નાગલી : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળનું એક તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Eleusine coracana Gaertn. (સં. રાજિકા, નર્તકા, બાહુદલ; હિં, નાચની; મ. નાચણી, નાગલી; ગુ. રાગી, બાવટો, નાગલી; તે રાગુલુ; તા. ઇરાગી; મલા. કોશ, મટ્ટારી; ફા. નંડવા; અં. ફિંગર મિલેટ) છે. તે ટટ્ટાર, એક વર્ષાયુ અને 0.6-1.2 મી. ઊંચું ઘાસ હોય છે. તેનું મૂળ ખૂબ જ મજબૂત હોય છે. તેનું પ્રકાંડ ગુચ્છિત (tufted) હોય છે અને તે તલશાખાઓ (tiller) ધરાવે છે. તેઓ બાજુએથી કેટલેક અંશે ચપટાં હોય છે. પુખ્તાવસ્થાએ 4–6ની સંખ્યામાં આંગળી આકારની સીધી કે સહેજ અંદરની તરફ વળેલી શૂકી (spike) ઉત્પન્ન કરે છે. તે 12.5–15.0 સેમી. લાંબી અને લગભગ 1.3 સેમી પહોળી હોય છે. તેના અક્ષ ઉપર લગભગ 70 જેટલી શૂકિકાઓ (spikelets) એકાંતરિત રીતે ગોઠવાયેલી હોય છે. પ્રત્યેક શૂકિકા 4–7 બીજ ધરાવે છે. તેઓ ગોળાકાર કે કેટલેક અંશે ચપટાં, લીસાં કે રુક્ષ સપાટીય (rugose), ઘેરા લાલથી સફેદ રંગનાં અને 1–2 મિમી. વ્યાસવાળાં હોય છે. બીજ પરનાં છોતરાં ખૂબ સખત હોવાથી દાણાનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે. ઘટ્ટ કરતાં ખુલ્લા પ્રકારનાં ડૂંડાંવાળી જાત વધારે ઉત્પાદન આપે છે.

પર્ણ–પુષ્પ સાથે નાગલીની શાખા

તે ભારત અને આફ્રિકાની મૂલનિવાસી છે અને ઉષ્ણકટિબંધીય પાક છે. વિશ્વના હૂંફાળા પ્રદેશોમાં થતી E. indicaની કૃષિજ (cultigen) છે. પૂર્વ આફ્રિકા, ઇથિયોપિયા અને સોમાલીલૅન્ડની ઘણી જનજાતિઓનો તે મુખ્ય આહાર છે. તેનો માલ્ટન (malting) અને નિસ્રવન(exudation)માં પણ ઉપયોગ થાય છે.

ગુજરાત રાજ્યમાં હલકાં ધાન્યોનું વાવેતર ડાંગ, વલસાડ, સૂરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ અને સાબરકાંઠાના ડુંગરાળ પ્રદેશમાં થાય છે. આ પ્રદેશોમાં નાગલી વાવેતરના વિસ્તાર અને ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે.

જાતો : નાગલીની પસંદગી અને સંકરણ દ્વારા અનેક જાતો વિકસાવવામાં આવી છે; જેમાં EC (Ragi Co. 1), AR 525 અને AR 325, EC, 1540, K.1, H.22, R.0009, R.0871, R.0883, R.0833, R.0870, R.0324, R.0786, E. 31, B. 11, વગેરેનો સમાવેશ થાય છે. EC. 1540 સફેદ દાણાવાળી, વધારે વિટામિન ‘બી’ (700r/100g.) અને પ્રોટીન (14.2 %) ધરાવતી જાત છે. જગુદણ 44 જાતનું સ્થાનિક જાત કરતાં 17 % વધારે ઉત્પાદન થાય છે.

ગુજરાતમાં પસંદગીથી ગુજરાત નાગણી–1 1976–77માં તૈયાર કરવામાં આવેલી સુધારેલી જાત છે. તે સ્થાનિક કરતાં 10.6 % જેટલું વધારે ઉત્પાદન આપે છે. તેનું સરેરાશ ઉત્પાદન 2,358 કિગ્રા./હૅક્ટર છે. ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આ જાત ખૂબ જ અનુકૂળ માલૂમ પડી છે.

જનીનીય ભિન્નતા ધરાવતી સ્થાનિક જાતોમાંથી પસંદગી દ્વારા ગુજરાત નાગલી–2 જાત વિકસાવવામાં આવી છે. દાણાનું કદ ગુજરાત નાગલી–1 કરતાં સહેજ મોટું અને રંગ આકર્ષક હોય છે. તેથી લોકો તેને પસંદ કરે છે. ગુજરાત નાગલી–1 કરતાં આ જાત 19 % જેટલું વધારે ઉત્પાદન આપે છે. આ જાતનું સરેરાશ ઉત્પાદન 2,378 કિગ્રા./હૅક્ટર છે. તેનું વધારે વિસ્તારોમાં વાવેતર થાય છે.

ગુજરાત નાગલી–3 જાત કે.એમ. 13 અને ગુ. નાગલી–2ના સંકરણથી તૈયાર કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ડુંગરાળ પ્રદેશમાં વાવેતર માટે તે અનુકૂળ છે. આ દાણાનો રંગ ઈંટ જેવો લાલ હોય છે. તે આદિવાસીઓને પસંદ હોય છે અને ગુ. નાગલી–2 કરતાં વહેલી પાકે છે. તે રોગ અને જીવાત સામે પ્રતિકારકશક્તિ ધરાવે છે.

પૂર્વતૈયારી : વાવણી પૂર્વે અગાઉના પાકની લણણી થઈ ગયા પછી જમીનમાં હળ અથવા ટ્રૅક્ટર આડું તથા ઊભું ચલાવી ઊંડી ખેડ કરવામાં આવે છે. ખેતરમાંથી પાકનાં તથા નીંદામણનાં જડિયાં વીણી લઈ ખેતર સાફ કરવામાં આવે છે.

ધરુવાડિયું : ડાંગરની જેમ નાગલીની ફેરરોપણી કરવામાં આવે તો વધારે ઉત્પાદન મળે છે. ડાંગ, સૂરત અને વલસાડ જેવા વધુ વરસાદવાળા પ્રદેશમાં ગાદીક્યારા ઉપર ધરુ તૈયાર કરવામાં આવે છે; જ્યારે પંચમહાલ જિલ્લામાં જ્યાં વરસાદ ઓછો હોય ત્યાં જૂન માસમાં વરસાદ થઈ ગયા પછી સપાટ ક્યારા બનાવી ધરુવાડિયું તૈયાર કરવામાં આવે છે. ધરુવાડિયાની જમીન બરાબર ખેડી ઢેફાં ભાંગીને તૈયાર કરવામાં આવે છે. ગાદીક્યારા એક મીટર પહોળા અને ઢાળ મુજબ 5–6 મી. લાંબા બનાવાય છે. સપાટ ક્યારા 1.0–1.5 મી. પહોળા બનાવાય છે.

ધરુવાડિયામાં બીજ ન પૂંખતાં કોદાળીથી 10 સેમીના અંતરે 5 સેમી. ઊંડા ચાસ પાડી તેમાં વાવવામાં આવે છે; જેથી ધરુવાડિયામાં નીંદામણ સારી રીતે કરી શકાય. નાગલીનો દાણો ઝીણો હોઈ એક હૅક્ટરની રોપણી માટે 10 આર (0.1 હૅક્ટર) જમીનમાં ધરુવાડિયું કરી 10 સેમી. અંતરે હારમાં પ્રમાણસર બીજ વાવવામા્ં આવે છે. હૅક્ટરે 4–5 કિગ્રા. બિયારણ વપરાય છે. ધરુ તૈયાર કરતી વખતે 1 કિગ્રા. બીજ માટે 3ગ્રા.ના પ્રમાણમાં એઝોસ્પાઇરિલમનો પટ આપી ધરુ નાંખવામાં આવે છે.

વાવણી : 20 દિવસનું ધરુ ફેરરોપણી માટે યોગ્ય જણાયું છે. ફેરરોપણી અગાઉ પૂરતો વરસાદ હોય ત્યારે જમીનને હળથી ભાંગીને સમાર મારવો જરૂરી હોય છે. જમીન ભાંગતાં અગાઉ પાયાનું ખાતર આપવામાં આવે છે.

બે હરોળ વચ્ચે 30 સેમી. અને બે છોડ વચ્ચે હરોળમાં 78 સેમી.નું અંતર રાખી ફેરરોપણી કરવામાં આવે છે. હૅક્ટરે 6 લાખ છોડ વાવી શકાય છે. વરસાદ પડતાં અગાઉ હૅક્ટરદીઠ 15થી 20 ગાડાં સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં નાખવામાં આવે છે. ફેરરોપણી વખતે હૅક્ટરદીઠ 10 કિગ્રા. નાઇટ્રોજન અને 10 કિગ્રા. ફૉસ્ફરસ આપવામાં આવે છે. ફેરરોપણી બાદ 30 દિવસે હૅક્ટરદીઠ 10 કિગ્રા. પ્રમાણે નાઇટ્રોજન આપવો જરૂરી છે. જરૂર જણાયે બેથી ત્રણ વાર નીંદામણ કરવામાં આવે છે.

રોગો અને જીવાત : નાગલીને કોઈ ગંભીર રોગ થતા નથી કે જીવાત લાગુ પડતી નથી. Melanopsichium eleusinis નામની ફૂગ દ્વારા અંગારિયા(smut)નો રોગ થાય છે. Helminthosporium nodulosum અને બીજી જાતિઓ દ્વારા પાનનાં ટપકાં કે પાનની ઝાળનો રોગ લાગુ પડે છે. બદામી ગેરુ દ્વારા પાન ઉપર અને ડૂંડાંઓ ઉપર ગેરુ રંગનાં ટપકાં ઉત્પન્ન થાય છે. કૉપર સલ્ફેટના દ્રાવણ દ્વારા બીજને માવજત આપવાથી અને સેરેસન જેવાં ફૂગનાશકોના ઉપયોગથી રોગનું નિયંત્રણ થઈ શકે છે. Pirucularia eleusine દ્વારા કરમાવા (blast)નો રોગ થાય છે. કેટલીક વાર તે રોગચાળા(epidemic)-સ્વરૂપે થાય છે. બીજાંકુરો પુખ્ત છોડ કરતાં વધારે સંવેદનશીલ હોય છે. આ ફૂગ ડૂંડાઓને પણ લાગુ પડે છે. કેટલાક કિસ્સાઓમાં તેનાથી ઉત્પાદનમાં 50 % જેટલું નુકસાન થઈ શકે છે. દાણાની રંગીન જાત સામાન્યત: સફેદ જાત કરતાં વધારે રોગ-અવરોધક છે. નાગલી માટે તળછારા(downy mildew)નો રોગ જોખમી છે.

જીવાતોમાં ગાભમારાની ઇયળ કે કમોડી રોગનો ઉપદ્રવ નોંધપાત્ર છે. ગાભમારાની ઇયળ માટેની હેક્ટરદીઠ 10-15 કિગ્રા. પ્રમાણે કાર્બોફ્યુરાન 3 % દાણાદાર દવા છોડમાં નાખવામાં આવે છે. કમોડી રોગ માટે 10 લિ. પાણીમાં 10 મિલિ. હીનોસન ભેળવી છંટકાવ કરવામાં આવે છે.

 ઉત્પાદન : સમગ્ર ભારતમાં 1197–98થી 2000–01 સુધી નાગલીના વાવેતરનાં વિસ્તાર, કુલ ઉત્પાદન (output) અને ઊપજક્ષમતા (yield) સારણી1માં આપવામાં આવેલ છે :

સારણી 1 : ભારતમાં નાગલીનો વાવેતરવિસ્તાર (લાખ હૅક્ટર), કુલ ઉત્પાદન (લાખ ટન) અને ઉત્પાદનદર (કિગ્રા./હૅક્ટર)

વર્ષ

વિસ્તાર કુલ ઉત્પાદન

ઊપજક્ષમતા

1997-98

1998-99

1999-2000

2000-01

16.57

17.58

16.34

17.76

20.87

26.08

22.90

27.41

1,260

1,480

1,400

1,540

વરસાદ-આધારિત સ્થિતિમાં નાગલીનું સરેરાશ ઉત્પાદન 560-784 કિગ્રા./હૅક્ટર જેટલું અને વધારેમાં વધારે 5040 કિગ્રા./હૅક્ટર જેટલું થાય છે. પિયત-જમીનમાં તેનું ઉત્પાદન વરસાદ-આધારિત સ્થિતિ કરતાં લગભગ બે ગણું મળે છે. ઘાસનું ઉત્પાદન વરસાદ-આધારિત વિસ્તારમાં 1120–2240 કિગ્રા/હૅક્ટર અને પિયત જમીનમાં 4480–8960 કિગ્રા./હૅક્ટર જેટલું થાય છે. લીલા ચારા તરીકે પંજાબમાં નાગલીનો ઉપયોગ થાય છે; જ્યાં ત્રણ કાપણી દ્વારા લગભગ 13,776 કિગ્રા./હૅક્ટર ઉત્પાદન મેળવાય છે.

પોષણમૂલ્ય : નાગલીનું પોષણમૂલ્ય ચોખા કરતાં વધારે અને ઘઉં જેટલું હોય છે. છોતરું દાણાના વજનના
5–6 % જેટલું હોય છે; જે બધાં ધાન્યોમાં સૌથી ઓછું છે. દાણાનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 13.1 %, પ્રોટીન 7.1 %, મેદ 1.3 %, ખનિજદ્રવ્ય 2.2 %, કાર્બોદિતો 76.3 %, કૅલ્શિયમ 0.33 %, ફૉસ્ફરસ 0.27 % અને સલ્ફર 0.19 %, લોહ 5.4 મિગ્રા. ઝિંક 1.4 મિગ્રા. કૅરોટિન (ઇન્ટરનેશનલ વિટામિન ‘એ’ યુનિટ) 70, વિટામિન ‘બી’, 420r અને નિકોટીનિક ઍસિડ 1.1 મિગ્રા./ 100 ગ્રા. નાગલીમાં વિટામિન ‘બી1’ 270-700r/100 ગ્રા. જેટલું હોય છે. આયોડિન બધાં ધાન્યો કરતાં સૌથી વધારે પ્રમાણમાં (101.4r/100 ગ્રા.) હોય છે. સફેદ નાગલીની EC 1540 જાતમાં પ્રોટીન 14.0 % જેટલું હોય છે. સફેદ નાગલીનું પોષણમૂલ્ય લાલ નાગલી કરતાં વધારે હોય છે. ઇલ્યુસીનીન નામના નાગલીના પ્રોલેમાઇનનું સિસ્ટીન, ટાયરોસિન અને ટ્રિપ્ટોફેનના સંદર્ભમાં ઘઉંના ગ્લાયેડીન કરતાં જૈવિક મૂલ્ય વધારે ગણાય છે. તે જવ કરતાં પણ નાઇટ્રોજનદ્રવ્ય વધારે પ્રમાણમાં ધરાવે છે. તેના અંકુરિત દાણાની ડાયાસ્ટેટિક પ્રક્રિયા જુવારના અંકુરિત દાણા કરતાં વધારે હોય છે.

ઉપયોગ : નાગલી મૈસૂર, ચેન્નાઈ અને મુંબઈ તથા ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં કૃષિવર્ગોનું મુખ્ય ધાન્ય છે. તેને દળીને પૂરી, ખીર, રાબ વગેરે બનાવવામાં આવે છે. દાણાને આથવી તેમાંથી બિયર બનાવામાં આવે છે. દાણામાંથી માલ્ટ મેળવી નવજાત શિશુઓ અને અશક્ત વ્યક્તિઓને પોષક આહાર તરીકે આપવામાં આવે છે. મધુપ્રમેહના દર્દીઓને નાગલીની ‘પથ્ય આહાર’ તરીકે ભલામણ કરવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર, નાગલી તૂરી, કડવી, મધુર, તર્પણ, બલકર, લઘુ તથા શીતળ હોય છે. તે પિત્ત અને ત્રિદોષનો નાશ કરે છે. નાગલીની શ્યાનતા (viscosity) નીચી હોય છે અને વિરંજન (bleaching) દ્વારા શ્યાનતા વધારે ઘટાડી શકાય છે.

તેની પરાળ ઢોર માટે પોષણક્ષમ ખોરાક ગણાય છે. તરુણ છોડનું પોષણમૂલ્ય ઓટ જેટલું હોય છે, પરંતુ દાણા બનતાં તેનું મૂલ્ય ઘટે છે. લીલા ચારામાં પાણી 80.83 %, મેદ 0.48 %, પ્રોટીન 1.94 %, દ્રાવ્ય કાર્બોદિતો
7.85 %, રેસો 5.38 %, કુલ ભસ્મ 3.52 % અને HClમાં દ્રાવ્ય ભસ્મ 2.28 % હોય છે. સૂકા ચારામાં પ્રોટીન 3.67 %, રેસો 35.93 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 51.38 %, ઈથરનિષ્કર્ષ 0.92 %, કુલ ભસ્મ 8.10 %, HClમાં દ્રાવ્ય ભસ્મ 5.35 %, CaO 1.11 %, P2O5 0.16 %, MgO 0.45 %, Na2O 0.26 % અને K2O 1.5 % હોય છે. સંરક્ષિત લીલી પરાળને ‘સાઇલેજ’ (silage) કહે છે. તે પાણી 73.0 %, પ્રોટીન 4.27 %, મેદ 1.36 %, રેસ 8.10 %, કાર્બોદિતો 9.22 % અને ભસ્મ 4.06 % ધરાવે છે.

રમણભાઈ પટેલ

કેશવભાઈ ગુમાન પટેલ

બળદેવભાઈ પટેલ