નાયડુ, સી. કે. (. 31 ઑક્ટોબર 1895, વિજયવાડા, આંધ્રપ્રદેશ; . 14 નવેમ્બર 1967, ઇંદોર, મધ્યપ્રદેશ) : ભારતીય ક્રિકેટના પ્રથમ ટેસ્ટ સુકાની, ઝડપી બૅટિંગ કરતા ખમીરવંતા બૅટધર અને ચપળ ક્ષેત્રરક્ષક. 1916થી મુંબઈમાં ખેલાતી ચતુરંગી સ્પર્ધામાં ખેલતા હતા. 1926–27માં પ્રવાસી એમ.સી.સી. ટીમ સામે રમતાં 11 છગ્ગા અને 13 ચોગ્ગા સાથે 100 મિનિટમાં 153 રન કર્યા હતા. 1928–29માં હિંદુ ટીમ તરફથી ખેલતાં મુસ્લિમ ટીમ સામે 155 રન કર્યા હતા. 1932માં એમના સુકાનીપદે ભારતે ઇંગ્લૅન્ડનો પ્રવાસ કર્યો ત્યારે  સી. કે. નાયડુ શ્રેષ્ઠ બૅટધર તરીકે ઊપસી આવ્યા. એમણે પાંચ સદી સાથે 40.45 રનની સરેરાશથી 1,618 રન કર્યા હતા તેમજ 65 વિકેટો ઝડપી હતી.

સી. કે. નાયડુ

1933–34માં ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાં કુશળ સુકાની અને નિર્ભીક બૅટ્સમૅન તરીકેની એમની આવડત પ્રગટ થઈ. 1936માં ઇંગ્લૅન્ડના પ્રવાસમાં ઓવલના મેદાન પરની ત્રીજી ટેસ્ટમાં ગીબી ઍલનનો દડો જોરથી વાગ્યો હોવા છતાં નિવૃત્ત થવાને બદલે અઢી કલાક સુધી બૅટિંગ કરીને 81 રન કર્યા હતા. કર્નલને શોભે એવું મજબૂત શરીર અને સારી ઊંચાઈ ધરાવતા સી. કે. નાયડુના ફ્રંટ ફૂટના ફટકાઓ જોરદાર અને ઝમકદાર હતા. તેઓ ધારે ત્યારે છગ્ગો (સિક્સર) મારી શકે તેમ હોવાથી ક્રિકેટચાહકોમાં ‘સી. કે. સિક્સર’ તરીકે જાણીતા હતા ! મધ્યમ ઝડપી ગોલંદાજી કરનારા સી. કે. નાયડુની સુકાની તરીકેની વ્યૂહરચના આબાદ ગણાતી અને નિસાર જેવા ગોલંદાજો સુકાની અને ટીમને માટે પૂરી તાકાત નિચોવતા હતા. 69 વર્ષની ઉંમરે પ્રથમ કક્ષાનું ક્રિકેટ ખેલતા હતા અને 1916થી 1963 સુધીની પ્રથમ કક્ષાના ક્રિકેટની કારકિર્દીમાં 21 સદી સાથે 10,159 રન કર્યા અને 337 વિકેટો ઝડપી. ભારત તરફથી સાત ટેસ્ટ મૅચો રમીને એમણે 350 રન કર્યા હતા અને 9 વિકેટ ઝડપી હતી. કડક શિસ્ત, મક્કમ મનોબળ, ઝમકદાર ફટકાબાજી કરનારા ખેલાડી તરીકે સી. કે. નાયડુ દંતકથારૂપ બન્યા હતા. ક્રિકેટ જગતમાં ‘સી. કે.’ એટલે ‘ક્રિકેટ કિંગ’ તરીકે ઓળખાતા હતા. ભારતીય ટેસ્ટ ટીમની પસંદગી સમિતિમાં અને ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપપ્રમુખ તરીકે એમણે સેવાઓ આપી હતી.

નાનુભાઈ સુરતી