નાયક, બાપુલાલ ભભલદાસ

January, 1998

નાયક, બાપુલાલ ભભલદાસ (. 25 માર્ચ 1879, ગેરિતા, જિ. મહેસાણા; . 4 ડિસેમ્બર 1947, વડોદરા) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની બહુમુખી પ્રતિભા. એમનાં માતાનું નામ નરભીબહેન અને પિતાનું નામ ભભલદાસ હતું. એમણે વતન ઊંઢાઈમાં લખતાં-વાંચતાં આવડે એટલું શિક્ષણ લીધું હતું. ખેતી અને ભવાઈના એમના વ્યવસાયને છોડીને એમણે 1890માં માત્ર 11 વર્ષની ઉંમરે બાળઅભિનેતા તરીકે શ્રી મુંબઈ ગુજરાતી નાટકમંડળીમાં પ્રવેશ કર્યો. અભિનયની સહજ સૂઝના કારણે પ્રેક્ષકોએ તેમને ‘યુવાન બાપુડિયા’ના લાડકા નામે વધાવેલા. 16 વર્ષની વયે એમણે ‘મૂળરાજ સોલંકી’ નાટકમાં મૂળરાજની મુખ્ય ભૂમિકા ભજવીને લોકહૃદયમાં આદરભર્યું સ્થાન મેળવ્યું. ‘અજબકુમારી’ નાટકમાં રણવીર તરીકેનો એમનો અભિનય (1899) તેમની ઉત્તમ ભૂમિકાઓ પૈકીનો એક બની રહ્યો. 1900માં આ જ મંડળીમાં 21 વર્ષની વયે તેઓ દિગ્દર્શક બન્યા. નાટ્યક્ષેત્રે એમનો પ્રવેશ અને વિકાસ ઝડપી હતો.

બાપુલાલ અને જયશંકરની નટબેલડીએ ‘વિક્રમચરિત્ર’ (1901), ‘સૌભાગ્યસુંદરી’ (1901), ‘દાગે હસરત’ (1901), ‘જુગલ જુગારી’ (1903), ‘સ્નેહસરિતા’ (1915), ‘મધુબંસરી’ (1917) જેવાં નાટકોમાં 1932 સુધી અભિનય આપી ગુજરાતી વ્યવસાયી રંગભૂમિ ઉપર અભિનયની ઉત્તમ પ્રણાલીનું સર્જન કર્યું. ‘દાગે હસરત’ની એમની ફરહાદની ભૂમિકા તેમજ ‘વિક્રમચરિત્ર’ની રાજરતનની ભૂમિકા પછી વિશ્વના એક ઉત્તમ અભિનેતા તરીકે તેમની ગણના થતી. એમણે આશરે 100 જેટલાં નાટકોમાં અભિનય આપ્યો છે. 60 જેટલાં નાટકોનું દિગ્દર્શન કર્યું છે. 6 નાટકો અને થોડાં કાવ્યો પણ રચ્યાં છે. 1922માં તેઓ શ્રી મુંબઈ ગુજરાતી નાટકમંડળીના સ્વતંત્ર માલિક બનેલા.

બાપુલાલ ભભલદાસ નાયક

નટ તરીકે તે કદી ચોક્કસ ઢાળા(image)માં બંધાયા નથી. તેમણે ભિન્ન ભિન્ન રસની ભૂમિકાઓ ભજવી છે. જીવનનું ઊંડું નિરીક્ષણ, પાત્રને સમજવા માટેનો પરિશ્રમ, આંતરિક સૂઝ, શુદ્ધ ઉચ્ચાર, આંગિક અને વાચિક અભિનયની સૂક્ષ્મતાના અધ્યયન માટે પ્રમાણભૂત ગ્રંથોનું અધ્યયન, રંગમંચ પર સપ્રમાણ હલનચલન, મુખ પર પ્રસંગોચિત ભાવ-પ્રદર્શન કરવાની કળા, આરોહ–અવરોહયુક્ત અવાજ – આ બધા સફળ નટ માટેના આવશ્યક ગુણોને કારણે તેઓ ધીરોદાત્ત, ધીરગંભીર અને ધીરલલિત અભિનેતા બની શક્યા.

દયાશંકર વસનજી ગિરનારા પાસે તેઓ અભિનય અને દિગ્દર્શનની તાલીમ પામ્યા હતા. સોરાબજી કાત્રકની દિગ્દર્શનકલાનો અભ્યાસ પણ તેમણે કર્યો હતો. પોતાના દિગ્દર્શનને મૂલ્યવાન બનાવવા ‘ભરત નાટ્યશાસ્ત્ર’ની ખૂબીઓ જાણી, ઉર્દૂ તેમજ અંગ્રેજી નાટકોની રજૂઆતની જાણકારી મેળવી હતી. દિગ્દર્શનમાં તેઓ નાટ્યપ્રધાન (theatrical) શૈલીના પુરસ્કર્તા હતા. પાત્રને તેઓ ઊંડાણથી સમજતા અને પછી નટને સમજાવતા. નટને અભિનયમાં તન્મય બનાવવાની તેમના દિગ્દર્શનની ખૂબી હતી. સ્વગતોક્તિ આકર્ષક રીતે રજૂ કરવાની સૂઝ બાપુલાલની દિગ્દર્શનકલાનો વિષય બનતી. જયશંકર ‘સુંદરી’એ એમને પોતાના અભિનયગુરુ કહ્યા છે.

1926માં તેમણે ‘રાઈનો પર્વત’ જેવું સાહિત્યિક નાટક થોડાક ફેરફાર સાથે ભજવ્યું હતું. સાહિત્યશોખીન પ્રેક્ષકવર્ગ અને સાહિત્યકારોનો પ્રેમ પણ એમણે સંપાદન કર્યો હતો. નડિયાદ ગુજરાતી સાહિત્ય સભાએ 1911માં એમનું સન્માન કર્યું હતું. 1937ની રંગભૂમિ પરિષદમાં એમણે અમદાવાદના પ્રેમાભાઈ હૉલમાં જૈફ ઉંમરે અગાઉ ભજવેલાં વિવિધ પાત્રોના અંશ ફરીથી ભજવી સાહિત્યકારો અને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરેલા. 68 વર્ષના જીવનકાળમાં 67 વર્ષની ઉંમર સુધી રંગભૂમિ ઉપર તેમણે કામ કર્યું હતું. ગુજરાતી રંગભૂમિ પર અભિનય, દિગ્દર્શન અને સંસ્કારી નાટકો ભજવવાની પરંપરાના તેઓ પ્રબળ પુરસ્કર્તા હતા.

દિનકર ભોજક