નાયર, ઈદાસેરી ગોવિંદન્ 

January, 1998

નાયર, ઈદાસેરી ગોવિંદન્  (. 23 ડિસેમ્બર, 1906, કુટ્ટીપુરમ્, કેરળ; . 16 ઑક્ટોબર, 1974) : મલયાળમ કવિ અને નાટકકાર. અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ. માંડ મૅટ્રિક સુધી ભણ્યા અને વકીલના ગુમાસ્તા તરીકે નોકરી લીધી. પણ પછી અનુભવ મેળવી, વકીલાતની પરીક્ષા પાસ કરી, વકીલાત કરવા માંડી. સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ એમણે ભાગ લીધેલો અને ‘ના-કર’ તથા  ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લઈ જેલવાસ ભોગવેલો. એમના કાવ્યસંગ્રહ ‘કાવિલે પાટ્ટુ’(1966)ને 1969માં સાહિત્ય એકૅડેમીનો એ વર્ષના શ્રેષ્ઠ મલયાળમ પુસ્તક માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એ કાવ્યસંગ્રહમાં મોટાભાગની કવિતામાં કેરળની ગ્રામીણ જનતાનું જીવન, એમની આશા, આકાંક્ષા, વેદના, ઉત્સવો વગેરેનું મોહક ચિત્રણ છે. આશાવાદ એમની કવિતાનો પ્રધાન સ્વર છે. એમના અન્ય કાવ્યગ્રંથો ‘અળકાવલિ’, ‘કરુત્ત ચેટ્ટિચિકેળ’, ‘ઓરૂપિટિ મેળ્ળિક્કા’માં પણ વિષયોનું અને કાવ્યશૈલીનું વૈવિધ્ય છે. કાવ્યો ઉપરાંત છ નાટકો પણ લખ્યાં છે, અને એમનું ‘કુટ્ટુકૃપિ’ નાટક અનેક વાર ભજવાયું હતું. કેરળ સરકાર યોજિત નાટ્યસ્પર્ધામાં એને પારિતોષિક પણ મળ્યું હતું. એમાં ખેડૂતના જીવનની કરુણતાનું હૃદયદ્રાવક નિરૂપણ છે.

તેમના નાટ્યસંગ્રહને ગવર્નમેન્ટ ઑવ્ મદ્રાસ ઍવૉર્ડ, તેમના કાવ્યસંગ્રહને 1969માં કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ અને કુમારન્ આસન પ્રાઇઝ પ્રાપ્ત થયેલાં.

ચન્દ્રકાન્ત મહેતા