નાયક, હા. મા. (. 1931, હોસામાને, જિ. શિમોગા, કર્ણાટક; . 10 નવેમ્બર 2000, મૈસૂર) : કન્નડ ભાષાના વિદ્વાન વિવેચક, નિબંધકાર તથા કટારલેખક. તેમને ‘સંપ્રતિ’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે.

હા. મા. નાયક

મહારાજા કૉલેજ, મૈસૂરમાંથી કન્નડમાં તથા કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. તેમજ ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે મૈસૂર યુનિવર્સિટી ખાતે પ્રાધ્યાપક અને કન્નડ વિભાગના વડા તરીકે કામગીરી અદા કરી. 1964માં તેમને ફુલબ્રાઇટ શિષ્યવૃત્તિ પણ મળી હતી. તેમણે કન્નડ વિશ્વકોશના મુખ્ય સંપાદક તરીકેનો કાર્યભાર 1969થી 1984 સુધી તથા કર્ણાટક સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકેની જવાબદારી 1979–84 સુધી સંભાળ્યાં હતાં. ત્યારબાદ 1984–87 દરમિયાન તેમણે ગુલબર્ગ વિશ્વવિદ્યાલયના કુલપતિની જવાબદારી પણ અદા કરી હતી.

તેઓ કન્નડ તથા અંગ્રેજી ભાષામાં 100થી અધિક પુસ્તકોના લેખક, સંપાદક, સહસંપાદક તથા અનુવાદક છે. કન્નડ ભાષા અંગેની તેમની સેવા બદલ તેમને કર્ણાટક રાજ્ય પુરસ્કાર અને કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડથી સન્માનિત કરાયા હતા. વિદ્યાપતિની પુનર્રચના માટે વર્ધમાન પુરસ્કાર તથા ચિંતનશીલ ગદ્યકૃતિ ‘સલ્લાપ’ માટે મૈસૂર વિશ્વવિદ્યાલય તરફથી સુવર્ણજયંતી પુરસ્કાર એનાયત કરાયા હતા. છેલ્લે તેમણે મૈસૂર ખાતે ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કન્નડ સ્ટડીઝ’માં કન્નડના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવી હતી.

તેમની જાણીતી કૃતિઓમાં વાર્તાઓ, રેખાચિત્રો (‘હાવુ માથુ હેન્નુ’, ‘નમ્મા માનેયા દીપા’); સાહિત્યિક નિબંધો (‘જનપદ સ્વરૂપ’, ‘સાહિત્ય સંલાપ’, ‘સંપુટ’, ‘સંકીર્ણ’, ‘સંગ્રહ’); ગદ્યકૃતિઓ (‘સંપર્ક’, ‘સાંપ્રત’, ‘સંવહન’); બાલસાહિત્ય (‘ગુરુદેવ રવીન્દ્ર’ અને ‘મહંમદ પયગંબર’) તથા જીવનચરિત્રોમાં ‘રવીન્દ્રનાથ ઠાકુર’ વગેરેનો સમાવેશ થાય છે.

તેમને તેમની શ્રેષ્ઠ કૃતિ ‘સંપ્રતિ’ માટે 1989ના વર્ષનો આઈ.બી.એચ. એજ્યુકેશન ટ્રસ્ટનો પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. ‘સંપ્રતિ’માં સાહિત્ય, લલિતકલા, સંસ્કૃતિ તથા સામાજિક અને રાજનૈતિક સમકાલીન ઘટનાઓને લગતા 103 નિબંધોનું સંકલન છે. તેમાં તેમની નવીન અંતર્દૃષ્ટિ તેમજ વિચારોની ઓજસ્વિતા પ્રગટ થાય છે.

બળદેવભાઈ કનીજિયા