નાયક, પ્રાણસુખ મણિલાલ

January, 1998

નાયક, પ્રાણસુખ મણિલાલ (. 23 એપ્રિલ 1910, જગુદણ, જિ. મહેસાણા; . 12 માર્ચ 1989, અમદાવાદ) : ગુજરાતની રંગભૂમિ પર પ્રાણસુખ ‘તેતર’ના નામે પ્રસિદ્ધ હાસ્યરસિક અભિનેતા. નટમંડળ દ્વારા ભજવાયેલા ‘મિથ્યાભિમાન’ નાટકમાં તેમની જીવરામ ભટ્ટની સફળ ભૂમિકા પરથી તેઓ જીવરામ ભટ્ટ તરીકે પણ ઘણા પ્રસિદ્ધ થયા હતા. જીવરામ ભટ્ટનો અભિનય તેમણે એવો સફળ રીતે કરેલો કે મંચ ઉપર તે સફેદ અંગરખો, માથે મોટી લાલ પાઘડી, લાલ કિનારનું પાનકોરી ધોતિયું, ખભે ખડિયો અને હાથમાં દોરીલોટો લઈને રંગમંચ પર પ્રવેશ કરતા ત્યારે પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ જતા.

પ્રાણસુખ નાયક (‘મિથ્યાભિમાન’ નાટકમાં જીવરામ ભટ્ટની ભૂમિકામાં)

ગુજરાતી ત્રણ ધોરણનો અભ્યાસ કરીને તેમણે 9 વર્ષની ઉંમરે રંગભૂમિપ્રવેશ કર્યો. સૌપ્રથમ તેઓ સૂરતની દેશી નાટક કંપનીમાં જોડાયા અને નાટકોમાં સ્ત્રીપાત્ર ભજવવામાં ઘણી સફળતા મળી. એ પછી તેઓ મોતીલાલ નંદવાણાની નાટકકંપનીમાં અને પ્યારેલાલની વિદ્યાવિનોદ નાટકમંડળીમાં જોડાયા અને વિવિધ નાટકોમાં સ્ત્રીપાત્ર ભજવીને ઘણી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. એ પછી તે મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાયા. અહીં બાપુલાલ બી. નાયક અને જયશંકર ‘સુંદરી’નો સહવાસ મળ્યો. એમના માર્ગદર્શનથી તેમની અભિનયશક્તિ ઘણી વિકાસ પામી. મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં ‘કુમળી કળી’ નાટકમાં એમણે બનારસની ભૈયાણીનું પાત્ર ભજવ્યું અને તે ‘લખનોરી તેતર’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ નાટકમાં તેમણે ગાયેલું ગીત ‘‘હું તો તમારી વહાલી ભૈયાજી ! ભાંગની પ્યાલી પાઓ ભૈયાજી! ” પ્રેક્ષકોના કાનમાં ગુંજતું રહેતું. હાસ્યકલાકાર છગન રોમિયો સાથે પણ તેમણે ઘણી ભૂમિકાઓ ભજવી હતી.

મુંબઈ ગુજરાતી નાટક મંડળી બંધ પડતાં, તેઓ પાલિતાણા ભક્તિપ્રદર્શક મંડળી અને પ્રભાત નાટક મંડળીમાં જોડાયા. આ મંડળીઓ બંધ થતાં તે અમદાવાદ આવ્યા અને ગુજરાત વિદ્યાસભા સંચાલિત નટમંડળમાં જોડાયા.

અહીં રસિકલાલ પરીખ, જયશંકર ‘સુંદરી’, દીનાબહેન ગાંધી(પછી પાઠક)ની દોરવણી નીચે તેમણે નટમંડળનાં અનેક નાટકોમાં સફળ ભૂમિકાઓ ભજવી; તેમાં ‘મિથ્યાભિમાન’માં જીવરામ ભટ્ટ, ‘મેનાં ગુર્જરી’માં બ્રાહ્મણની ભૂમિકાએ ઘણી લોકચાહના મેળવી હતી. તેમણે કેટલોક સમય ‘દર્પણ’, અમદાવાદમાં પણ સેવા આપી હતી. તેમણે ‘પ્રાણ થિયેટર્સ’ નામની સંસ્થા પણ શરૂ કરી હતી અને ગુજરાત સરકારના માહિતીખાતા તરફથી પ્રચારનાટકો પણ ભજવતા હતા. તેઓ કૅન્સરની બીમારીથી દેહાવસાન પામ્યા. ગુજરાતની સવેતન અને અવેતન રંગભૂમિના તેઓ સેતુ સમાન હતા.

ચીનુભાઈ નાયક