નાયકા : ગુજરાતમાં વસતી એક આદિવાસી જાતિ. તે ‘નાયકા’ કે ‘નાયકડા’ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પંચમહાલ, વડોદરા અને વલસાડ જિલ્લાઓમાં વસે છે. તેઓ મૂળે ભીલ જાતિનું એક પેટાજૂથ હશે તેમ મનાય છે. ચાંપાનેરના હિન્દુ રાજાના લશ્કરમાં તેઓ લશ્કરી ટુકડીના આગેવાનો – નાયક તરીકે કામ કરતા હતા તે પરથી તે ‘નાયક’, ‘નાયકા’ કે ‘નાયકડા’ અપભ્રંશ રૂપે કહેવાયા હશે. પાવાગઢના પતન પછી તે પંચમહાલ, વડોદરા તથા દક્ષિણ ગુજરાતનાં જંગલ વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયાના ઉલ્લેખો સાંપડે છે. અંગ્રેજ અમલ દરમિયાન 1885માં પંચમહાલમાં રૂપા નાયકા તથા કેવળ નાયકાના ભારે વિદ્રોહ તથા લૂંટફાટના ઉલ્લેખો મળે છે. 1863માં જાંબુઘોડામાં રેવાભગતનું એક મોટું ધર્મશુદ્ધિનું આંદોલન પણ તેમનામાં થયેલું.

તેઓ દેખાવે શ્યામ રંગના, મવાળ છતાં બહાદુર  હોય છે. પુરુષ ધોતિયું, ખમીસ તથા માથે ફેંટો પહેરે છે. સ્ત્રીઓ કચ્છો મારીને ચણિયો, લૂગડું, કબજો પહેરે છે. હાથે ધાતુની બંગડીઓ, બલોયાં પહેરે છે. તેમનાં ઘર માટીનાં કે વાંસનાં તથા ઘાસ અને નળિયાંથી છાયેલાં હોય છે. પાણિયારું ઘરની બહાર લાકડાની નાની નીચી માળીનું હોય છે. તેઓ પોતાનાં ઢોર અલગ છાપરીમાં ઘરની સામે બાંધે છે.

તેમનો મુખ્ય ખોરાક મકાઈનું ભૈડકું, રોટલા તથા ચોખા અને દાળ હોય છે. તેઓ ગધેડા, સાપ અને કાગડા સિવાયનાં પશુ-પક્ષીનું માંસ ખાય છે. તેઓ વાંદરાના માંસના શોખીન હોય છે. ક્વચિત્ મરેલા ઢોરનું માંસ પણ લે છે. દારૂ-તાડી પીએ છે. તેઓ મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, જંગલમજૂરી પર આધાર રાખે છે. તેમને મળતી જમીનનું પ્રમાણ ઘણું થોડું છે. કેટલાક  જંગલની ઊપજ પર જીવન ગુજારે છે. કેટલાક ચોકીદારીના વ્યવસાયમાં પણ જોડાયા છે. તેઓ ગાય, બળદ, ભેંસ જેવાં પશુઓ ઉપરાંત મરઘાં પણ પાળે છે.

તેમનામાં મુખ્ય ત્રણ પેટાજૂથો છે : (1) ઊંચા નાયકા, (2) નીચા નાયકા, (3) ચોલીવાલા નાયકા. ત્રણે જૂથો વચ્ચે ચઢતોઊતરતો દરજ્જો છે. ઉપલાં જૂથો નીચલા જૂથની કન્યા લે છે, પણ આપતા નથી. નીચા નાયકો મુખ્યત્વે મુસલમાન, પારસી તથા વોરા વેપારીઓને ત્યાં મજૂરી કરતા હોઈ તથા તેમનું ખાતા હોઈ તેમને હલકા ગણવામાં આવે છે. તેમનામાં સિંગડા, બોતડા, સાપટા, જીરવા, દળવી, માછી, લુહારિયા, મેવાસી, ડામરિયા, ગરાસિયા, દૂધિયા, ચૌહાણ, અગાસી, બામણિયા, તળાવલા, પાવરા, બરફ, ઢેડિયા જેવાં વિવિધ કુળો જોવા  મળે છે. એ દરેક કુળમાં આંતરલગ્નનો નિષેધ છે. એ કુળો ઘણી વખત અટકો તરીકે પણ વપરાય છે.

તેમનામાં સગોત્રી લગ્નનો તથા અન્ય જાતિ સાથેનાં લગ્નનો પણ નિષેધ છે. બહુપત્નીની છૂટ છે. ઘરજમાઈ, પુનર્લગ્ન તથા છૂટાછેડાની છૂટ છે. લગ્ન પહેલાંના જાતીય સંબંધો વિશે બહુ છોછ નથી, પરંતુ પછી લગ્ન ત્યાં જ કરવું પડે છે. છોકરો ના પાડે તો પંચ સમક્ષ છોકરીના ખોળામાં બેસાડીને સાત વખત ‘ના’ કહેવડાવે છે તથા દંડ કરવામાં આવે છે. લગ્ન માટે છોકરાપક્ષે માગું નાખવું પડે છે. કન્યા વરને પરણવા જાય છે.

તેઓ વન્યધર્મ પાળે છે. તેમના પરંપરાગત વન્ય દેવીદેવતાઓ જેવાં કે ડુંગરદેવી, હીરવો દેવ, વહેવારિયો દેવ, ઝાંપલિયો દેવ, કણસરી, મેમાઈદેવી, ભરમદેવ, હિમાર્યો દેવ, કાળુરાણો, વેરાઈ માતા, ગામખેડા માતા, ખતરી દેવ, અગાસી માતા, શીતળા માતા વગેરે ઉપરાંત હિંદુ દેવદેવીઓને પણ તેઓ માને છે. તેઓ ભૂત-પ્રેતમાં માને છે. તેમનો ધાર્મિક નેતા બડવો તરીકે ઓળખાય છે. તે આફત, દુ:ખ, માંદગી, મૃત્યુ, પિતૃપૂજા, ભૂત-પ્રેતનો ડર વગેરે પ્રસંગે તેમનો મદદકર્તા તથા મધ્યસ્થી ગણાય છે. તેઓ હોળી, જન્માષ્ટમી, દિવાસો, નવરાત્રી, દશેરા, દિવાળી વગેરે તહેવારો ઊજવે છે. મરેલાંનું શ્રાદ્ધ કરે છે. મૃતદેહને બાળે છે તથા દાટે પણ છે. પિતૃઓનાં ખતરાં મૂકે છે અને વારતહેવારે તેની પૂજા પણ કરે છે. સામાજિક ન્યાય માટે તેમનું જ્ઞાતિપંચ હોય છે. સૌ તેનો આદર કરે છે.

અરવિંદ ભટ્ટ