નાગર, અમૃતલાલ (. 17 ઑગસ્ટ 1916, આગ્રા; . 23 ફેબ્રુઆરી 1990, લખનૌ ઉત્તરપ્રદેશ) : હિંદી સાહિત્યકાર. 200 વર્ષથી ઉત્તરપ્રદેશમાં વસવાટ કરતા ગુજરાતી બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેઓ પોતે લખનૌ રહેતા. પિતાનું નામ રાજારામ અને માતાનું નામ વિદ્યાવતી. માત્ર 19 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં અર્થોપાર્જનની જવાબદારી ઉપાડવી પડી. તેમ છતાં સતત અધ્યયન દ્વારા સાહિત્ય, ઇતિહાસ, પુરાણ, પુરાતત્વ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન જેવા વિષયોનું જ્ઞાન સંપાદન કર્યું તથા હિંદી, ગુજરાતી, મરાઠી, બંગાળી અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ પ્રાપ્ત કર્યું. થોડા સમય માટે સામાન્ય નોકરી કર્યા પછી હાસ્યરસને વરેલી પ્રસિદ્વ પત્રિકા ‘ચકલ્લસ’નું સંપાદન કર્યું. ઘણાં વર્ષ સુધી મુંબઈ તથા ચેન્નાઈના ચલચિત્ર-ક્ષેત્ર માટે લેખનકાર્ય કર્યું તથા હિંદી ચલચિત્રોના ડબિંગ-કાર્યમાં સહકાર આપ્યો. 1953–56 દરમિયાન આકાશવાણી, લખનૌ ખાતે સેવા આપ્યા પછી સ્વતંત્ર રીતે લેખનકાર્ય આરંભ્યું.

અમૃતલાલ નાગર

શરૂઆતમાં લખેલાં કાવ્યો ‘મેઘરાજ ઇન્દ્ર’ તખલ્લુસથી પ્રસિદ્વ કર્યાં.   વ્યંગાત્મક રેખાચિત્રો તથા નિબંધોના પ્રકાશન માટે ‘તસ્લીમ લખનવી’ તખલ્લુસ પસંદ કર્યું. છેવટે વાર્તાકાર-નવલકથાકાર તરીકે ખ્યાતિ પામ્યા. તેમની પ્રથમ નવલકથા ‘બૂંદ ઔર સમુદ્ર’ના પ્રકાશન સાથે એક ઉત્તમ નવલકથાકાર તરીકે પ્રતિષ્ઠા મળી. તેમની અન્ય બહુચર્ચિત નવલકથાઓમાં ‘મહાકાલ’, ‘સેઠ બાંકેમલ’, ‘શતરંજ કે મોહરે’, ‘સુહાગ કે નૂપુર’, ‘અમૃત ઔર વિષ’, ‘સાત ઘૂંઘટવાલા મુખડા’, ‘એકદા નૈમિષારણ્યે’, ‘માનસ કા હંસ’, ‘ખંજન નયન’, ‘નાચ્યો બહુત ગોપાલ’નો સમાવેશ થાય છે. નવલકથા ઉપરાંત તેમણે નાટક, રેડિયો નાટક, રૅપૉર્તાઝ, નિબંધ, સંસ્મરણ, તેમજ બાલસાહિત્યના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મુલાકાત-વૃત્તાંતોમાં ‘ગદર કે ફૂલ’, ‘યે કોઠેવાલિયાં’, ‘જિન કે સાથ જિયા’ વિશેષ નોંધપાત્ર છે. ‘અમૃત નાગર રચનાવલી’માં તેમની બધી મૌલિક કૃતિઓ સંકલિત કરવામાં આવી છે.

વિપુલ મૌલિક સાહિત્યસર્જન ઉપરાંત તેમણે ફ્રેન્ચ લેખક મોપાસાં તથા રશિયન સાહિત્યકાર ચેખૉવની વાર્તાઓ હિંદીમાં અનૂદિત કરી છે. કનૈયાલાલ મુનશીનાં ત્રણ નાટકો, મરાઠી નાટકકાર મામા વરેરકરનાં મરાઠી નાટકો તથા વિષ્ણુભટ્ટ ગોડસેનાં યાત્રાસંસ્મરણ ‘માઝા પ્રવાસ’નો ‘આંખોં દેખા ગદર’ નામે અનુવાદ કરીને તેમણે આ ક્ષેત્રમાં પણ તેમની સજ્જતાનો પરિચય આપ્યો છે.

તેમને મળેલા પુરસ્કારોમાં ‘બૂંદ ઔર સમુદ્ર’ને કાશી નાગરી પ્રચારિણી સભા દ્વારા બટુકપ્રસાદ પુરસ્કાર તથા સુધાકર રજતપદક, ‘સુહાગ કે નૂપુર’ માટે ઉત્તરપ્રદેશ સરકારનો પ્રેમચંદ પુરસ્કાર, ‘અમૃત ઔર વિષ’ માટે સાહિત્ય અકાદમી અને 1967નો સોવિયેત લૅન્ડ નહેરુ પુરસ્કાર તથા સાહિત્યક્ષેત્રે તેમના પ્રદાન માટે યુગાન્તર પુરસ્કાર ઉલ્લેખનીય છે.

હિંદીના ગંભીર નવલકથાકારોમાં તે સર્વાધિક લોકપ્રિય છે. તેમના સાહિત્યમાં પરંપરા તથા આધુનિકતા બંનેનો સમન્વય થયો છે, જેને કારણે તેમને નવા તથા જૂના બંને પ્રકારના વાચકોની પ્રશંસા પ્રાપ્ત થઈ છે. આધ્યાત્મિકતામાં તેમની ગાઢ શ્રદ્વા રહી છે, પરંતુ વ્યક્તિ-ચરિત્રની સમસ્યાને સમાજના સંદર્ભમાં તે રજૂ કરતા રહ્યા છે. તેમણે વ્યક્તિ (બુંદ) અને સમાજ (સમુદ્ર) બંનેનું ધ્યાન રાખ્યું છે. તેમની જીવનદૃષ્ટિમાં અતિરેક અને દુરાગ્રહ જોવા મળતા નથી. વિફલતાનું આલેખન કરતી વેળાએ પણ તેને તેમણે મનુષ્યની નિયતિ તરીકે સ્વીકારી નથી. તેમણે વ્યક્તિગત અનુભવો અને સામાજિક સંદર્ભોની કસોટી પર પોતાના વિચારોની સમીક્ષા કરી છે.

કિસ્સાકથનમાં નિપુણ નાગરજીએ સમાજ સાથે સમરસ થઈને જોયેલાં ચરિત્રો તથા પ્રસંગોની પોતાની વિશિષ્ટ શૈલીમાં રજૂઆત કરી છે. નારી પ્રત્યે તેમનો દૃષ્ટિકોણ સહાનુભૂતિપૂર્ણ રહ્યો છે. ખુશમિજાજ તથા વિનોદવૃત્તિ તેમની શૈલીની વિશિષ્ટતાઓ રહી છે, જેને કારણે તેમની કૃતિઓ જીવંત તથા સરસ બની રહી છે. તે વિષયવસ્તુને મુખ્ય માનતા. તેમની કૃતિઓથી હિંદી સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. તેઓ 1981માં ‘પદ્મભૂષણ’થી, 1988માં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ શિખર સન્માનથી અને 1985માં ભારત ભારતી પુરસ્કારથી સન્માનિત થયા છે. તેમણે વિવિધ સંસ્થાઓમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ જેવાં પદો શોભાવ્યાં હતાં.

ગીતા જૈન

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે