નાયક, બનિજારા (1972) : મૈથિલી સાહિત્યકાર બ્રજકિશોર વર્મા ‘મણિપદ્મ’(જ. 1918)ની નવલકથા. મિથિલાના પ્રખ્યાત લોક-મહાકાવ્યના કથાનકના આધારે આ નવલકથાની માંડણી થઈ છે. બુદ્ધના સમયમાં મિથિલામાં વેપારી વર્ગનાં જોર અને સત્તા હતાં; તેને કેન્દ્રમાં રાખીને લેખકે નવલકથામાં સામાજિક, સાંસ્કૃતિક તેમજ આર્થિક પરિસ્થિતિનું ચિત્રણ કુશળતાથી આલેખ્યું છે. તેમણે તેમની લાક્ષણિક કાવ્યમય શૈલીથી નાયકની વ્યવસાયી પ્રવૃત્તિઓનું પ્રાચીન મિથિલાની સામાજિક પરિસ્થિતિના પરિપ્રેક્ષ્યમાં કલાત્મક આલેખન કર્યું છે. પાત્રચિત્રણમાં પણ માનવસહજ રસપ્રદતા આલેખાઈ છે. નાયિકા ફૂલેશ્વરીના પાત્રચિત્રણમાં કૌટુંબિક ક્લેશની ક્રૂરતાનો ભોગ બનેલી આ નારીને તેના પતિ નાયકની ગેરહાજરીમાં કુંભ દોના નામની વ્યક્તિને વેચી મારવામાં આવે છે; પરંતુ ભારતીય નારીત્વને શોભે તેવા અને તેને દીપાવે તેવા ઉચ્ચ નૈતિક આદર્શોને અનુરૂપ રહી, ફૂલેશ્વરી તમામ દૂષણો તથા પડકારોનો સામનો કરે છે અને પોતાના ચારિત્ર્યને અણિશુદ્ધ રાખી આ વિટંબણા પાર કરે છે. છેવટે અત્યંત નાટ્યસહજ રીતે પોતાના પ્રિય પતિ સાથે તેનો મેળાપ થાય છે અને નવલકથાનો સુખદ અંત આવે છે.
લેખક પોતે મૈથિલી લોકસાહિત્યના ઊંડા અભ્યાસી છે અને સાથોસાથ નવલકથા સ્વરૂપના લોકપ્રિય નીવડેલા કસબી છે. આથી પ્રાચીન સમાજની ઐતિહાસિક પશ્ચાદભૂમિકામાં મૈથિલી જીવનશૈલીના સફળ આલેખનની સાથોસાથ પ્રવાહી વર્ણનશૈલી, પ્રભાવશાળી અને અનોખું પાત્રચિત્રણ, જીવન પ્રત્યેનો રચનાત્મક અને આદર્શવાદી અભિગમ તેમજ કુદરતી કાવ્યમય જમાવટ વગેરેને લીધે તે ગદ્યમાં લખાયેલું મહાકાવ્ય લેખાય છે.
આ નવલકથાને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
મહેશ ચોકસી