નાગર, ઈશ્વરદાસ (સત્તરમી સદી) : ઔરંગઝેબના જોધપુર પરગણાના મુલકી અધિકારી અને સમકાલીન ઇતિહાસકાર. તે વડનગરા નાગર જ્ઞાતિના પાટણના વતની હતા. મારવાડના તારણહાર દુર્ગાદાસના તેઓ મિત્ર હતા. ગુજરાતના સૂબા શુજાઅતખાનની સૂચનાથી ઈશ્વરદાસે દુર્ગાદાસ અને ઔરંગઝેબ વચ્ચે સમાધાન કરાવવા વિષ્ટિકાર તરીકે કામ કર્યું હતું.

ઈશ્વરદાસે ‘ફુતૂહાત-ઇ-આલમગીરી’ નામનો ઈ. સ. 1657થી 1698ના ગાળાને આવરી લેતો રાજસ્થાનનો ઇતિહાસ લખ્યો છે. તે સમકાલીન હોઈ તથા મુઘલ રાજ્યના અધિકારી હોઈને આ ગ્રંથની વિગતો પ્રમાણભૂત છે.
ડૉ. જદુનાથ સરકારે દુર્ગાદાસની વિગત માટે આ પુસ્તક ઉપર આધાર રાખ્યો હતો.

શિવપ્રસાદ રાજગોર