નાથ સંપ્રદાય : યોગવિદ્યાપરક પાશુપત શૈવ સિદ્ધાંતમાં માનતા યોગીઓનો સંપ્રદાય. નાથ એટલે જગતના રક્ષક કે સ્વામી યોગેશ્વર શિવ. તે સર્વપ્રથમ નાથ હોવાથી આદિનાથ કહેવાય છે. તેમનાથી આ સંપ્રદાયનો ઉદભવ થયો છે. એ પછી મત્સ્યેન્દ્રનાથ વગેરે બીજા આઠ નાથો નાથ સંપ્રદાયમાં થઈ ગયા. મત્સ્યેન્દ્રનાથે લખેલા ‘કૌલજ્ઞાન-નિર્ણય’ નામના ગ્રંથ મુજબ કૃતયુગમાં જે કૌલજ્ઞાન હતું તે ત્રેતાયુગમાં મહતકૌલ, દ્વાપરયુગમાં સિદ્ધામૃતકૌલ અને કળિયુગમાં યોગિનીકૌલ કે મત્સ્યોદર જ્ઞાન તરીકે ઓળખાયું છે. આચાર્ય અભિનવગુપ્તે પોતાના ‘તંત્રલોક’ નામના ગ્રંથના આરંભમાં જેમને નમસ્કાર કર્યા છે તે મત્સ્યેન્દ્રનાથ અને ગોરક્ષનાથ નવમી સદીમાં થઈ ગયા હોવાથી નવમી સદીમાં નાથ સંપ્રદાય અતિશય પ્રચાર પામેલો. વળી નાથ સંપ્રદાયની વિચારધારાનો ઉલ્લેખ પતંજલિ ઈ. સ. પૂ. બીજી સદીમાં કરતા હોવાથી નાથ સંપ્રદાય ઘણો પ્રાચીન છે. નાથ સંપ્રદાયના વિકાસમાં મત્સ્યેન્દ્રનાથ, ગોરક્ષનાથ, જાલંધરનાથ અને કૃષ્ણપાદનો ફાળો અગત્યનો છે.
નાથ સંપ્રદાય આઠ દિશામાં આઠ અને વચ્ચે કેન્દ્રમાં આદિનાથ અર્થાત્ શિવ એમ નવ નાથોને માને છે જેમાં (1) ગોરક્ષનાથ, (2) જાલંધરનાથ, (3) નાગાર્જુન, (4) સહસ્રાર્જુન, (5) દત્તાત્રેય, (6) દેવદત્ત, (7) જડભરત, (8) મત્સ્યેન્દ્રનાથ અને (9) આદિનાથ અર્થાત્ શિવનો સમાવેશ થાય છે. તંત્રશાસ્ત્ર મુજબ નવ નાથોમાં (1) આદિનાથ, (2) એકનાથ, (3) મત્સ્યેન્દ્રનાથ, (4) ઉદયનાથ, (5) દંડનાથ, (6) સત્યનાથ, (7) સંતોષનાથ, (8) કૂર્મનાથ અને (9) જાલંધરનાથની ગણના કરવામાં આવે છે. કાપાલિક સંપ્રદાય 24 નાથોને સ્વીકારે છે. નાથ સંપ્રદાયના મુખ્ય આચાર્યોને સિદ્ધ કે મહાસિદ્ધ કહે છે. તેમની સંખ્યા 84 જેટલી છે. 84 સિદ્ધોની નાથ સંપ્રદાયની યાદી કરતાં બૌદ્ધ વજ્રયાની સાધકોની યાદી થોડીક જુદી પડે છે. શાક્ત, વામમાર્ગ અને આજીવક સંપ્રદાયો પણ નાથ સંપ્રદાયની ઘણી બાબતો સ્વીકારે છે. એ નોંધવું જોઈએ કે બૌદ્ધ વજયાની સાધનાના પારિભાષિક શબ્દો નાથ સંપ્રદાયમાં પારમાર્થિક કે તાત્વિક અર્થમાં પ્રયોજાયેલા છે.
નાથ સંપ્રદાયના પ્રમુખ પ્રસારકો મત્સ્યેન્દ્રનાથ અને તેમના શિષ્ય ગોરક્ષનાથ વચ્ચે મતભેદ છે. ગોરક્ષનાથ મૈથુનપરક ગુહ્ય સાધનાઓના વિરોધક છે, જ્યારે ગુરુ મત્સ્યેન્દ્રનાથ તેના સમર્થક છે. કામરૂપના સ્ત્રીપ્રધાન દેશમાં જઈ વિલાસમાં ડૂબી ગયેલા પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથનો ઉદ્ધાર શિષ્ય ગોરક્ષનાથે કરેલો એવી વાત ખૂબ જાણીતી છે. તે બંને વચ્ચેના મતભેદને કારણે નાથ સંપ્રદાયના યોગીઓ મોટા ભાગે સંન્યાસી હોવા છતાં કેટલાક ગૃહસ્થ પણ હોય છે. એ જ મતભેદને કારણે નાથ સંપ્રદાયમાં કેટલાક કાલી દેવીના, કેટલાક ભૈરવના અને કેટલાક નાગદેવતાના પૂજક પણ હોય છે. આમ છતાં યોગસાધના દ્વારા કાયાને અમર કરવા માટે અને વિવિધ ચમત્કારો બતાવવા માટે નાથયોગીઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. નાથયોગીના બંને કાનની બૂટ ફાડી નાખવામાં આવતી હોવાથી નાથ સંપ્રદાયને કાનફટા સંપ્રદાયને નામે પણ ઓળખવામાં આવે છે. નાથ યોગીઓને શૈવ યોગીઓના 18 વિભાગો સાથે થતો કલહ દૂર કરવા ગોરક્ષનાથે નાથ સંપ્રદાયને 12 વિભાગોમાં વહેંચ્યો છે; તેથી નાથ સંપ્રદાયને બારનામી સંપ્રદાય પણ કહે છે. આ બાર વિભાગોમાં (1) સત્યનાથી, (2) ધર્મનાથી, (3) રામપંથ, (4) નટેશ્વરી, (5) કન્હણ, (6) કપિલાની, (7) વૈરાગી, (8) માનનાથી, (9) આઈપંથી, (10) પાગલપંથ, (11) ધજપંથ અને (12) ગંગાનાથીનો સમાવેશ થાય છે. તેમાં (1) કંઠરનાથી, (2) પાગલનાથી, (3) રાવલ સંપ્રદાય, (4) પંખ કે પંક, (5) બન, (6) ગોપાલ કે રામ, (7) ચાંદનાથ કપિલાની, (8) હેઠનાથ, (9) આઇપંથ ચોલીનાથ, (10) વૈરાગપંથ, (11) પાવનાથ અને (12) ધજનાથ નામના બાર પેટાવિભાગો સમાઈ જાય છે. ઉપરાંત, વામારંગ નામનો તેરમો વિભાગ સંપૂર્ણ નહિ, અડધો વિભાગ ગણાય છે.
નાથ સંપ્રદાયનું તત્વજ્ઞાન કે દર્શન પણ વિશિષ્ટ છે, તેથી નાથ સંપ્રદાયને દરશની સંપ્રદાય એવું નામ પણ આપવામાં આવ્યું છે. મત્સ્યેન્દ્રનાથના તત્વજ્ઞાન મુજબ જ્યાં સુધી અકુલવીરરૂપી જ્ઞાન ન થાય ત્યાં સુધી મનુષ્ય બાળકબુદ્ધિથી ‘આ ધર્મ છે’, ‘ આ શાસ્ત્ર, આ તપ, આ લોક, આ માર્ગ, આ દાન, આ ફળ, આ જ્ઞાન, આ જ્ઞેય, આ શુદ્ધ, આ અશુદ્ધ, આ સાધન, આ સાધ્ય, આ તત્વ, આ ધ્યાન વગેરે વિકલ્પો છે’ એમ બબડે છે. જ્ઞાન થતાં જ તે નિર્વિકલ્પ બની જાય છે. અદ્વૈત તત્વનું જ્ઞાન થતાં પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ વગેરેની જરૂરત રહેતી નથી. એ પછી તે બ્રહ્મા, શિવ, દેવી વગેરે સાથે અભિન્ન થઈ પોતે જ ધ્યાતા અને ધ્યેય બંને બની જાય છે. પૂજન, હોમ, યજ્ઞ, ઉપવાસ, નિત્યકર્મ, નૈમિત્તિક કર્મ, પિતૃકાર્ય, તીર્થાટન, ધર્મ, અધર્મ, ધ્યાન વગેરેથી અતીત થઈ નિર્દ્વંદ્વ બને છે. ગોરક્ષનાથે કાયાયોગનાં સાધનોને એટલે યોગનાં આસનો, બંધો, પ્રાણાયામ, પ્રત્યાહાર, સમાધિ વગેરેને નિશ્ચિત સ્વરૂપ આપવાની સાથે છ ચક્રો, સોળ આધારો, બે લક્ષ્યો, પાંચ વ્યોમ વગેરેનું નિયમન કર્યું છે.
નાથ સંપ્રદાયના સાહિત્યમાં ગોરક્ષનાથનો સિંહફાળો છે. તેમના ગુરુ મત્સ્યેન્દ્રનાથે ‘કૌલજ્ઞાનનિર્ણય’ અને ‘અકુલવીરતંત્ર’ નામના બે ગ્રંથો નાથ સંપ્રદાયના તત્વજ્ઞાન વિશે રચ્યા છે. જ્યારે ગોરક્ષનાથે સંસ્કૃતમાં 30 ગ્રંથો લખ્યા છે. તેમાં (1) अमनस्क, (2) अमरौध, (3) शासन, (4) गोरक्षशतक, (5) गोरक्षसंहिता, (6) योगमार्तण्ड, (7) योगबीज, (8) विवेकमार्तण्ड, (9) हठसंहिता અને (10) सिद्धसिद्धान्तपद्धति મુખ્ય છે. વળી હિંદી ભાષામાં गोरखबानी નામનો ગ્રંથ ઉપલબ્ધ છે. ભરથરી, ચર્પટનાથ, મચ્છન્દરનાથ, ગોપીચંદ વગેરે નાથ સંપ્રદાયના અનેક યોગીઓની રચનાઓ ગુજરાતી, હિંદી, મરાઠી વગેરે પ્રાદેશિક ભાષાઓમાં જોવા મળે છે. એ બધી જ રચનાઓમાં યોગીઓ માટે ઉપદેશ, યોગસાધના વિશેની વાત, કામક્રોધનું વર્ણન, સહજ જીવન, સહજ શીલ, સંયત આચરણ, દૃઢ બ્રહ્મચર્ય અને ક્યારેક સંસારીઓ માટેની નીતિમત્તાની વાતો રજૂ કરવામાં આવી છે. આમ નાથ સંપ્રદાયનું સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
પ્ર. ઉ. શાસ્ત્રી
ચીનુભાઈ નાયક