કુટુંબકથામાં સંતાનો નવી તકોને પામવા યુરોપમાં ચાલ્યાં જાય છે તેનું હૃદયંગમ બયાન છે. તેમની અન્ય કૃતિઓમાં ‘મિસ્ટર સ્ટોન ઍન્ડ ધ નાઇટ્સ કમ્પૅન્યન’ (1967, ડબલ્યુ. એચ. સ્મિથ ઍવૉર્ડ) અને ‘અ ફ્લૅગ ઑન ધી આઇલડ’ (1967, ટૂંકી વાર્તાઓનો સંગ્રહ) છે. ‘ઇન અ ફ્રી સ્ટેટ’ નવલકથા માટે તેમને બુકર પ્રાઇઝ (1971) એનાયત કરવામાં આવ્યું હતું. આમાં વ્યક્તિની રાષ્ટ્રીયતાના પ્રશ્નો ઉપરાંત પોતાના ‘સ્વ’ની શોધ માટે મુંબઈથી અમેરિકા પ્રયાણ કરી ગયેલા એક નોકરના, વેસ્ટઇન્ડીઝથી લંડન ગયેલા એક યુવકના અને અશ્વેત આફ્રિકા જેવા દુશ્મનાવટથી ભરેલા પ્રદેશમાં બે શ્વેત વ્યક્તિઓના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. ‘ગૅરીલાઝ’(1975)માં કૅરિબિયન ટાપુઓમાં થતી રાજકીય અને સામાજિક હિંસાનું નાટ્યાત્મક બયાન છે. ‘અ બૅન્ડ ઇન ધ રિવર’(1979)માં નવા આફ્રિકાનું ભીષણ હિંસાત્મક ચિત્રણ છે. ‘ધી એનિગ્મા ઑવ્ એરાઇવલ’ (1987) અને ‘અ વે ઇન ધ વર્લ્ડ’ (1994) તેમનાં અન્ય પ્રકાશનો છે. એમણે લખેલ પ્રવાસલખાણો વિવાદાસ્પદ રહ્યાં છે. એમનાં રેખાચિત્રોમાં કરુણરસનો પાસ છે. અલબત્ત, એમાં સત્યનો રણકો સંભળાય છે.
તેમણે વિશ્વભ્રમણ 1960માં શરૂ કર્યું. ‘ધ મિડલ પૅસેજ’(1962)માં વેસ્ટઇન્ડીઝ અને દક્ષિણ અમેરિકાનાં સંસ્થાનોની પ્રજા વિશે પોતાનાં આગવાં તારણો મૂક્યાં છે. ભારત વિશે તેમણે ‘ઍન એરિયા ઑવ્ ડાર્કનેસ’ (1964) અને ‘ઇન્ડિયા : અ મિલિયન મ્યૂટિનિઝ નાઉ’ (1990) પ્રસિદ્ધ કર્યાં. ‘ધ લૉસ ઑવ્ એલ ડોરેડો’ (1969) નવા જગતના ઇતિહાસ વિશેની તેમની આગવી સૂઝ દર્શાવતું પ્રકાશન છે. ‘ધી ઓવરક્રાઉડેડ બૅરેકૂન’ (1972) આત્મલક્ષી અને રાજકીય નિબંધોનો સંગ્રહ છે. ‘ધ રિટર્ન ઑવ્ ઇવા પેરૉન’ અને ‘ધ કિલિંગ્ઝ ઇન ટ્રિનિદાદ’ (1980) ઉભયમાં તેમણે આર્જેન્ટિના, ટ્રિનિદાદ અને કૉંગોમાં કરેલા પ્રવાસોનું ચિત્તાકર્ષક અવલોકન કર્યું છે. ‘ફાઇન્ડિન્ગ ધ સેન્ટર’(1984)માં પોતાના લેખક તરીકેના ઉદગમની છબી ઉપસાવી છે; આત્મકથાનો જાણે કે તે ઉપાદઘાત છે. ‘એમન્ગ ધ બિલીવર્સ : ઍન ઇસ્લામિક જર્ની’ (1981) તેમનું સાર્વત્રિક રીતે આવકાર પામેલું વિચારપ્રેરક પ્રકાશન છે. 1995માં ઇન્ડોનેશિયા, ઈરાન, પાકિસ્તાન અને મલેશિયાના પ્રવાસની ફલશ્રુતિ તેમણે ‘બિયૉન્ડ બિલીફ’માં રજૂ કરી છે. આ દેશોના ઇતિહાસમાં ઇસ્લામે શો શો ભાગ ભજવ્યો અને ત્યાંના મુસ્લિમો હવે શું કરવા માગે છે તેનો વાસ્તવિક ચિતાર લેખક અહીં આપે છે. તેમાં ઝીણું અવલોકન અને અનેકવિધ હકીકતોનું રસપ્રદ બયાન ધ્યાન ખેંચે છે. 2001નું નોબેલ પારિતોષિક એમને અપાયું છે.
અંગ્રેજી સાહિત્યની અપ્રતિમ સેવા માટે ઇંગ્લૅન્ડની રાણી એલિઝાબેથે તેમને ‘સર’(નાઇટહૂડ)નો ખિતાબ 1990માં બક્ષ્યો છે. ‘ડેવિડ કોહેન બ્રિટિશ લિટરેચર પ્રાઇઝ’ના પણ તેઓ વિજેતા બન્યા છે.
વિ. પ્ર. ત્રિવેદી