નાયક, હેમા (જ. 1952, મારગાવ, ગોવા) : કોંકણી નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમની કૃતિ ‘ભોગદંડ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ કોંકણી ઉપરાંત મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. તેમણે 1975થી 1995 સુધી બૅંકમાં સેવા આપી હતી. તેઓ કોંકણીના પ્રસિદ્ધ અપૂર્વાઈ પ્રકાશનના પ્રકાશક છે. એમણે 100 જેટલાં પ્રકાશનો કર્યાં છે અને ‘ચિત્રાંગી’ નામક મહિલા માસિકનાં સંપાદક છે. જેને ‘કથા જનરલ’ ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. એમણે પણ કેટલીક કૃતિઓના અનુવાદ કર્યા છે. ‘કાલિ કથા : વાયા બાયપાસ’નો અનુવાદ નોંધપાત્ર છે. 1995થી તેઓ અપૂર્વાઈ ચિત્ર ફિલ્મ પ્રોડક્શન ઍસોસિયેશનનાં અધ્યક્ષા પણ છે.
તેમણે 16 વર્ષની વયથી લેખનપ્રવૃત્તિ શરૂ કરીને નિબંધ, વાર્તાસંગ્રહ અને નવલકથાઓ આપ્યાં છે. તેમણે કુલ 5 ગ્રંથો આપ્યા છે; તેમાં ‘પસાઈ’ વાર્તાસંગ્રહ; ‘ભૈલી ગોડ્ડી’ એકાંકીસંગ્રહ; ‘નિર્બલ આણિ મુક્તિ’ નવલિકાસંગ્રહ; ‘કસ્તૂરીમૃગ’ નિબંધસંગ્રહ અને ‘ભોગદંડ’ નવલકથાનો સમાવેશ થાય છે. ‘ભોગદંડ’ અંગ્રેજીમાં અનૂદિત કરાઈ છે અને ‘નવહિંદ ટાઇમ્સ’ ગોવામાં પ્રસિદ્ધ થઈ છે. તેમની વાર્તાઓ અંગ્રેજી, તેલુગુ, હિંદી અને મરાઠીમાં અનૂદિત કરવામાં આવી છે. હેમા નાયકના લેખનમાં વિદ્રોહનો અવાજ સંભળાય છે જે એમના નારીવાદી વલણને છતું કરે છે. નવોદિત સર્જકો માટે માર્ગદર્શકરૂપ છે. ‘દુર્ગાવતાર’ નામક વાર્તામાં પુરુષના અત્યાચારથી ત્રસ્ત સ્ત્રી પતિને મારી નાખે છે.
નવલિકાસંગ્રહ ‘નિર્બલ આણિ મુક્તિ’ માટે કોંકણી ભાષા-મંડળ પુરસ્કાર, ‘ભોગદંડ’ માટે કલા અકાદમી સ્ટેટ લિટરરી પુરસ્કાર, ડૉ. ટી. એમ. એ. પૈ ફાઉન્ડેશન (મણિપાલ) ઉત્તમ ગ્રંથ પુરસ્કાર, એન. એમ. કે. આર. મહિલા કૉલેજ, બૅંગાલુરુનો શાશ્વતી પુરસ્કાર, ગોમંત તેજસ્વિની પુરસ્કાર, ગોવા સરકારનો યશદામિની પુરસ્કાર તેમજ તેમની ફિલ્મ ‘દેખન્ની દૂરાઈ’ને માટે બેસ્ટ ફિલ્મ પ્રોડ્યુસર ઍવૉર્ડ તેમને એનાયત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ભોગદંડ’ અખાતી દેશોમાં કામ માટે સ્થળાંતર કરી ગયેલા પુરુષવર્ગના અને તેમની પાછળ દેશમાં રહી ગયેલાં તેમનાં કુટુંબીજનોના ને તેમાંય ખાસ કરીને ખ્રિસ્તી સ્ત્રીઓના અનુભવોનું પ્રથમ વખત સફળતાપૂર્વકનું ચિત્રાંકન કરતી અનોખી નવલકથા છે. તેમાં ગોવાની એકાકી જિંદગીનું યથાર્થ સામાજિક નિરૂપણ વ્યક્ત થાય છે. ગોવાના ગ્રામીણ ખ્રિસ્તીઓની ગામઠી ભાષાનો ઉપયોગ, અસરકારક ચરિત્ર-ચિત્રણ અને જીવંત સંવાદોને કારણે આ કૃતિ કોંકણીમાં લખાયેલ ભારતીય નવલકથાસાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા